તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
સૌજન્યા બળાત્કાર-હત્યા કેસ: ૧૪ વર્ષ બાદ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, ૨૦૧૨ના ચકચારી મામલે નવી તપાસનો આપ્યો સ્પષ્ટ આદેશ
અગાઉની તપાસને 'નબળી' ગણાવી દેશની સર્વોચ્ચ અદાલતે સીબીઆઈ (CBI) ની આકરી ઝાટકણી કાઢી: ૩ મહિનાની આકરી સમયમર્યાદામાં અહેવાલ સોંપવા કડક નિર્દેશ

નવી દિલ્હી, તા.૨૧: કર્ણાટકના ધર્મસ્થળ નજીક ઉજીરે ખાતે વર્ષ ૨૦૧૨માં ૧૭ વર્ષીય વિદ્યાર્થીની સૌજન્યા પર ગુજારવામાં આવેલા ભયાનક બળાત્કાર અને હત્યાના ૧૪ વર્ષ જૂના ચકચારી કેસમાં સુપ્રીમ કોર્ટે આજે એક મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસની સંપૂર્ણ નવી તપાસ (Re-investigation) નો આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે કડક નિર્દેશ આપતા જણાવ્યું છે કે આ પુનઃતપાસ આગામી ત્રણ મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવે અને તેનો વિગતવાર તપાસ અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે.
આ કાનૂની લડાઈમાં આ આદેશ એક અત્યંત મહત્વપૂર્ણ વળાંક સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, શરૂઆતમાં કર્ણાટક સીઆઈડી (CID) અને ત્યારબાદ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી હતી. સીબીઆઈએ સંતોષ રાવ નામના એકમાત્ર વ્યક્તિની ધરપકડ કરી હતી, પરંતુ ૧૬ જૂન ૨૦૨૩ના રોજ સીબીઆઈની વિશેષ અદાલતે પુરાવાઓના અભાવે તેને નિર્દોષ જાહેર કર્યો હતો. પીડિતાનો પરિવાર શરૂઆતથી જ દાવો કરી રહ્યો હતો કે સીબીઆઈએ મુખ્ય ગુનેગારોને બચાવવા માટે મહત્વપૂર્ણ પુરાવાઓને અવગણ્યા હતા.
તપાસમાંથી જૂના અધિકારીઓ આઉટ: પીડિતાની માતાની લાંબી લડાઈનો વિજય
જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ સંજીવ સચદેવાની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે અગાઉની તપાસની આકરી ટીકા કરતા તેને "નબળી" અને "બિન-સ્વતંત્ર" ગણાવી હતી. અદાલતે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે અગાઉની તપાસમાં સામેલ રહેલા કોઈ પણ અધિકારીઓ આ નવી તપાસ ટીમનો ભાગ બનશે નહીં. ઓગસ્ટ ૨૦૨૪માં કર્ણાટક હાઈકોર્ટે પુનઃતપાસની અરજી ફગાવી દીધા બાદ સૌજન્યાની માતા કુસુમાવતીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.
સુપ્રીમ કોર્ટના આ આદેશનું સ્વાગત કરતા સૌજન્યાની માતા કુસુમાવતીએ ભાવુક બનીને જણાવ્યું હતું કે, "વર્ષોની લાંબી અને અથાક કાનૂની લડાઈ બાદ આજે ન્યાય મળવાની આશા ફરી જીવંત થઈ છે." તેમણે પોતાની પુત્રીના સાચા હત્યારાઓને ઓળખીને તેમને સખતમાં સખત સજા અપાવવાની માંગ દોહરાવી હતી. સુપ્રીમ કોર્ટના આ આદેશથી હવે આ બહુચર્ચિત કેસમાં સાચા ગુનેગારોના ચહેરા ખુલ્લા પડવાની શક્યતાઓ પ્રબળ બની છે.
(5:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
