News of Thursday, 16th July 2026
આયુષ્માન ભારત યોજનામાં કરોડોનું કૌભાંડ: એક જ પરિવારના સભ્યોને વારંવાર હોસ્પિટલમાં દાખલ કરી તારવ્યા લાખો
યુપીના બિજનૌરમાં હેલ્થ સ્કેમનો પર્દાફાશ: ૧૬ હોસ્પિટલો સામે સખત કાર્યવાહી, ગેરરીતિ બદલ ૧૦ ગણો દંડ અને લાયસન્સ રદ કરવાની તૈયારીઓ

લખનૌ: કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી 'આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના'નો લાભ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને મળે તે હેતુથી શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ ઉત્તર પ્રદેશમાં આ યોજનાનો લાભ લેવાને બદલે કેટલીક ખાનગી હોસ્પિટલો દ્વારા તેને લૂંટનું સાધન બનાવી લેવામાં આવ્યું હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. બિજનૌર જિલ્લામાં હાથ ધરવામાં આવેલા એક ખાસ ઓપરેશન અને ઓચિંતા નિરીક્ષણમાં સામે આવ્યું છે કે, કેટલીક હોસ્પિટલો દ્વારા એક જ પરિવારના સભ્યોને વારંવાર ખોટી રીતે હોસ્પિટલમાં દાખલ કરીને લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.
ગેરરીતિનો મુખ્ય પ્રકાર: આઈસીયુ (ICU) ના નામે કરોડોની ઉઘરાણી
સાચીઝ (SACHiS - State Agency for Comprehensive Health Insurance Scheme) દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે, હોસ્પિટલોમાં દર્દીઓની જરૂરિયાત ન હોવા છતાં તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવતા હતા. તપાસકર્તાઓની ટીમે નોંધ્યું હતું કે, ઘણી હોસ્પિટલોએ સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ ગાઈડલાઈન્સ (Standard Treatment Guidelines) ને નેવે મૂકીને માત્ર સરકારી ગ્રાન્ટ અને વીમાના પૈસા પચાવી પાડવા માટે એક જ પરિવારના સભ્યોને વારંવાર દાખલ કરીને આ આખું રેકેટ ચલાવ્યું હતું.
૧૬ હોસ્પિટલો પર તવાઈ, કાર્યવાહી તેજ
આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સાચીઝની મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) અર્ચના વર્માના નિર્દેશ હેઠળ બિજનૌરની ૨૦ હોસ્પિટલોનું તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૧૬ હોસ્પિટલોમાં ગંભીર ગેરરીતિઓ જણાઈ આવી હતી. આ પૈકી ૬ હોસ્પિટલોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને તેમનું પેમેન્ટ અટકાવી દેવામાં આવ્યું છે, જ્યારે અન્ય ૧૦ હોસ્પિટલોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
તંત્ર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો:
દંડની જોગવાઈ: જે હોસ્પિટલોએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, તેમને હવે નિયત દંડ કરતાં ૧૦ ગણો દંડ ભરવો પડશે.
જવાબદારી નક્કી કરાઈ: માત્ર હોસ્પિટલો જ નહીં, પરંતુ જે ઓડિટ એજન્સી દ્વારા આ બિલ પાસ કરવામાં આવ્યા હતા, તેમને પણ નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત, જિલ્લા કાર્યક્રમ સંયોજક (District Programme Coordinator) ને પણ ખુલાસો કરવા માટે ફરજ પાડવામાં આવી છે.
કાયમી દેખરેખ: સાચીઝ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે રાજ્યભરની તમામ સૂચિબદ્ધ હોસ્પિટલો પર કડક નજર રાખવામાં આવશે. જે હોસ્પિટલો દર્દીઓની સારવારમાં ક્વોલિટી અને પારદર્શિતા જાળવવામાં નિષ્ફળ જશે, તેમની સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.
આ ખુલાસા બાદ આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે અને અન્ય જિલ્લાઓમાં પણ આવી જ રીતે યોજનાના નામે ચાલી રહેલા કૌભાંડોની તપાસ થવાની શક્યતાઓ પ્રબળ બની છે.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
