તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st October 2026
'સેંગોલ'ના ઘડવૈયા વુમ્મીદી એથિરાજુલુનું નિધન: પીએમ મોદીએ કહ્યું, "તેમનું જીવન ભારતની ભવ્ય પરંપરાઓ સાથે જોડાયેલું હતું"
૧૯૪૭માં માત્ર ૨૦ વર્ષની ઉંમરે સ્વતંત્રતા અને સત્તા હસ્તાંતરણના પ્રતીકસમા પવિત્ર સેંગોલનું નિર્માણ કરનાર મહાન કારીગરના અવસાન પર વડાપ્રધાન અને તમિલનાડુના રાજ્યપાલે શ્રદ્ધાંજલિ અર્પી

નવી દિલ્હી : ભારતની આઝાદીના ઐતિહાસિક ક્ષણોના સાક્ષી અને ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય પ્રતીક એવા પવિત્ર 'સેંગોલ'ના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવનાર વુમ્મીદી એથિરાજુલુનું નિધન થતાં દેશભરમાં શોકની લહેર ફરી વળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે તેમના અવસાન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે, તિરુ વુમ્મીદી એથિરાજુલુનું જીવન અને તેમની અદ્ભુત કારીગરી ભારતની ભવ્ય પરંપરાઓ તથા આપણી રાષ્ટ્રીય વિકાસ યાત્રા વચ્ચેનો એક સુવર્ણ સેતુ હતા.
વર્ષ ૧૯૪૭માં જ્યારે ભારત આઝાદ થઈ રહ્યું હતું, ત્યારે માત્ર ૨૦ વર્ષની નાની વયે વુમ્મીદી એથિરાજુલુએ પોતાના કૌશલ્યથી સેંગોલનું નિર્માણ કર્યું હતું, જે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને સત્તાના હસ્તાંતરણના પ્રતીક રૂપે ભેટ આપવામાં આવ્યું હતું. વર્ષો સુધી ઉપેક્ષિત રહ્યા બાદ, ૨૦૨૩માં કેન્દ્ર સરકારે નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમયે સેંગોલને સંસદમાં ગૌરવપૂર્ણ સ્થાન આપ્યું હતું. તે ઐતિહાસિક ક્ષણે પીએમ મોદીએ વુમ્મીદી એથિરાજુલુ સાથે રૂબરૂ મુલાકાત કરીને રાષ્ટ્ર અને સંસ્કૃતિ પ્રત્યેના તેમના અદ્વિતીય યોગદાન બદલ આદરપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
તમિલનાડુ રાજભવન તરફથી જારી કરાયેલા શોક સંદેશમાં રાજ્યપાલ આર્લેકરે જણાવ્યું કે, સેંગોલ એ ભારતની સભ્યતા, ન્યાયી શાસન અને ધર્મના કાલાતીત પ્રતીક સમાન છે. ૨૦ વર્ષની યુવાન વયે રાષ્ટ્રના ઇતિહાસના અમર પ્રકરણ સમાન આ રાજદંડનું નિર્માણ કરનાર એથિરાજુલુના યોગદાનને દેશ હંમેશા ગર્વ અને આદર સાથે યાદ રાખશે. તેમના અવસાનથી ભારતીય કારીગરી અને વારસાનો એક મહત્વપૂર્ણ યુગ પૂરો થયો છે.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
