<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

ચોમાસુ સત્રના બાકીના સમયગાળા માટે તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ: મહિલા લોકપ્રતિનિધિઓ પ્રત્યે સંસદ ભવનમાં જ ગરિમાહીન અને અભદ્ર ભાષાના પ્રયોગ બદલ સ્પીકર દ્વારા લેવાયું કડક પગલું

​ગૃહની કાર્યવાહી સ્થગિત થયા બાદ પક્ષપલટો કરીને નવી પાર્ટી બનાવનારા પૂર્વ સાથીદારો સાથે સર્જાયેલી ઉગ્ર બોલાચાલીમાં વિવાદિત ટિપ્પણી કરતા બગડેલી સ્થિતિ: સંસદીય બાબતોના મંત્રી અર્જુન રામ મેઘવાલે રજૂ કરેલો પ્રસ્તાવ ધ્વનિમતથી પસાર થતાં જ તુરંત ગૃહ પરિસર છોડી જવા કરાયો આદેશ

​નવી દિલ્હી, ૨૨ જુલાઈ: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન નીચલા ગૃહ એટલે કે લોકસભામાં આજે ભારે હોબાળો અને અભૂતપૂર્વ દ્રશ્યો જોવા મળ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વરિષ્ઠ અને વિવાદિત સાંસદ કલ્યાણ બેનર્જીને મહિલા સાંસદો વિરુદ્ધ અત્યંત અશોભનીય, ગરિમાહીન અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા બદલ ચાલુ ચોમાસુ સત્રના બાકીના તમામ સમયગાળો માટે લોકસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાને મળેલી લેખિત ફરિયાદ અને ગૃહની ગરિમાને ઠેસ પહોંચાડવાના ગંભીર આરોપસર આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે.

​મળતી વિગતો અનુસાર, વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી તે દરમિયાન સેરામપુરના સાંસદ કલ્યાણ બેનર્જી અને તાજેતરમાં જ તૃણમૂલ કોંગ્રેસમાંથી બળવો કરીને 'નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા' (NCPI) માં જોડાનારા પૂર્વ સાથી સાંસદો વચ્ચે ગૃહની અંદર જ ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ દરમિયાન કલ્યાણ બેનર્જીએ આપા ખોઈ બેસીને ત્યાં હાજર મહિલા સાંસદો મિતાલી બાગ, શતાબ્દી રોય અને કાકોલી ઘોષ દસ્તીદાર વિરુદ્ધ અત્યંત અપમાનજનક ટિપ્પણીઓ કરી હોવાનો આક્ષેપ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે બળવાખોર સાંસદોને 'ચોર' કહીને સંબોધ્યા હતા, જેના કારણે મામલો વધારે બિચક્યો હતો.

​આ ઘટના બાદ તુરંત જ ભોગ બનેલી મહિલા સાંસદો અન્ય સભ્યો સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલાની ચેમ્બરમાં પહોંચી હતી અને કલ્યાણ બેનર્જી વિરુદ્ધ સંસદમાં ગાળાગાળી તેમજ અભદ્ર વર્તન કરવાની લેખિત ફરિયાદ દાખલ કરી કડક પગલાં લેવાની માંગ કરી હતી.

​ત્યારબાદ બપોરે ૨ વાગ્યે જ્યારે ગૃહની કાર્યવાહી ફરી શરૂ થઈ, ત્યારે સ્પીકરની આસન પર બિરાજમાન કૃષ્ણા પ્રસાદ તેન્નેતીએ આ ઘટનાની ગંભીર નોંધ લેતા જણાવ્યું હતું કે કલ્યાણ બેનર્જીના વર્તનથી સંસદની ગરિમા અને પરંપરાને ઊંડી ઠેસ પહોંચી છે. ત્યારબાદ સરકાર વતી કેન્દ્રીય કાયદા અને સંસદીય બાબતોના મંત્રી અર્જુન રામ મેઘવાલે કલ્યાણ બેનર્જીને સત્રના બાકીના દિવસો માટે સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ ગૃહ સમક્ષ મૂક્યો હતો. વિપક્ષી સભ્યો દ્વારા અન્ય મુદ્દે ચાલી રહેલી નારેબાજી વચ્ચે આ પ્રસ્તાવને ધ્વનિમતથી પસાર કરી દેવામાં આવ્યો હતો અને કલ્યાણ બેનર્જીને તાત્કાલિક અસરથી ગૃહની બહાર ચાલ્યા જવા તેમજ સત્ર પૂર્ણ થાય ત્યાં સુધી સંસદ પરિસરમાં પ્રવેશ ન કરવા આદેશ અપાયો હતો.

​બીજી તરફ, સસ્પેન્શનની આ કાર્યવાહી બાદ તૃણમૂલ કોંગ્રેસના સાંસદો કલ્યાણ બેનર્જીને લઈને સ્પીકરની ચેમ્બરમાં ગયા હતા જ્યાં તેમને પોતાનો પક્ષ રાખવાની તક આપવામાં આવી હતી. સંસદ ભવનની બહાર પત્રકારો સાથે વાતચીતમાં કલ્યાણ બેનર્જીએ પોતાના પર લાગેલા આરોપોને નકારતા બળવાખોર સાંસદો પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમને 'ગદ્દાર' ગણાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે આ માંડ ૨૦ લોકોની પાર્ટી છે જેમને પશ્ચિમ બંગાળમાં કોઈ જ સમર્થન નથી. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ ટીએમસીના ૨૦ જેટલા સાંસદોએ પક્ષ નેતૃત્વ સામે બળવો કરીને અલગ બેઠક વ્યવસ્થા અપનાવી છે, જેમના અને કલ્યાણ બેનર્જી વચ્ચેનો આ અણબનાવ આખરે સસ્પેન્શનમાં પરિણમ્યો છે.

(5:50 PM IST)