તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
અવકાશમાંથી ટપક્યું પૃથ્વી પર જીવનની ઉત્પત્તિનું રહસ્ય! અમેરિકામાં ઘરની છત તોડીને પડેલી ઉલ્કામાંથી મળ્યું કરોડો વર્ષ જૂનું ખારું પાણી અને એમિનો એસિડ; વિજ્ઞાનીઓ ચોંકી ઉઠ્યા!
ન્યુ જર્સીમાં ત્રાટકેલો ૧ કિલોનો અવકાશી ખડક સોડિયમ અને કાર્બનિક સંયોજનોનો ખજાનો નીકળ્યો; મંગળ અને ગુરુ વચ્ચેના એસ્ટરોઇડ બેલ્ટમાંથી આવેલા આ દુર્લભ ખડકે બ્રહ્માંડના અનેક રહસ્યો પરથી ઉઠાવ્યો પડદો

ન્યુ યોર્ક : બ્રહ્માંડના અફાટ અંધકારમાં પૃથ્વી સિવાય અન્ય ક્યાંય જીવનના અંશો છે કે નહીં, અથવા આપણી ધરતી પર અબજો વર્ષો પહેલા જીવનની શરૂઆત કેવી રીતે થઈ? આ એવા પ્રશ્નો છે જે સદીઓથી માનવજાતને મૂંઝવી રહ્યા છે. પરંતુ તાજેતરમાં વિજ્ઞાન જગતમાં એક એવો ધડાકો થયો છે જેણે આ રહસ્ય પરથી પડદો ઉઠાવવાની દિશામાં મોટી આશા જગાવી છે. અમેરિકાના ન્યુ જર્સી રાજ્યના હિલ્સબરોમાં એક ઘરની છત તોડીને પડેલી એક દુર્લભ ઉલ્કાપિંડ (Meteorite) નો જ્યારે વૈજ્ઞાનિકોએ ઝીણવટભર્યો અભ્યાસ કર્યો, ત્યારે તેમાંથી કરોડો વર્ષ જૂનું પ્રાચીન ખારું પાણી, ખનિજો અને જીવનના નિર્માણ માટે જરૂરી એવા 'એમિનો એસિડ' ના જીવંત પુરાવા મળી આવ્યા છે! प्रतिष्ठित જર્નલ 'સાયન્સ એડવાન્સિસ' માં પ્રકાશિત થયેલા અહેવાલે વૈજ્ઞાનિકોની આંતરરાષ્ટ્રીય ટીમોમાં ભારે ઉત્તેજના પેદા કરી દીધી છે.
હિલ્સબરોમાં એ દિવસે શું બન્યું હતું?
આ ઘટના જુલાઈ ૨૦૨૪ ની છે, જ્યારે ન્યુ યોર્ક, ન્યુ જર્સી અને તેની આસપાસના પડોશી રાજ્યોના ધોળા દિવસના આકાશમાં એક પ્રચંડ ફાયરબોલ (ઉલ્કા) દેખાયો હતો. આ ઉલ્કાનો આશરે ૨ પાઉન્ડ (૧ કિલોગ્રામ) વજનનો એક ઘન અને સળગતો ટુકડો ન્યુ જર્સીના હિલ્સબરોમાં આવેલા એક સામાન્ય ઘરની છતને વીંધીને અંદર તૂટી પડ્યો હતો. ઘરમાલિકે અત્યંત સમજદારી દાખવીને એલ્યુમિનિયમ ફોઇલ અને ડિસ્પોઝેબલ ગ્લોવ્સનો ઉપયોગ કરીને તે ખડકના ગરમ ટુકડાઓને કાચની બરણીમાં સુરક્ષિત રીતે પેક કરી દીધા હતા. આ ત્વરિત પગલાને કારણે જ આ ખડક પૃથ્વીના વરસાદ, હવા કે અન્ય કોઈ બેક્ટેરિયાના સંપર્કમાં આવીને પ્રદૂષિત ન થયો, જે વિજ્ઞાન માટે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.
