<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

શાળાની દીકરીઓ પર શિક્ષકોનો પાશવી હુમલો: રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) એ લીધી કડક નોંધ, રાજસ્થાનના મુખ્ય સચિવને ફટકારી નોટિસ!

સરકારી શાળાના બે શિક્ષકોએ ધોરણ ૯ અને ૧૧ ની વિદ્યાર્થિનીઓ પર કર્યો હતો અત્યાચાર; આયોગે મીડિયા અહેવાલોના આધારે 'સુઓમોટો' એક્શન લઈ ૨ સપ્તાહમાં માંગ્યો વિગતવાર રિપોર્ટ

નવી દિલ્હી: રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાની એક સરકારી શાળામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાળામાં જ્ઞાન મેળવવા જતી ધોરણ ૯ અને ૧૧ ની નિર્દોષ વિદ્યાર્થિનીઓ પર ત્યાંના જ બે નરાધમ શિક્ષકો દ્વારા નિર્દયતાપૂર્વક પાશવી હુમલો કરવામાં આવ્યો હતો. દીકરીઓ પર થયેલા આ શારીરિક અને માનસિક અત્યાચારની ઘટનાને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) એ અત્યંત ગંભીરતાથી લીધી છે. આયોગે આ મામલે કડક વલણ અપનાવતા રાજસ્થાન સરકારના મુખ્ય સચિવને કારણદર્શક નોટિસ ફટકારી દીધી છે.

ઘરે જઈને દીકરીઓએ માતા-પિતા સમક્ષ રડીને વ્યથા ઠાલવી

આ કાળજું કંપાવી દેનારી ઘટના ગત ૧૭ જુલાઈના રોજ વિવિધ મીડિયા માધ્યમો દ્વારા પ્રકાશમાં આવી હતી. અહેવાલો અનુસાર, શાળા સમય દરમિયાન બે શિક્ષકોએ કોઈ અકળ કારણોસર ધોરણ ૯ અને ૧૧ માં ભણતી વિદ્યાર્થિનીઓ પર હુમલો કર્યો હતો. શાળાના ડરને કારણે ત્યાં સુધી ચૂપ રહેલી માસૂમ દીકરીઓએ જ્યારે સાંજે ઘરે પરત ફરી ત્યારે તેમના માતા-પિતા સમક્ષ રડતા-રડતા આખી આપવીતી અને શિક્ષકોની હેવાનીયતની વાત કરી હતી. ત્યારબાદ આ મામલો વાયુવેગે સમગ્ર પંથકમાં પ્રસર્યો હતો અને મીડિયામાં હેડલાઇન્સ બન્યો હતો.

માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન: બે અઠવાડિયામાં જવાબ આપવા આદેશ

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે આ મીડિયા અહેવાલોની સ્વતઃ નોંધ (Suo Motu) લેતા સ્પષ્ટ કર્યું છે કે, જો આ સમાચાર અહેવાલોમાં દર્શાવેલી વિગતો સાચી સાબિત થશે, તો તે પીડિત વિદ્યાર્થીઓના મૂળભૂત માનવ અધિકારો અને ગરિમાનું ઘોર ઉલ્લંઘન છે. પંચે આ મામલે રાજસ્થાનના મુખ્ય સચિવને નોટિસ જારી કરીને આગામી બે અઠવાડિયાની અંદર આ સમગ્ર ઘટના, શિક્ષકો સામે લેવાયેલા કાનૂની પગલાં અને પીડિત વિદ્યાર્થિનીઓની સુરક્ષા અંગેનો સંપૂર્ણ વિગતવાર અહેવાલ સબમિટ કરવાનો આદેશ આપ્યો છે.

(8:43 PM IST)