<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

વ્હાઇટ હાઉસ બહાર શંકાસ્પદ કાર સાઈનપોસ્ટ સાથે અથડાતાં અફરાતફરી, સુરક્ષા એજન્સીઓએ લાદ્યું તાત્કાલિક લોકડાઉન

ઘટના સમયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અંદર જ હાજર, ટક્કર બાદ વાહનમાંથી ધુમાડા નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી

વોશિંગ્ટન : અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસી સ્થિત રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ નજીક એક અનિશ્ચિત અકસ્માત સર્જાતાં ઉચ્ચ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ હતી. વ્હાઇટ હાઉસના અત્યંત સુરક્ષિત વિસ્તાર નજીક એક કાર સીધી સાઈનપોસ્ટ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ઘટનાને પગલે ગંભીર સુરક્ષા જોખમની આશંકાએ વ્હાઇટ હાઉસને તાત્કાલિક અસરથી અસ્થાયી રૂપે લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, ઘટના બની તે જ સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસની અંદર જ હાજર હતા, જેના કારણે સિક્રેટ સર્વિસ અને સુરક્ષા બળો વધુ સતર્ક બન્યા હતા. ન્યૂ યોર્ક પોસ્ટના અહેવાલ અનુસાર, એક ચાંદી રંગની સેડાન કાર અચાનક પોતાના નિયમિત માર્ગ પરથી ઉતરી ગઈ હતી અને વ્હાઇટ હાઉસની લગોલગ આવેલા સાઈનબોર્ડ સાથે અથડાઈ ગઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત થતાં જ તે વાહનમાંથી સફેદ ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા, જેને પગલે આસપાસના વિસ્તારમાં ક્ષણભર માટે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળે પહોંચેલા સુરક્ષા કર્મચારીઓએ ત્વરિત કૌશલ્ય દાખવીને સમગ્ર પરિસરની નાકાબંધી કરી દીધી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

આ ઘટના બાદ અમેરિકી સિક્રેટ સર્વિસ દ્વારા કાર ચાલકની અટકાયત કરવામાં આવી છે અને આ ઘટના માત્ર એક અકસ્માત હતી કે પછી કોઈ આયોજિત સુરક્ષા ભંગ કરવાનો પ્રયાસ હતો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસ પરિસર અને તેની આસપાસના તમામ રસ્તાઓ પર સુરક્ષા વધુ સઘન બનાવી દેવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ ચકાસી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

(10:29 PM IST)