<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

કાર ડિવાઇડર સાથે અથડાતા ભીષણ આગ લાગવાથી સિનિયર ન્યુરોસર્જનનું જીવતા સળગી જવાથી કરૂણ મોત

તેલંગાણાના સૂર્યપેટ હાઇવે પર સર્જાયેલી આ દર્દનાક દુર્ઘટનામાં ઊંઘકી જવાથી કાબુ ગુમાવતા કાર ભડાકાભેર અથડાઈ

સૂર્યપેટ : તેલંગાણાના સૂર્યપેટ જિલ્લામાં નેશનલ હાઇવે ૩૬૫બીબી (NH-365BB) પર એક અત્યંત દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો છે, જ્યાં ખમ્મમના સિનિયર ન્યુરોસર્જન ડૉ. કે. જગદીશ બાબુની કાર નિયંત્રણ બહાર જઈને રોડ ડિવાઇડર સાથે અથડાતા તરત જ ભીષણ આગ લાગી ગઈ હતી અને આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે ડૉક્ટરને કારમાંથી બહાર નીકળવાની તક પણ મળી શકી ન હતી અને તેઓ અંદર જ જીવતા બળી ગયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, રવિવારે સવારે ૭:૧૫ વાગ્યે પિલ્લામરી ગામ નજીક આ અકસ્માત થયો હતો જ્યારે ડૉ. જગદીશ બાબુ ખમ્મમથી હૈદરાબાદ પરત ફરી રહ્યા હતા, અને ખમ્મમ ગ્રામીણ સીઆઈ જી. રાજશેખરના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં એવું જણાઈ આવ્યું છે કે ડૉક્ટર મોડી રાતની શિફ્ટમાં હોવાથી અથવા ઊંઘના અભાવે વાહન ચલાવતી વખતે ઝોકું આવી જવાથી આ અકસ્માત સર્જાયો હતો.

ટક્કર એટલી તીવ્ર હતી કે થોડીવારમાં જ આખી કાર આગમાં લપેટાઈ ગઈ હતી અને શરીર ગંભીર રીતે દાઝી જવાના કારણે પોલીસને શરૂઆતમાં ઓળખ કરવામાં મુશ્કેલી પડી હતી, પરંતુ બાદમાં કારની નંબર પ્લેટ અને દસ્તાવેજોના આધારે તેમની ઓળખ થઈ હતી જેઓ ખમ્મમની પ્રખ્યાત ખાનગી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ન્યુરોસર્જરી વિભાગના વડા તરીકે સેવા આપતા હતા.

ઘટનાની જાણ થતાં જ સૂર્યપેટના ઘણા ડૉક્ટરો અને સાથીદારો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસે પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરીને મૃતદેહને સૂર્યપેટ સરકારી જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે તેમજ આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા આગળની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

(4:47 PM IST)