<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

૧૬મી સદીના ગુપ્ત દસ્તાવેજો ખોલશે મુઘલ સામ્રાજ્યના ચોંકાવનારા રહસ્યો: ઔરંગઝેબ વિશે ઇતિહાસકારોનો દાવો બદલાયો, પુત્રી ઝીનત-ઉન-નિસાના રાજકીય વર્ચસ્વનો થયો મોટો ખુલાસો

કેલિફોર્નિયા યુનિવર્સિટીના ઇતિહાસકાર મુનિસ ડી. ફારૂકીએ બે દાયકાના સંશોધન બાદ 'અખબાર-એ-દરબાર-એ-મુઆલ્લા'નો અભ્યાસ કરી જાહેર કર્યો નવો ઇતિહાસ; ધર્માંતરણ અને શીખ સમુદાય પરના દમન અંગે મળ્યા ચોંકાવનારા સંકેતો

નવી દિલ્હી : જ્યારે યુરોપના દેશોમાં હજુ અખબારોની શરૂઆત થઈ રહી હતી, ત્યારે મુઘલ શાસિત ભારત પાસે પોતાનું એક અત્યંત શક્તિશાળી અને વ્યાપક ગુપ્ત સમાચાર નેટવર્ક હતું. ૧૬મી સદીના અંત ભાગથી જ મુઘલ દરબારમાં લેખકો, એજન્ટો અને સચિવોની એક વિશાળ ટીમ 'અખબાર' એટલે કે ટૂંકા હસ્તલિખિત સમાચાર અહેવાલો તૈયાર કરતી હતી. વર્ષો સુધી ધૂળ ખાતા પડેલા આ ફારસી દસ્તાવેજો પર કેલિફોર્નિયા યુનિયર્સિટી, બર્કલેના જાણીતા ઇતિહાસકાર મુનિસ ડી. ફારૂકીએ વર્ષ ૨૦૦૭થી લઈને અત્યાર સુધી એટલે કે લગભગ બે દાયકા સુધી ઊંડો અભ્યાસ કર્યો છે. કોલકાતાની નેશનલ લાઇબ્રેરીમાં સચવાયેલા ૬,૫૦૦થી વધુ પાનાના "અખબાર-એ-દરબાર-એ-મુઆલ્લા" (શાહી દરબારના દૈનિક અહેવાલો) ના સંશોધન બાદ ભારતના સૌથી વિવાદાસ્પદ મુઘલ શાસક ઔરંગઝેબ અને તેના શાસનકાળ વિશે કેટલીક એવી કડીઓ સામે આવી છે જે પ્રચલિત ઇતિહાસને પડકારે છે.

ડૉ. ફારૂકીના આ સંશોધન પરથી તૈયાર થયેલા નવા પુસ્તકમાં દાવો કરાયો છે કે, ઔરંગઝેબ એટલો ક્રૂર, કઠોર કે અંતરિયાળ શાસક નહોતો જેટલો તેને સામાન્ય રીતે ચિતરવામાં આવે છે. આ દસ્તાવેજોના પૃષ્ઠો ઉથલાવતા એક ચોંકાવનારી વિગત એ સામે આવી કે ઔરંગઝેબના અંતિમ વર્ષોમાં તેની પુત્રી ઝીનત-ઉન-નિસા કોઈ સામાન્ય શાહી મહિલા નહોતી, પરંતુ તે દરબારની સૌથી શક્તિશાળી રાજકીય વ્યક્તિ તરીકે ઉભરી આવી હતી. જ્યારે ઔરંગઝેબ શારીરિક અને રાજકીય રીતે નબળો પડ્યો, ત્યારે ઝીનત-ઉન-નિસાએ મુઘલ હેરમ અને સામ્રાજ્યના સંચાલનમાં અસાધારણ અને મજબૂત ભૂમિકા ભજવી હતી, જેનો ઇતિહાસમાં અગાઉ ક્યાંય વિગતવાર ઉલ્લેખ નથી.

"મુઘલ સામ્રાજ્યના આ અહેવાલો વાંચવા એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું મુશ્કેલ કામ છે, કારણ કે આ હજારો દસ્તાવેજોમાં કોઈ અનુક્રમણિકા (Index) નથી. પરંતુ તેમાંથી મળતી વિગતો અદ્ભુત છે."

— ઇતિહાસકાર મુનિસ ડી. ફારૂકી

ધર્માંતરણ અને શીખ સમુદાય પરના દમન અંગે નવો વળાંક

આ સંશોધનમાં સૌથી મોટો અને આશ્ચર્યજનક વળાંક ધાર્મિક બાબતોમાં આવ્યો છે. સામાન્ય રીતે ઔરંગઝેબના શાસનને મોટા પાયે કરાયેલા ધર્માંતરણ અને શીખ સમુદાય પરના અત્યાચારો સાથે જોડવામાં આવે છે. પરંતુ ડૉ. ફારૂકીના મતે, આ રોજિંદા સરકારી અખબારોમાં મોટા પાયે ધર્માંતરણ થયાના બહુ ઓછા પુરાવા કે ઉલ્લેખો મળે છે. એટલું જ નહીં, શાહી અહેવાલોમાં શીખ સમુદાય વિશે ધારણા કરતાં ઘણી ઓછી નકારાત્મક ટિપ્પણીઓ જોવા મળી છે, જે ૧૭૧૧થી ચાલી આવતી ઐતિહાસિક પરંપરાઓ અને માન્યતાઓ કરતાં તદ્દન અલગ છે.

આ ઐતિહાસિક દસ્તાવેજોનો સૌથી મોટો સંગ્રહ હાલ કોલકાતાની રાષ્ટ્રીય પુસ્તકાલયમાં સુરક્ષિત છે, જે અગાઉ ભારતના પ્રખ્યાત ઇતિહાસકાર સર જદુનાથ સરકારના ખાનગી પુસ્તકાલયનો હિસ્સો હતો. આ સિવાય લંડન, બિકાનેર અને સીતામઉમાં પણ આનો કેટલોક ભાગ સચવાયેલો છે. બ્રિટિશ કાળ દરમિયાન જેમ્સ ટોડ નામના અધિકારી જયપુર કિલ્લાના ભોંયરામાંથી આ દસ્તાવેજો સંશોધન માટે લંડન લઈ ગયા હતા અને બાદમાં તે રોયલ એશિયાટિક સોસાયટીને સોંપી દીધા હતા. ઇતિહાસકારોનું માનવું છે કે ઔરંગઝેબના ૫૦ વર્ષના શાસનકાળનો આશરે ત્રીજો ભાગ આ અખબારોમાં દૈનિક ધોરણે નોંધાયેલો છે, અને હજુ પણ આ આર્કાઇવલ બ્રહ્માંડમાં એવી અગણિત વાર્તાઓ છુપાયેલી છે જેના પર ભવિષ્યમાં ડઝનથી વધુ પુસ્તકો લખાઈ શકે છે.

(8:03 PM IST)