તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
દિલ્હીમાં સંસદ માર્ચ અને નીટ પેપર લીક વિરોધ પ્રદર્શન વચ્ચે સનસનાટી: 'કોકરોચ જનતા પાર્ટી'ના સંસ્થાપક અભિજીત ડિપકેની અટકાયતના અહેવાલો દિલ્હી પોલીસે સદંતર ફગાવ્યા
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી અટકળો પર પૂર્ણવિરામ મૂકતાં પોલીસ વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી કે અભિજીત ડિપકેની ધરપકડ કે અટકાયત કરવામાં નથી આવી, તેઓ હાલ મંચ પર જ ઉપસ્થિત છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે યોજાયેલા ‘સંસદ ચલો’ માર્ચ અને નીટ-યુજી (NEET-UG) પેપર લીક વિરોધ પ્રદર્શન દરમિયાન ભારે ઉહાપોહ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર એવી અફવાઓ અને દાવાઓ તીવ્ર ગતિએ વાયરલ થયા હતા કે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના સંસ્થાપક અને યુવા ચહેરા અભિજીત ડિપકેની દિલ્હી પોલીસે અટકાયત કરી લીધી છે. આ અહેવાલો વાયરલ થતાં જ રાજકીય ગલિયારોમાં અને આંદોલનકારીઓમાં ભારે રોષ તેમજ હડકંપ મચી ગયો હતો. જો કે, આ મામલે સ્થિતિ વધુ વણસે તે પહેલાં જ દિલ્હી પોલીસે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે અને અટકાયતના તમામ દાવાઓને પાયાવિહોણા તેમજ ભ્રામક ગણાવ્યા છે.
દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અભિજીત ડિપકેની ધરપકડ કે અટકાયતને લઈને જે અહેવાલો ફેલાવવામાં આવી રહ્યા છે તેમાં કોઈ સત્ય નથી. પોલીસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ પ્રકારની માહિતી તદ્દન ખોટી અને ગેરમાર્ગે દોરનારી છે. વાસ્તવિકતા એ છે કે અભિજીત ડિપકે પોલીસ કસ્ટડીમાં નથી, પરંતુ તેઓ સુરક્ષિત રીતે મંચ પર જ ઉપસ્થિત છે. પોલીસના આ નિવેદન બાદ આંદોલન સાથે જોડાયેલા સહયોગીઓ અને પ્રવક્તાઓએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના અગાઉના દાવા પાછા ખેંચી લીધા હતા અને સ્પષ્ટ કર્યું હતું કે ડિપકેની અટકાયત કરવામાં આવી નથી, તેમજ વિરોધ સ્થળની બહાર હજુ પણ વિશાળ જનમેદની હાજર છે.
ઉલ્લેખનીય છે કે નીટ પેપર લીક અને પરીક્ષાઓમાં થયેલી કથિત અનિયમિતતાઓને લઈને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે સોમવારે રાજધાનીમાં ભારે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કેરળ હાઉસ અને સંસદ ભવન તરફ આગળ વધી રહેલા પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું, જેના કારણે જંતર મંતર અને આસપાસના વિસ્તારોમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. આ આંદોલન દરમિયાન અચાનક અભિજીત ડિપકેની અટકાયતના સમાચાર વહેતા થતા વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું હતું. જો કે પોલીસ અને આયોજકો તરફથી સ્પષ્ટતા કરવામાં આવ્યા બાદ હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું જાણવા મળે છે.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
