તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
SBI ગ્રાહકો સાવધાન! મે મહિનાના અંતમાં સતત 4 દિવસ બેંકોમાં લટકશે તાળા, હડતાળના એલાનથી આર્થિક વ્યવહારો ખોરવાવાની ભીતિ
સ્ટાફની અછત અને પેન્શન જેવા 16 પડતર પ્રશ્નો મુદ્દે કર્મચારી સંગઠનો આક્રમક મૂડમાં: 23 થી 26 મે સુધી બેંકિંગ કામકાજ પર બ્રેક લાગશે : ડિજિટલ સેવાઓ પર દબાણ વધવાની શક્યતા

અમદાવાદ : દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના કરોડો ગ્રાહકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઓલ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ ફેડરેશને આગામી 25 અને 26 મેના રોજ રાષ્ટ્રવ્યાપી હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. સંજોગોવશાત્ 23 મેના રોજ ચોથો શનિવાર અને 24 મેના રોજ રવિવારની રજા હોવાથી, બેંકિંગ સેવાઓ સતત ચાર દિવસ સુધી ઠપ થઈ શકે છે. જો તમે બેંક સંબંધિત કોઈ મહત્વનું કામ પતાવવાનું વિચારી રહ્યા હોવ, તો અત્યારથી જ આયોજન કરી લેવું હિતાવહ છે, કારણ કે શાખાઓ બંધ રહેવાને કારણે ચેક ક્લિયરન્સ અને અન્ય ઓફલાઈન કામગીરીમાં મોટો વિલંબ થઈ શકે છે.
કર્મચારી યુનિયનો લાંબા સમયથી સ્ટાફની અછત, ભરતી પ્રક્રિયામાં વિલંબ અને પેન્શન નીતિઓમાં સુધારા જેવી 16 મુખ્ય માંગણીઓ મુદ્દે લડત ચલાવી રહ્યા છે. યુનિયનોનો આરોપ છે કે સશસ્ત્ર રક્ષકો અને સહાયક સ્ટાફની જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડી છે, જેનાથી શાખાની સુરક્ષા અને કામના ભારણ પર અસર પડે છે. હડતાળના સમર્થનમાં 5 મેથી જ દેશભરમાં દેખાવો અને સોશિયલ મીડિયા કેમ્પેઈન શરૂ કરી દેવામાં આવશે. એટલું જ નહીં, 19 મેના રોજ નાણામંત્રી અને 21 મેના રોજ વડાપ્રધાનને આવેદનપત્ર આપીને પોતાની માંગણીઓ સંતોષવા રજૂઆત કરવામાં આવશે.
જોકે, બેંક મેનેજમેન્ટ દ્વારા ડિજિટલ સેવાઓ જેવી કે નેટ બેંકિંગ અને UPI ચાલુ રાખવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ રોકડ ઉપાડ માટે ATM પર ભારે ધસારો જોવા મળી શકે છે. જો સરકાર અને યુનિયન વચ્ચે કોઈ સમજૂતી નહીં સધાય, તો આ હડતાળ 27 મે સુધી લંબાઈ શકે તેવી પણ શક્યતા છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં ડિજિટલ વ્યવહારો ઓછા છે, ત્યાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. હડતાળને કારણે અબજો રૂપિયાના ટ્રાન્ઝેક્શન અટકી જવાની ભીતિ હોવાથી બજારમાં પણ તેની નકારાત્મક અસર જોવા મળી શકે છે.
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
