News of Saturday, 15th August 2026
મહારાષ્ટ્રમાં સેલ્ફી અને વીડિયો બનાવવાની ઘેલછા ભારે પડી, ડેમમાં ડૂબી જવાથી બે ફાર્મસી વિદ્યાર્થીનીઓના કરૂણ મોત
યવતમાળ જિલ્લાના બોરગાંવ ડેમ પર રીલ બનાવતી વેળાએ સંતુલન ગુમાવવાથી સર્જાયેલી દુર્ઘટનામાં બે યુવતીઓએ જીવ ગુમાવ્યો

યવતમાળ: મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લામાં આવેલા બોરગાંવ ડેમ ખાતે શુક્રવારે ફાર્મસી કોલેજની ૧૫ વિદ્યાર્થીઓનું જૂથ ફરવા ગયું હતું, જ્યાં ૨૧ વર્ષીય મોહિની ગૌત્રે અને અમૃતા ખેડકર નામના બંને સખીઓ ડેમની દિવાલ પર ઊભા રહીને સેલ્ફી અને વીડિયો બનાવી રહી હતી તે દરમિયાન એક યુવતીનું અચાનક સંતુલન બગડતાં તે પાણીમાં પડી ગઈ અને તેને બચાવવા જતાં બીજી યુવતી પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.
પોલીસ અને સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પાણીમાં પડી ગયેલી સખીને બચાવવા માટે બીજી વિદ્યાર્થીની તુરંત જ પાણીમાં કૂદી પડી હતી પરંતુ પાણીની અતિશય ઊંડાઈ અને તીવ્ર પ્રવાહનો અંદાજ ન હોવાને કારણે બંને જણા પ્રવાહમાં તણાઈ ગયા હતા. આ અણધારી ઘટનાથી સહપાઠીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને તાત્કાલિક ગ્રામજનો તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ બંને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે મૃતક બંને યુવતીઓની ઉંમર ૨૧ વર્ષની હતી અને પ્રાથમિક તપાસમાં આ દુર્ઘટના સેલ્ફી અને રીલ બનાવવાની ઘેલછા તેમજ ડેમના જોખમી પ્રવાહને લીધે સર્જાઈ હોવાનું સ્પષ્ટ થયું છે.
આ કરૂણ અકસ્માતના પગલે ફાર્મસી કોલેજ અને મૃતક યુવતીઓના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ભવિષ્યમાં આવા સંવેદનશીલ જળાશયો અને ડેમ વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા તેમજ યુવાનો પ્રવાસો દરમિયાન સલામતીના નિયમોનું પાલન કરે તેવી સખત અપીલ કરી છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
