<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

બેંગલુરુમાં PM મોદીના કાર્યક્રમ સ્થળ પાસે વિસ્ફોટકો મળતા દોડધામ, સુરક્ષા એજન્સીઓ એલર્

મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોની હાજરી વચ્ચે સુરક્ષામાં મોટી ચૂક? પોલીસે એક શંકાસ્પદની અટકાયત કરી તપાસ તેજ કરી

*બેંગલુરુ:* કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિર્ધારિત કાર્યક્રમ સ્થળથી માત્ર ૩ કિલોમીટર દૂર વિસ્ફોટકો મળી આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. વડાપ્રધાનની મુલાકાતને પગલે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત હોવા છતાં, આટલી નજીકથી વિસ્ફોટકો મળી આવતા સુરક્ષા એજન્સીઓના કાન સરવા થયા છે.

મળતી માહિતી મુજબ, બેંગલુરુમાં જ્યાં વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ યોજાવાનો હતો, તેનાથી થોડે જ દૂર આવેલા એક વિસ્તારમાંથી વિસ્ફોટકો ભરેલી બેગ મળી આવી હતી. પોલીસને બાતમી મળતા જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ વિસ્ફોટકો અત્યંત જોખમી હોઈ શકે છે.

આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ વ્યક્તિની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. સુરક્ષા એજન્સીઓ અત્યારે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ વિસ્ફોટકો પાછળ કોઈ મોટું આતંકી કાવતરું હતું કે કેમ અને આ શંકાસ્પદ વ્યક્તિનો હેતુ શું હતો.

આ ઘટના બાદ વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળ અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષાનો ઘેરો વધુ મજબૂત કરી દેવામાં આવ્યો છે. એસપીજી (SPG) અને સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ જાતે જ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે.

ભરચક વિસ્તારમાં વિસ્ફોટકો મળવાની વાત વાયુવેગે ફેલાતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જોકે, પોલીસે લોકોને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે.

(3:39 PM IST)