તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના ભય વચ્ચે જર્મનીમાં ગુપ્ત મહાબેઠક: ઈરાનને ઘેરવા યુએસ અને ઈઝરાયલ સાથે ૭ આરબ દેશોના સૈન્ય વડાઓ એકમંચ પર આવ્યા!
વોશિંગ્ટન અને ઇઝરાયલ સાથે સાઉદી, યુએઈ સહિતના દેશોની અતિ ખાનગી શિખર પરિષદ: હોર્મુઝ અને બાબ અલ-મંડેબમાં સુરક્ષા વધારવા તથા હુથી બળવાખોરો સામે લશ્કરી એક્શન પ્લાન પર મોટું મંથન

વોશિંગ્ટન, ડીસી, તા.૧૬: મધ્ય પૂર્વ (Middle East) માં ઈરાન સાથે વધી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે એક અત્યંત સનસનાટીભર્યા અને ગુપ્ત સમાચાર સામે આવ્યા છે. ગયા અઠવાડિયે જર્મનીના એક ગુપ્ત સ્થળે યુનાઇટેડ સ્ટેટ્સ, ઈઝરાયલ અને ૭ પ્રમુખ આરબ દેશોના ટોચના લશ્કરી કમાન્ડરોએ એક અતિ ખાનગી અને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ઈરાન સામે યુદ્ધની પરિસ્થિતિ સર્જાયાના છેલ્લા છ મહિનાથી વધુ સમયમાં આ પ્રકારની આ પ્રથમ ઐતિહાસિક લશ્કરી શિખર પરિષદ હતી, જેને લઈને વૈશ્વિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.
બિન-જાહેર બેઠક અને યુએસ સેન્ટ્રલ કમાન્ડનું નેતૃત્વ
'એક્સિઓસ' ના અહેવાલ મુજબ, યુનાઇટેડ સ્ટેટ્સ સેન્ટ્રલ કમાન્ડના વડા એડમિરલ બ્રેડ કૂપર દ્વારા આયોજિત આ પરિષદમાં ભાગ લેનારી કોઈ પણ સરકારે સત્તાવાર જાહેરાત કરી નહોતી. આ ગુપ્ત મંથનમાં ઈઝરાયલ ઉપરાંત સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE), બહેરીન, કુવૈત, કતાર, જોર્ડન અને ઇજિપ્તના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ હાજરી આપી હતી. આ જોડાણ એટલા માટે વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે ઘણા આરબ દેશો ઈઝરાયલ સાથે કોઈ સત્તાવાર રાજદ્વારી સંબંધો ધરાવતા નથી.
અમેરિકી દળો પાછા નહીં ખેંચાય: સેન્ટ્રલ કમાન્ડની ખાતરી
ચર્ચા દરમિયાન એડમિરલ બ્રેડ કૂપરે તમામ દેશોના કમાન્ડરોને ખાતરી આપી હતી કે અમેરિકન લશ્કરી અડ્ડાઓ પર ઈરાની હુમલાઓ છતાં અમેરિકા આ પ્રદેશમાંથી પોતાના દળો પાછા ખેંચવાનું નથી. આ ઉપરાંત, વ્યાપારી રીતે અતિ મહત્વપૂર્ણ એવા હોર્મુઝની સ્ટ્રેટ (Strait of Hormuz) માં દરિયાઈ સુરક્ષા મજબૂત કરવાની વ્યૂહરચના અંગે માહિતી આપવામાં આવી હતી. ઇઝરાયલ સંરક્ષણ દળોના ચીફ ઓફ સ્ટાફ જનરલ એયાલ ઝમીરે વિવિધ મોરચે ચાલી રહેલા પોતાના લશ્કરી ઓપરેશન્સનું વિગતવાર અપડેટ આપ્યું હતું.
હૂથીઓ સામે સાઉદી-ઇઝરાયલનું નવું લશ્કરી ગણિત
બાબ અલ-મંડેબ સ્ટ્રેટ અને સાઉદી અરેબિયા પર હુથી બળવાખોરોના વધતા હુમલા વચ્ચે આ બેઠકમાં મોટા નિર્ણયો લેવાયા હોવાનું મનાય છે. ૨૦૨૦ ના અબ્રાહમ કરાર બાદ ઇઝરાયલ અને આરબ રાષ્ટ્રો વચ્ચે હવાઈ અને મિસાઈલ સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધ્યો છે. અહેવાલો મુજબ, ઇઝરાયલે યુએઈમાં પોતાની આયર્ન ડોમ (Iron Dome) સિસ્ટમ પણ તૈનાત કરી છે. હવે અમેરિકાની મધ્યસ્થતાથી ઇઝરાયલ અને સાઉદી અરેબિયા વચ્ચે હુથીઓ સામે ગુપ્તચર માહિતી (Intelligence) અને ડ્રોન સર્વેલન્સ શેર કરવા માટે સંયુક્ત વ્યૂહરચના ગોઠવવામાં આવી રહી છે.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
