તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th October 2026
બોલો લ્યો ! IMF પાસેથી અબજો ડોલરની ભીખ માંગતું પાકિસ્તાન 1953 પછી પહેલીવાર બન્યું વૈશ્વિક બેંક બોર્ડનું અધ્યક્ષ!
સાઉદી સહાય અને વિદેશી લોન પર નભતા પાકિસ્તાનને 1953 પછી પહેલીવાર મળ્યું વૈશ્વિક મંચનું નેતૃત્વ: મંત્રી અહદ ખાન ચીમા 2027 માટે IMF-WBG ના ચેરમેન જાહેર, છતાં આર્થિક કટોકટી અને દેવાની તંગી યથાવત રહેશે

ઈસ્લામાબાદ: જે દેશ પોતાની દૈનિક આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે સતત આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ સામે ઝોળી ફેલાવીને લોનના આગામી હપ્તાની રાહ જોતો હોય, તે જ દેશ હવે બેંકના સર્વોચ્ચ બોર્ડ ઓફ ગવર્નર્સની અધ્યક્ષતા કરશે! સાઉદી અરેબિયાની મદદ, યુએસ ડોલરની દયા અને વિદેશી દેવાના જોરે અર્થતંત્ર ચલાવતા પાકિસ્તાનને વર્ષ 2027 માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અને વિશ્વ બેંક જૂથ ના બોર્ડ ઓફ ગવર્નર્સના આગામી અધ્યક્ષ તરીકે નામાંકિત કરવામાં આવ્યું છે. બેંગકોક ખાતે યોજાયેલી 2026 IMF-વિશ્વ બેંક વાર્ષિક બેઠકોના પૂર્ણ સત્ર દરમિયાન પાકિસ્તાનના આર્થિક બાબતોના મંત્રી અહદ ખાન ચીમાને આગામી પ્રમુખ તરીકે ઔપચારિક રીતે જાહેર કરાતાં, વર્ષ 1953 પછી એટલે કે આશરે સાત દાયકા બાદ પાકિસ્તાન ફરી આ વૈશ્વિક પદ પર પહોંચ્યું છે.
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અને આ નિર્ણય વચ્ચેનો વિરોધાભાસ અત્યંત રસપ્રદ છે. દેશ હાલમાં જ IMFના $7 બિલિયનના 'એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી' (EFF) કાર્યક્રમ હેઠળ બાહ્ય ચૂકવણી સંતુલિત કરવા ઉધાર નાણાં મેળવી રહ્યો છે. આ ઉપરાંત, આબોહવા પરિવર્તનના જોખમો સામે રક્ષણ મેળવવા $1.4 બિલિયનના 'રેઝિલિયન્સ એન્ડ સસ્ટેનેબિલિટી ફેસિલિટી' (RSF) હેઠળ સહાય મેળવી રહ્યું છે. તાજેતરમાં જ નવી સમીક્ષા પર સંમતિ સાધ્યા બાદ IMF એક્ઝિક્યુટિવ બોર્ડની મંજૂરી મળતાં પાકિસ્તાનને વધુ $1.2 બિલિયનની રકમ મળવાની શક્યતા છે. આમ, જે IMF પાસેથી અબજો ડોલરની લોન લીધા વિના પાકિસ્તાનનો ગુઝારો શક્ય નથી, તે જ સંસ્થાના ગવર્નર્સ બોર્ડની અધ્યક્ષતા સંભાળવી એ વૈશ્વિક નાણાકીય જગતમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
12 થી 18 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી આ વાર્ષિક બેઠકમાં 191 દેશોના 15,000 થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પાકિસ્તાન સરકારે આ વિકાસને એક ‘ઐતિહાસિક સિદ્ધિ’ ગણાવીને એવો દાવો કર્યો છે કે આ પદથી દેશને વૈશ્વિક આર્થિક ચર્ચાઓમાં સક્રિય યોગદાન આપવાની તક મળશે. જોકે, આર્થિક નિષ્ણાતો સ્પષ્ટ કરે છે કે બોર્ડ ચેરમેન બનવાનો અર્થ IMF કે વિશ્વ બેંકના ખજાનાની ચાવીઓ અથવા ધિરાણ મંજૂર કરવાની આખરી સત્તા મેળવવી એવો થતો નથી. આ એક પ્રોટોકોલ અને મુત્સદ્દીગીરી આધારિત પદ છે. અધ્યક્ષતા મળવા છતાં પાકિસ્તાન માટે પોતાની વિદેશી ચૂકવણીઓ, વધતું જતું દેવું અને કડક આર્થિક સુધારાઓના પડકારો યથાવત રહેશે.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
