News of Tuesday, 30th June 2026
લ્યો બોલો : લોહગઢ કિલ્લા પર ‘સિયા પોઈન્ટ’નો વધતો ક્રેઝ : કેતન અગ્રવાલ હત્યા કેસ બાદ પ્રવાસીઓમાં વધારો
આ કિલ્લો પ્રવાસીઓ માટે માત્ર ટ્રેકિંગનું સ્થળ નથી રહ્યું, પરંતુ એક ડાર્ક ટુરિઝમનું કેન્દ્ર બની ગયો :લોકો ખાસ કરીને તે સ્થળ જોવા માટે ઉત્સુક છે જ્યાં કથિત રીતે આ ગુનો થયો હતો.

મહારાષ્ટ્રના લોનાવાલા પાસે આવેલો ઐતિહાસિક લોહગઢ કિલ્લો, જે તેના શૌર્યપૂર્ણ ઈતિહાસ અને પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતો હતો, તે આજે એક અલગ જ કારણોસર ચર્ચામાં છે. ચકચારી કેતન અગ્રવાલ મર્ડર કેસ બાદ આ કિલ્લો પ્રવાસીઓ માટે માત્ર ટ્રેકિંગનું સ્થળ નથી રહ્યું, પરંતુ એક ડાર્ક ટુરિઝમનું કેન્દ્ર બની ગયો છે.
કેતન અગ્રવાલ હત્યા કેસ દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે અને તેની અસર હવે કોર્ટરૂમની બહાર પણ જોવા મળી રહી છે. આ હાઇ-પ્રોફાઇલ કેસ બાદ, મહારાષ્ટ્રના ઐતિહાસિક લોહાગઢ કિલ્લા પર પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે; લોકો ખાસ કરીને તે સ્થળ જોવા માટે ઉત્સુક છે જ્યાં કથિત રીતે આ ગુનો થયો હતો.
થોડા સમય પહેલાં બિઝનેસમેન કેતન અગ્રવાલની કથિત રીતે તેની ફિયાન્સી સિયા ગોયલ અને સિયાના બોયફ્રેન્ડ ચેતન ચૌધરીએ લોહાગઢ કિલ્લા પરથી ધક્કો મારીને હત્યા કરી હતી. આ ઘટના બાદ આ કિલ્લાનો જે ભાગ લોકો માટે સામાન્ય હતો, તે હવે સોશિયલ મીડિયા પર'સિયા પોઈન્ટ' તરીકે ઓળખાવા લાગ્યો છે.
રિપોર્ટ્સ મુજબ, આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ લોહગઢ આવતા પ્રવાસીઓની સંખ્યામાં લગભગ 25 ટકાનો વધારો થયો છે. ખાસ કરીને વીકેન્ડ પર અહીં માનવ મહેરામણ જોવા મળે છે. જો કે દુઃખદ બાબત એ છે કે, જે પ્રવાસીઓ અહીં કિલ્લાની ભવ્યતા જોવા આવતા હતા, તેઓ હવે સીધા સિક્યોરિટી ગાર્ડ્સ પાસે જઈને એ પૂછે છે કે- એ જગ્યા કઈ છે જ્યાં કેસ બન્યો હતો?
આ ઘટનાએ પર્યટન સ્થળો પરની સંવેદનશીલતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. લોકોમાં જે રીતે આ સ્થળ જોવા માટે ઉત્સુકતા જોવા મળી રહી છે, તેને લઈને સ્થાનિકો અને ઈતિહાસકારોમાં રોષ છે
લોહગઢ વિસાપુર વિકાસ મંચના સચિન ટેકવાડેએ આ અંગે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે- આ કિલ્લો 2,000 વર્ષ જૂનો ઈતિહાસ ધરાવે છે. છત્રપતિ શિવાજી મહારાજના કાળની આ નિશાની આજે ગર્વને બદલે એક ગુનાહિત ઘટના માટે પ્રખ્યાત થઈ રહી છે, જે અત્યંત શરમજનક છે. સોશિયલ મીડિયા પર મીમ્સ અને વિડિયો બનાવીને આ ઘટનાનું ગૌરવીકરણ કરવું એ ઈતિહાસનું અપમાન છે.
પુણે જિલ્લામાં લોનાવાલા નજીક સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલો લોહાગઢ કિલ્લો, મહારાષ્ટ્રના સૌથી લોકપ્રિય ટ્રેકિંગ સ્થળોમાંનો એક છે. "લોહાગઢ" નામનો અર્થ "લોખંડનો કિલ્લો" થાય છે, જે તેની મજબૂત રચનાને પ્રતિબિંબિત કરે છે. આ કિલ્લો આશરે 2,000 વર્ષ જૂનો છે અને એવું માનવામાં આવે છે કે તેનો પ્રથમ વખત સાતવાહન સમયગાળા દરમિયાન પાયો નાખવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રના માવલ ક્ષેત્રમાં સ્થિત, લોહાગઢ કિલ્લો લોનાવાલાથી આશરે 11 કિલોમીટર અને પુણેથી 60 કિલોમીટર દૂર છે. નજીકનું રેલવે સ્ટેશન માવલી છે, જ્યાંથી પ્રવાસીઓ કિલ્લા સુધી પહોંચી શકે છે.
શું કોઈની કરુણ હત્યાને પ્રવાસનનું આકર્ષણ બનાવવું એ સામાજિક રીતે યોગ્ય છે? આજે જ્યારે પ્રવાસીઓ ગૂગલ મેપ્સ અને ઈન્સ્ટાગ્રામ રીલ્સના સહારે સિયા પોઈન્ટ શોધી રહ્યા છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું આપણે એક સમાજ તરીકે સંવેદના ગુમાવી રહ્યા છીએ?
ઐતિહાસિક વારસાને માણવા જવાને બદલે ગુનાના સ્થળોની મુલાકાત લેવાની આ નવી પ્રથા (Dark Tourism) ભવિષ્યમાં વધુ ચર્ચાનો વિષય બનશે, પરંતુ અત્યારે તો લોહગઢનો ઈતિહાસ તેના પર લાગેલા આ ડાઘાથી પીડાઈ રહ્યો છે.
(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
