<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

હેલિકોપ્‍ટરમાંથી રાહતસામગ્રી માથા પર પડી એટલે સિનિયર સિટિઝને જીવ ગુમાવ્‍યો

હેલિકોપ્‍ટરની હવાથી મહિલા છત પરથી નીચે પડી ગઈઃ કમરમાં ગંભીર ઈજા

સારણ,તા.૫: બિહારના સારણ જિલ્‍લામાં પૂરના પ્રકોપને કારણે પૂરગ્રસ્‍તોને રાહતસામગ્રી પહોંચાડતા હેલિકોપ્‍ટરમાંથી નીચે ફેંકવામાં આવેલા સામાનને કારણે ૬૦ વર્ષના અનિલકુમાર સિહ નામના સિનિયર સિટિઝને જીવ ગુમાવ્‍યો હતો. આ દુર્ઘટના અમનૌર પોલીસ-સ્‍ટેશનના પરશુરામપુર ગામમાં બની હતી.

નેપાલમાં આવેલા પૂરને કારણે સારણ જિલ્‍લાનાં મકેર, અમનૌર અને પરસા ગામોમાં ચોતરફ પાણી ભરાયાં છે અને ગામ ટાપુમાં ફેરવાઈ ગયાં છે. આ વિસ્‍તારોમાં રોડમાર્ગે પહોંચવું અઘરું બન્‍યું હોવાથી હેલિકોપ્‍ટરમાંથી રાહતસામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. આ ગામમાં ગઈ કાલે રાહતસામગ્રીનાં પેકેટ નીચે ફેંકવામાં આવી રહ્યાં હતાં ત્‍યારે એક પેકેટ અનિલ સિહ પર પડ્‍યું હતું. આના કારણે તેઓ નીચે પડી ગયા હતા અને પછી હેલિકોપ્‍ટરમાંથી ફેંકવામાં આવેલાં બીજાં કેટલાંક પેકેટ તેમની છાતી પર પડ્‍યાં હતાં જેને કારણે તેમણે ઘટનાસ્‍થળે જ જીવ ગુમાવ્‍યો હતો. આ ઘટના બાદ ગામવાસીઓએ વિરોધ નોંધાવ્‍યો હતો. જોકે પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી હતી અને મૃતદેહને છપરાની હોસ્‍પિટલમાં મોકલી દીધો હતો.

પરશુરામપુર ગામમાં રંભાદેવી નામની મહિલા તેનાં બે બાળકો સાથે છત પર ઊભી હતી અને હેલિકોપ્‍ટરમાંથી રાહતસામગ્રી નીચે પડે એની રાહ જોઈ રહી હતી ત્‍યારે હેલિકોપ્‍ટર તેની નજીકથી પસાર થતાં હવાના દબાણના કારણે તેણે બેલેન્‍સ ગુમાવ્‍યું હતું અને છત પરથી બાજુના મકાન પર પડી ગઈ હતી. તેની કમરમાં ગંભીર ઈજા થઈ છે. તેનાં બન્ને બાળકો પણ નીચે પડતાં તેમના પગમાં ફ્રેક્‍ચર થયાં છે. તમામને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યાં છે.

(9:57 AM IST)