તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd August 2026
ઉત્કૃષ્ટ નેતૃત્વના રહસ્યો ઉજાગર: જીએમ શ્રી આર.એન. સિંહના નવા પુસ્તકનું ભવ્ય વિમોચન
ઔપચારિક ડિગ્રીઓથી પર થઈને સાચું નેતૃત્વ કેમ ઘડાય છે તે અંગે મુંબઈમાં યોજાયેલા વિશેષ સમારોહમાં મહત્વની ચર્ચા કરવામાં આવી.

મુંબઈ : દક્ષિણ રેલવેના મહાપ્રબંધક શ્રી આર.એન. સિંહે વિશ્વ પ્રસિદ્ધ પ્રકાશન સંસ્થા ‘સાઇમન એન્ડ શૂસ્ટર’ દ્વારા પ્રકાશિત તેમના નવા પુસ્તક 'બિયોન્ડ ધ આઇવી લીગ: ટ્રેટ્સ, સ્કિલ્સ એન્ડ વિઝડમ ધેટ મેક ગ્રેટ લીડર્સ'નું અત્રેના ફોર્ટ વિસ્તારમાં આવેલા આઝાદ મેદાન પોલીસ ગેસ્ટ હાઉસના ઉત્કર્ષ હોલ ખાતે ભવ્યતાપૂર્વક વિમોચન કર્યું હતું. મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક (DGP) ડૉ. સદાનંદ વસંત દાતે તથા પશ્ચિમ અને મધ્ય રેલવેના વરિષ્ઠ મહાપ્રબંધકોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારંભમાં શિક્ષણવિદો અને વિશિષ્ટ આમંત્રિતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ પુસ્તક ઔપચારિક શૈક્ષણિક લાયકાતો અને ડિગ્રીઓથી ઉપર ઉઠીને પરિવર્તનકારી નેતૃત્વને વ્યાખ્યાયિત કરતા આવશ્યક ગુણો, નિર્ણય શક્તિ અને વ્યાવહારિક જ્ઞાનની ઊંડી તપાસ કરે છે. ભારતીય રેલવેમાં ત્રણ દાયકાથી વધુની પોતાની લાંબી અને સમૃદ્ધ કારકિર્દીના અનુભવોમાંથી તારણ કાઢતાં લેખક શ્રી આર.એન. સિંહે વ્યૂહાત્મક શાસન, પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને સંગઠનાત્મક શ્રેષ્ઠતા અંગે મૂલ્યવાન આંતરદૃષ્ટિ રજૂ કરી છે. સભાને સંબોધિત કરતા તેમણે અબ્રાહમ લિંકન, નેલ્સન મંડેલા અને મહાત્મા ગાંધીના ઉદાહરણો આપીને સમજાવ્યું હતું કે મહાન નેતાઓ તેમની સંસ્થાઓ કે ડિગ્રીઓ માટે નહીં, પરંતુ તેમના દ્રષ્ટિકોણ અને ચારિત્ર્ય માટે યાદ રાખવામાં આવે છે.
આ પ્રસંગે પોતાના વિચારો વ્યક્ત કરતા મુખ્ય અતિથિ ડૉ. સદાનંદ વસંત દાતેએ નેતૃત્વના વ્યવહારુ અભિગમ માટે આ પુસ્તકની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે આ કૃતિ માત્ર વહીવટકર્તાઓ માટે જ નહીં, પરંતુ ભવિષ્યના પડકારોનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓ માટે પણ અત્યંત ઉપયોગી સાબિત થશે. શ્રી આર.એન. સિંહ પોતે આઇઆઇટી રૂડકીના પૂર્વ વિદ્યાર્થી અને ઇન્ડિયન રેલવે સર્વિસ ઓફ એન્જિનિયર્સ (IRSE) ૧૯૮૬ બેચના અધિકારી રહી ચૂક્યા છે, જેમણે અગાઉ રેલવે બોર્ડના સચિવ અને DFCCILના મેનેજિંગ ડિરેક્ટર જેવા મહત્વના પદો સંભાળ્યા છે.
આ પુસ્તક માત્ર સાહિત્યિક કૃતિ નથી, પરંતુ સિવિલ સેવકો, કોર્પોરેટ નેતાઓ, ઉદ્યોગસાહસિકો અને યુવા વિદ્યાર્થીઓ માટે સિદ્ધાંતવાદી અને હેતુપૂર્ણ નેતૃત્વ ઘડતરનો એક અનોખો માર્ગદર્શક સ્ત્રોત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. આગામી સમયમાં આ પુસ્તક દેશભરના યુવા વગમાં નૈતિક અને પ્રભાવશાળી નેતૃત્વના ગુણો વિકસાવવા માટે એક પ્રેરણારૂપ સાબિત થશે.
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