શા માટે આ ઉલ્કાપિંડ સોના કરતાં પણ વધુ કિંમતી છે?
વૈજ્ઞાનિકોના મતે, આ હિલ્સબરો ઉલ્કાપિંડ 'CM કાર્બોનેસિયસ કોન્ડ્રાઇટ' નામના અત્યંત દુર્લભ અને કાર્બનથી સમૃદ્ધ વર્ગનો છે. કેલિફોર્નિયાની પ્રખ્યાત SETI ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર, માનવ ઇતિહાસમાં આવી ઉલ્કા પડવાની અને તેને ગણતરીના કલાકોમાં જ અકબંધ મેળવવાની આ બીજી જ ઘટના છે, જેને કારણે તે વિશ્વની "સૌથી વધુ વૈજ્ઞાનિક મૂલ્યવાન ઉલ્કા" બની ગઈ છે.
જ્યારે લેબોરેટરીમાં અદભુત ટેકનોલોજીથી તેની તપાસ કરવામાં આવી, ત્યારે આ ખડકની અંદર સોડિયમની અસામાન્ય રીતે ઊંચી માત્રાવાળા નાના-નાના ખિસ્સા (પોકેટ) મળી આવ્યા હતા. આનાથી સાબિત થાય છે કે અબજો વર્ષો પહેલાં જ્યારે આ ખડક અવકાશમાં ફરતો હતો, ત્યારે તેની અંદર ખનિજોથી ભરપૂર ખારું પાણી વહી રહ્યું હતું. ફાયરબોલ કેમેરાના ફૂટેજના આધારે વિજ્ઞાનીઓએ શોધ્યું છે કે આ ખડક મંગળ (Mars) અને ગુરુ (Jupiter) ગ્રહની વચ્ચે આવેલા આંતરિક એસ્ટરોઇડ પટ્ટાના 'એરિગોન એસ્ટરોઇડ પરિવાર' માંથી તૂટીને પૃથ્વી તરફ આવ્યો હતો.
તો શું અવકાશમાં એલિયન્સ કે જીવન અસ્તિત્વ ધરાવે છે?
આ શોધ બાદ સામાન્ય લોકોમાં એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું આનાથી અવકાશમાં જીવન હોવાનો પુરાવો મળે છે? વૈજ્ઞાનિકોએ આનો સ્પષ્ટ જવાબ આપતા કહ્યું છે - 'ના'. આ મોલેક્યુલ્સ (પરમાણુઓ) પોતે કોઈ જીવંત પ્રાણી કે એલિયન્સ નથી, પરંતુ તે જીવંત સૃષ્ટિના નિર્માણ માટેના પાયાના રાસાયણિક ઘટકો એટલે કે 'બિલ્ડિંગ બ્લોક્સ' છે.
આ શોધ એ સિદ્ધાંતને મજબૂત સમર્થન આપે છે કે અબજો વર્ષો પહેલા જ્યારે પૃથ્વી એક સુકો અને નિર્જીવ ગ્રહ હતી, ત્યારે અવકાશમાંથી ત્રાટકેલા આવા કરોડો કાર્બન-સમૃદ્ધ એસ્ટરોઇડ્સ અને ઉલ્કાઓએ જ પૃથ્વી પર પાણી, એમિનો એસિડ અને જરૂરી રાસાયણિક સંયોજનો પહોંચાડ્યા હતા. આ જ અવકાશી સામગ્રીના કારણે સમય જતાં પૃથ્વી પર અનુકૂળ વાતાવરણ સર્જાયું અને માનવ સહિતની સમગ્ર સૃષ્ટિનો ઉદ્ભવ શક્ય બન્યો. આ સ્પેસ રોક ખરેખર આપણા પોતાના અસ્તિત્વના ઇતિહાસનું ટાઇમ કેપ્સ્યુલ સાબિત થઈ રહ્યો છે!
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
