<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

સુદાનમાં યુદ્ધની ભયાનકતા વચ્ચે માસૂમોની ચિખ: છેલ્લા ૬ મહિનામાં ૩૦૦થી વધુ બાળકો હોમાયા, ડ્રોન હુમલા બન્યા કાળમુખા

આંતરવિગ્રહની આગમાં ૫૯,૦૦૦થી વધુ લોકોના મોત અને ૧.૩ કરોડ નાગરિકો વિસ્થાપિત, સંયુક્ત રાષ્ટ્ર સંઘે ડ્રોન યુદ્ધ અને બાહ્ય દખલગીરી સામે વ્યક્ત કરી ભારે ચિંતા

જીનીવા, આફ્રિકન દેશ સુદાનમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલો લોહિયાળ આંતરવિગ્રહ હવે માસૂમ બાળકો માટે કાળ સાબિત થઈ રહ્યો છે. યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (UNICEF) દ્વારા જારી કરાયેલા એક હૃદયદ્રાવક અહેવાલ અનુસાર, સુદાનમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધના કારણે છેલ્લા માત્ર છ મહિનામાં ૩૦૦થી વધુ નિર્દોષ બાળકો કાં તો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે અથવા તો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ચોંકાવનારા અહેવાલમાં ખુલાસો થયો છે કે, બાળકોના મોતમાં સૌથી મોટો અને ભયાનક હિસ્સો આધુનિક ડ્રોન હુમલાઓનો છે, જે કુલ જાનહાનિના લગભગ ૬૦ ટકા જેટલો થાય છે.
સુદાનમાં એપ્રિલ ૨૦૨૩થી શરૂ થયેલું આ લોહિયાળ યુદ્ધ ત્યાંની સત્તાવાર સૈન્ય અને અર્ધલશ્કરી દળ 'રેપિડ સપોર્ટ ફોર્સિસ' (RSF) વચ્ચે સર્વોચ્ચ વર્ચસ્વ મેળવવા માટે લડાઈ રહ્યું છે. હાલમાં આ વિનાશક યુદ્ધ મુખ્યત્વે કોર્ડોફાન, ડારફુર અને બ્લુ નાઇલ જેવા સંવેદનશીલ રાજ્યોમાં કેન્દ્રિત બન્યું છે. ઉત્તર કોર્ડોફાનના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા 'અલ-ઓબેદ' શહેર પર કબજો મેળવવા માટે સૈન્ય અને આરએસએફ (RSF) વચ્ચે ચાલી રહેલી કાપાકાપીને કારણે સંયુક્ત રાષ્ટ્ર (UN), અમેરિકા અને બ્રિટન સહિતના વૈશ્વિક સત્તાધીશોએ ત્યાં થઈ રહેલા માનવતાવાદી અત્યાચારો અંગે તીવ્ર ચિંતા અને આક્રોશ વ્યક્ત કર્યો છે.
વૈશ્વિક સ્તરે આ હિંસા સામે મોટો કદમ ઉઠાવતા, આજે જીનીવા ખાતે યુએન સમર્થિત માનવ અધિકાર પરિષદે પાંચ યુરોપિયન દેશો દ્વારા રજૂ કરાયેલા એક પ્રસ્તાવને કોઈ પણ વિરોધ વિના (મતદાન વગર) મંજૂરી આપી દીધી છે. આ પ્રસ્તાવમાં અલ-ઓબેદ અને તેની આસપાસના વિસ્તારોમાં આરએસએફ (RSF) અને તેના સહયોગી સંગઠનો દ્વારા ફેલાવવામાં આવી રહેલી અંધાધૂંધ હિંસાની આકરા શબ્દોમાં નિંદા કરવામાં આવી છે. આ સાથે જ, યુદ્ધની પરિસ્થિતિથી બચવા માટે સુદાન છોડીને ભાગી રહેલા શરણાર્થીઓને આશ્રય આપતા પડોશી દેશોને વધુ આર્થિક અને સામાજિક મદદ આપવાની હિમાયત કરવામાં આવી છે અને યુદ્ધમાં થઈ રહેલી તમામ પ્રકારની બાહ્ય રાજકીય કે સૈન્ય દખલગીરીને રોકવા હાકલ કરાઈ છે.
આ આંતરવિગ્રહ એટલો ભયાનક વળાંક લઈ ચૂક્યો છે કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૫૯,૦૦૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અંદાજે ૧.૩ કરોડ (૧૩ મિલિયન) લોકો પોતાના જ દેશમાં બેઘર બનીને વિસ્થાપિત થયા છે. પરિણામે સુદાનના મોટાભાગના વિસ્તારો આજે ભયંકર દુષ્કાળ અને ભૂખમરાની ગર્તામાં ધકેલાઈ ગયા છે. દેશની અડધાથી વધુ વસ્તી એટલે કે ૩ કરોડથી વધુ લોકોને તાત્કાલિક માનવતાવાદી અને તબીબી સહાયની જરૂર છે. સુદાન માટે યુનિસેફના પ્રતિનિધિ શેલ્ડન યેટ્ટે ભારે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, અહીંના માસૂમ બાળકો હિંસા, વિસ્થાપન અને પાયાની જરૂરિયાતોથી વંચિત રહેવાના એક એવા અવિરત અને ક્રૂર ચક્રમાં ફસાઈ ગયા છે જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. યુએન દ્વારા યુદ્ધમાં સામેલ તમામ પક્ષોને નાગરિકોની સુરક્ષા કરવા અને બાળકોને આ નુકસાનથી બચાવવા માટે યુદ્ધવિરામ કરવા અપીલ કરવામાં આવી છે.

(7:19 PM IST)