<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

પાકિસ્તાન માટે સાઉદી બન્યું તારણહાર: રૂ.4.65 લાખ કરોડનું પેકેજ

આર્થિક કંગાળિયતના આરે ઉભેલા પાકિસ્તાનને દેવામાંથી ઉગારવા સાઉદી અરેબિયાએ તિજોરીના દ્વાર ખોલ્યા, અમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થી કરવા રિયાધે ઇસ્લામાબાદ પર વ્યક્ત કર્યો અતૂટ વિશ્વાસ


ઇસ્લામાબાદ: ભયાનક આર્થિક કટોકટી અને દેવાના ડુંગર નીચે દબાયેલા પાકિસ્તાન માટે સાઉદી અરેબિયા ફરી એકવાર 'સંકટ સમયના સાથી' તરીકે ઉભરી આવ્યું છે. પાકિસ્તાન અત્યારે તેના ઈતિહાસના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં વિદેશી હૂંડિયામણ ભંડાર સતત તળિયે જઈ રહ્યો છે. આ નાજુક સ્થિતિમાં સાઉદી અરેબિયાના નાણામંત્રી મોહમ્મદ બિન અબ્દુલ્લા અલ-જદાનની ઇસ્લામાબાદની મુલાકાત શાહબાઝ શરીફ સરકાર માટે 'સંજીવની' સમાન સાબિત થઈ છે. પાકિસ્તાનને આ મહિને જ 5 બિલિયન ડોલરનું વિદેશી દેવું ચૂકવવાનું છે, જેમાં સિંહફાળો માત્ર યુએઈનો છે. જો આ રકમની વ્યવસ્થા ન થાય તો પાકિસ્તાન આર્થિક રીતે સંપૂર્ણ નાદાર જાહેર થઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.
પાકિસ્તાને આ આર્થિક ગૂંગળામણમાંથી બહાર આવવા માટે સાઉદી અરેબિયા પાસે 5 બિલિયન ડોલરની નવી લોન અને આગામી પાંચ વર્ષ માટે તેલ ધિરાણ સુવિધા લંબાવવા માટે આજીજી કરી છે. જોકે સત્તાવાર રીતે હજુ કોઈ કરાર પર હસ્તાક્ષર થયા નથી, પરંતુ સાઉદી નાણામંત્રીએ પાકિસ્તાનને તમામ પ્રકારની આર્થિક મદદ કરવાની પાકી ખાતરી આપી છે. નિષ્ણાતોના મતે, આ માત્ર કોઈ લોન નથી પરંતુ પશ્ચિમ એશિયાના બદલાતા સમીકરણો વચ્ચે બે જૂના સાથી દેશો વચ્ચેનો અતૂટ વિશ્વાસ છે. સાઉદીની આ મદદ પાકિસ્તાનના વિદેશી હૂંડિયામણ ભંડારને 11.5 બિલિયન ડોલરના જોખમી સ્તરથી ઉપર રાખવામાં મદદરૂપ થશે.
આ આર્થિક સહાયની સાથે એક મહત્વની રાજદ્વારી હિલચાલ પણ જોવા મળી છે. સાઉદી અરેબિયાએ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવને ઓછો કરવા માટે પાકિસ્તાનને મધ્યસ્થીની ભૂમિકા ભજવવા અપીલ કરી છે. રિયાધનું માનવું છે કે પાકિસ્તાનના બંને પક્ષો સાથેના સંબંધો આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવામાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. આમ, એક તરફ આર્થિક મદદ મેળવીને પાકિસ્તાન પોતાની ડૂબતી નૈયા બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો બીજી તરફ વૈશ્વિક મંચ પર શાંતિદૂત બનીને પોતાની છબી સુધારવાની તક પણ જોઈ રહ્યું છે. જોકે, આ ભયાનક દેવાના ચક્રવ્યૂહમાંથી પાકિસ્તાન કાયમી ધોરણે કેવી રીતે બહાર આવશે તે મોટો પ્રશ્ન છે.

(12:43 AM IST)