તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
તમિલનાડુમાં ડીએમકેના વરિષ્ઠ નેતા કે.એન. નેહરુના ૧૯ સ્થળો પર ડીવીએસીના આકસ્મિક દરોડા: ભરતી અને કોન્ટ્રાક્ટમાં મસમોટા કૌભાંડના આક્ષેપોથી રાજકારણ ગરમાયું
નગરપાલિકા પ્રશાસન વિભાગમાં ૨૫૦૦થી વધુ સરકારી નોકરીઓમાં ગેરરીતિ તેમજ રૂ. ૧૦૨૦ કરોડના ટેન્ડર કૌભાંડના મામલે વિજિલન્સ વિભાગે પૂર્વ મંત્રી અને તેમના ભાઈના રહેઠાણ સહિત ચેન્નાઈ અને તિરુચિરાપલ્લીમાં મોટા પાયે તપાસ હાથ ધરી; એમ.કે. સ્ટાલિને કાર્યવાહીને રાજકીય બદલાક્ષી ગણાવી વિરોધ કર્યો

ચેન્નાઈ: તમિલનાડુના રાજકારણમાં શનિવારે સવારથી જ ભારે ખળભળાટ મચી ગયો છે. ડાયરેક્ટોરેટ ઓફ વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન (ડીવીએસી) દ્વારા ડીએમકેના વરિષ્ઠ નેતા, પૂર્વ મંત્રી અને તિરુચિરાપલ્લી વેસ્ટના ધારાસભ્ય કે.એન. નેહરુ તથા તેમના ભાઈ રવિચંદ્રન સાથે સંકળાયેલા વિવિધ ૧૯ સ્થળો પર એકસાથે આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા છે. શનિવારે સવારે ૭ વાગ્યાથી શરૂ થયેલી આ વ્યાપક કાર્યવાહી ચેન્નાઈ, તિરુચિરાપલ્લી (તિરુચિ), આડયાર, થિલઈ નગર અને અન્ના નગર સહિત રાજ્યના જુદા જુદા ભાગોમાં એકસાથે હાથ ધરવામાં આવી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, કે.એન. નેહરુ અગાઉની સરકારમાં નગરપાલિકા પ્રશાસન અને જળ પુરવઠા (MAWS) વિભાગના મંત્રી તરીકે કાર્યરત હતા. તે દરમિયાન વિભાગમાં ૨,૫૩૮ જેટલી સરકારી ભરતીઓમાં આચરવામાં આવેલા અંદાજે રૂ. ૮૮૮ કરોડના કૌભાંડ અને ૧,૦૨૦ કરોડ રૂપિયાથી વધુના સરકારી કોન્ટ્રાક્ટ્સ-ટેન્ડરોમાં કમિશન તથા 'પાર્ટી ફંડ'ના નામે નાણાં ઉઘરાવવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા. આ મામલે મદ્રાસ હાઈકોર્ટના નિર્દેશો અને અગાઉની તપાસના આધારે ડીવીએસી દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરીને આ દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે.
દરોડાની બાતમી મળતાં જ તિરુચિરાપલ્લી સ્થિત કે.એન. નેહરુના નિવાસસ્થાન બહાર ડીએમકેના નેતાઓ, કાર્યકર્તાઓ અને સમર્થકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. પૂર્વ શાળા શિક્ષણ મંત્રી અન્બિલ મહેશ પોય્યામોઝી, મણચનલ્લુરના ધારાસભ્ય કથીરવન અને તિરુચિના મેયર એમ.યુ. અન્બઝગન પણ નેહરુના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. કાર્યકર્તાઓએ તપાસ એજન્સી અને સત્તાધારી સરકાર સામે ભારે નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે પરિસ્થિતિ વણસતી અટકાવવા માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિરોધ વચ્ચે કે.એન. નેહરુએ પોતે બહાર આવીને કાર્યકર્તાઓને શાંતિ જાળવવા અને પક્ષના કાર્યાલયે જવા અપીલ કરી હતી.
બીજી તરફ, ડીએમકેના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને આ કાર્યવાહીની સખત શબ્દોમાં નિંદા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ દરોડાને સંપૂર્ણપણે "રાજકીય પ્રેરિત" અને વિપક્ષને ડરાવવાનો પ્રયાસ ગણાવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે વર્તમાન સત્તાધારી પક્ષ પોતાની નિષ્ફળતાઓ અને રાજકીય મુદ્દાઓ પરથી જનતાનું ધ્યાન હટાવવા માટે આવી યુક્તિઓ અજમાવી રહ્યો છે. ડીએમકે આ તમામ કાનૂની બાબતોનો મક્કમતાથી સામનો કરશે અને અદાલતમાં વિજય મેળવશે.
નોંધનીય છે કે રાજ્યમાં શાસન પરિવર્તન બાદ ડીએમકેના વરિષ્ઠ નેતાઓ સામે વિજિલન્સ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસ શ્રૃંખલામાં કે.એન. નેહરુ ત્રીજા મોટા નેતા છે, જેમની સામે આ પ્રકારની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફોર્સ દ્વારા ચેન્નાઈ અને તિરુચિ સ્થિત કચેરીઓ તેમજ રહેઠાણો પરથી મહત્વના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ જપ્ત કરવાની કામગીરી મોડી સાંજ સુધી ચાલુ રહી હતી.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
