<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th October 2026

દેશના અતિસંવેદનશીલ સ્થળોની સુરક્ષા વધુ મજબૂત બનશે: CISF માં ૧ નવેમ્બરથી ઐતિહાસિક પુનર્ગઠન લાગુ કરવાનો ગૃહ મંત્રાલયનો નિર્ણય

પ્રાદેશિક કમાન્ડના બદલે હવે ક્ષેત્ર-વિશિષ્ટ કમાન્ડ સિસ્ટમ અમલી બનશે: પાવર, કોલસો, સ્ટીલ, બંદર અને મેટ્રો માટે અલગ-અલગ ડેડિકેટેડ સેક્ટરોની રચના

નવી દિલ્હી:  કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દેશના સૌથી મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક સ્થાપનોની સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક અને સુસજ્જ બનાવવા માટે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ના વહીવટી અને કાર્યાત્મક માળખામાં એક મોટો અને ઐતિહાસિક ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવું માળખું આવનારી ૧ નવેમ્બર, ૨૦૨૬ થી દેશભરમાં સત્તાવાર રીતે લાગુ કરી દેવામાં આવશે. આ પુનર્ગઠનનો મુખ્ય હેતુ પ્રાદેશિક આધારિત કમાન્ડ સિસ્ટમને બદલે ક્ષેત્ર-વિશિષ્ટ (ડોમેન-આધારિત) સુરક્ષા મોડેલ અપનાવવાનો છે, જેથી વીજળી, કોલસો, સ્ટીલ, પેટ્રોલિયમ, બંદરો, મેટ્રો, સરકારી ઇમારતો અને સ્મારકો જેવી વિશિષ્ટ સંપત્તિઓની ચોક્કસ સુરક્ષા જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય.


CISF ની ભૂમિકા હવે માત્ર પરંપરાગત ઔદ્યોગિક સુરક્ષા પૂરતી સીમિત ન રહેતા અત્યંત સંવેદનશીલ ક્ષેત્રો સુધી વિસ્તરી રહી છે. CISF ને આંતરરાષ્ટ્રીય જહાજ અને બંદર સુવિધા સુરક્ષા (ISPS) કોડ હેઠળ બંદરો માટે માન્યતા પ્રાપ્ત સુરક્ષા સંગઠન તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, જમ્મુ અને કાશ્મીરમાં આવેલી અતિસંવેદનશીલ જેલોની સુરક્ષા કમાન્ડ પણ CISF ને સોંપવામાં આવી છે. સાથોસાથ મહત્વપૂર્ણ માળખાકીય સંકુલ માટે આ દળને એરિયલ સિક્યુરિટી ની નોડલ એજન્સી તરીકે પણ જવાબદારી સોંપાઈ છે.

આધુનિક સમયના સાયબર અને હવાઈ જોખમો સામે લડવા માટે CISF દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓના સહયોગથી સાયબર સુરક્ષા, ડ્રોન અને એન્ટી-ડ્રોન સિસ્ટમ્સને મજબૂત કરી રહી છે. આ તમામ ફેરફારો અને નવી ડોમેન-આધારિત પ્રણાલીથી દળના જવાનોની વિશિષ્ટ તાલીમ, ચોક્કસ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ્સ અને વિવિધ મંત્રાલયો સાથેનું સંકલન વધુ બહેતર બનશે. આ પગલાથી ભારતની આર્થિક અને વ્યૂહાત્મક સંપત્તિઓ ઉભરતા સુરક્ષા સવાલો અને હુમલાઓ સામે વધુ સુરક્ષિત બનશે.

(8:58 PM IST)