<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

યુગાન્ડામાં શૈક્ષણિક પ્રવાસથી પરત ફરી રહેલી માસૂમ બાળકોની સ્કૂલ બસ ખડક સાથે અથડાઈને પલટી : ૨૦ બાળકો અને શાળાના સંચાલક સહિત કુલ ૨૧ લોકોના કમકમાટીભર્યા મોત

પૂર્વ યુગાન્ડાના કપચોરવા જિલ્લામાં આવેલા પ્રખ્યાત સિપી ફોલ્સની મુલાકાત લઈ પાછા ફરી રહેલા કંપાલાની કિંગ ડેવિડ જુનિયર સ્કૂલના વિદ્યાર્થીઓની બસ પરથી ચાલકે નિયંત્રણ ગુમાવતાં સર્જાયેલી ભયાનક દુર્ઘટના : ગંભીર ઈજાગ્રસ્ત બાળકો હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે

કંપાલા: એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દેનારી ઘટનામાં શૈક્ષણિક પ્રવાસનો આનંદ માણીને ઘરે પરત ફરી રહેલા માસૂમ વિદ્યાર્થીઓની સ્કૂલ બસને નડેલા ગમખ્વાર અકસ્માતમાં ૨૦ નિર્દોષ બાળકો સહિત કુલ ૨૧ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. પૂર્વ યુગાન્ડાના કપચોરવા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ પર્યટન સ્થળ સિપી ફોલ્સ ખાતેથી ખુશખુશાલ વાતાવરણમાં પરત ફરી રહેલા બાળકોની બસ અચાનક રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને એક વિશાળ ખડક સાથે ધડાકાભેર અથડાયા બાદ પલટી મારી ગઈ હતી. આ ભયાનક અકસ્માતને પગલે પ્રવાસનો ઉત્સાહ પલભરમાં માતમમાં ફેરવાઈ ગયો હતો અને અનેક પરિવારોએ પોતાના વહાલસોયા બાળકોને હંમેશા માટે ગુમાવી દીધા છે.

 

બસનો ઉપરનો ભાગ સંપૂર્ણપણે કચડાયો, શાળાના સ્થાપકે પણ જીવ ગુમાવ્યો:

પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મળતી વિગતો અનુસાર, આ દર્દનાક દુર્ઘટના ગુરુવારે રાત્રે તે સમયે સર્જાઈ જ્યારે રાજધાની કંપાલામાં આવેલી કિંગ ડેવિડ જુનિયર સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોતાનો પ્રવાસ પૂર્ણ કરીને પાછા આવી રહ્યા હતા. મુસાફરી દરમિયાન ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવી દેતાં બસ જોરદાર ખડક સાથે અથડાઈ હતી, જેના કારણે બસનો ઉપરનો હિસ્સો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ૨૦ માસૂમ બાળકોના મોત નીપજ્યા હતા, જ્યારે મૃત્યુ પામનાર એકમાત્ર પુખ્ત વયના વ્યક્તિ આ શાળાના સ્થાપક અને સંચાલક હોવાનું સામે આવ્યું છે.

 

નવ બાળકોની હાલત અત્યંત નાજુક, ગ્રામજનો દેવદૂત બન્યા:

દુર્ઘટના એટલી ગંભીર હતી કે બસમાં સવાર અન્ય અનેક બાળકોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તો પૈકી ઓછામાં ઓછા નવ બાળકોની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે. અકસ્માતનો પ્રચંડ અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક દેવદૂત બનીને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવીને કચડાયેલી બસની અંદર ફસાયેલા માસૂમ બાળકોને બહાર કાઢવાની બચાવ કામગીરી શરૂ કરી હતી. ગ્રામજનોની તત્પરતા અને સમયસૂચકતાના કારણે જ ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક ધોરણે નજીકની વિવિધ હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડી શકાયા હતા, જેથી કરીને ઘણા બાળકોના જીવ બચાવી લેવાયા છે.

 

અકસ્માતના કારણો શોધવા પોલીસ તપાસ તેજ અને આફ્રિકામાં માર્ગ સલામતીનો મોટો પડકાર:

સ્થાનિક પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માતના વાસ્તવિક કારણો શોધવા માટે કાયદેસરની તપાસ હાથ ધરી છે. પ્રારંભિક તપાસમાં ડ્રાઈવરે બસ પરથી નિયંત્રણ ગુમાવ્યું હોવાની આશંકા છે, પરંતુ પોલીસ હાલમાં અકસ્માત સમયની રોડની સ્થિતિ, વાહનની યાંત્રિક ખામી અને ચાલકની ભૂમિકા સહિતના તમામ ટેકનિકલ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, યુગાન્ડા સહિતના આફ્રિકાના દેશોમાં માર્ગ અકસ્માતોની સમસ્યા ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. ખરાબ અને બિસ્માર રસ્તાઓ, વાહનોની અપૂરતી જાળવણી તેમજ ઓવરસ્પીડના કારણે અવારનવાર આવા જીવલેણ અકસ્માતો સર્જાય છે. હજુ તાજેતરમાં જ ઉત્તરી યુગાન્ડામાં બસ અને ટ્રક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં ૧૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના ચોંકાવનારા આંકડા દર્શાવે છે કે રોડ સેફ્ટી મામલે આફ્રિકા ખંડની સ્થિતિ વિશ્વમાં સૌથી ખરાબ છે, જ્યાં દર વર્ષે ત્રણ લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતોમાં કાળનો કોળિયો બની જાય છે.

(10:05 PM IST)