તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
ટ્રમ્પની જિદ્દ સામે ઝૂકવા સાઉદીનો ઇનકાર : મધ્ય-પૂર્વના રાજકારણમાં નવો વળાંક : અમેરિકાની પીછેહઠ
ઇરાન સાથે શાંતિ કરારને અબ્રાહમ એકોર્ડ સાથે જોડવાની યુએસ પ્રમુખની નવી વ્યૂહરચના ફ્લોપ! : સાઉદી અરેબિયાએ પેલેસ્ટાઇન મુદ્દે કડક વલણ અપનાવી અમેરિકાને લશ્કરી થાણા વાપરવાની મનાઈ ફરમાવી

રિયાધ: પશ્ચિમ એશિયાના રાજકારણમાં એક અભૂતપૂર્વ ગરમાવો આવી ગયો છે. વર્ષો જૂના સાથી એવા અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે પડદા પાછળ એક મોટું રાજદ્વારી યુદ્ધ છેડાયું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરીને ઇરાન સાથેના સંભવિત શાંતિ કરારને 'અબ્રાહમ કરાર' સાથે જોડી દીધો છે, જે અંતર્ગત તેમણે સાઉદી અરેબિયા, કતાર અને પાકિસ્તાન જેવા મુસ્લિમ દેશોને ઇઝરાયલ સાથે સંબંધો સામાન્ય કરવા દબાણ કર્યું છે. જોકે, ટ્રમ્પની આ દાદાગીરી સામે સાઉદી અરેબિયાએ સણસણતો જવાબ આપ્યો છે. રિયાધે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી પેલેસ્ટિનિયન રાજ્યની સ્થાપના માટે કોઈ નક્કર માર્ગ ન બને, ત્યાં સુધી ઇઝરાયલની માન્યતાનો પ્રશ્ન જ ઊભો થતો નથી, જેના કારણે ગાઝા યુદ્ધ પછી બદલાયેલા પાવર ઇક્વેશન્સ હવે જગજાહેર થઈ ગયા છે.
આ તણાવ માત્ર નકશા પર કે વાતચીત સુધી સીમિત નથી, પરંતુ વ્યૂહાત્મક સ્તરે લશ્કરી સંઘર્ષનું રૂપ લઈ રહ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ (સામુદ્રધુની) માં ઇરાનના વધતા વર્ચસ્વને રોકવા અમેરિકાએ ગલ્ફ દેશોની સંમતિ વિના જ 'પ્રોજેક્ટ ફ્રીડમ' નામના મિલિટરી મિશનની જાહેરાત કરી દીધી હતી. અમેરિકાની આ મનમાનીથી નારાજ થઈને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને યુએસ સૈન્યને પોતાનું હવાઈ ક્ષેત્ર વાપરવાની ચોખ્ખી ના પાડી દીધી અને પ્રિન્સ સુલતાન એર બેઝ પરથી અમેરિકન ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો. આ આંચકાને કારણે મહાસત્તા અમેરિકાનું આ ગુપ્ત ઓપરેશન શરૂ થયાના માત્ર ૩૬ કલાકમાં જ સમેટાઈ ગયું, જે દર્શાવે છે કે સાઉદી હવે વોશિંગ્ટનની કઠપૂતળી બનવા તૈયાર નથી.
સાઉદી અરેબિયાના આ કડક વલણ પાછળ સુરક્ષા અને ધાર્મિક પ્રતિષ્ઠાના મોટા કારણો જવાબદાર છે. ૨૦૧૯ માં સાઉદીના તેલ પ્લાન્ટ્સ પર થયેલા મિસાઇલ હુમલા બાદ રિયાધ ઇરાન સાથે સીધો સૈન્ય મુકાબલો ટાળવા માંગે છે, કારણ કે ઇરાને ધમકી આપી છે કે યુએસ-ઇઝરાયલને મદદ કરનાર દેશ પર વળતો હુમલો થશે. બીજી તરફ, મક્કા-મદીનાના રક્ષક હોવાને નાતે સાઉદી માટે આરબ પ્રજાના સેન્ટિમેન્ટ અને પેલેસ્ટાઇન મુદ્દાને અવગણવો અશક્ય છે. આ આખી પરિસ્થિતિમાં ઇરાન માટે મોટો ફાયદો થયો છે. અમેરિકા જ્યારે ઇરાન વિરોધી ગઠબંધન બનાવવાની ફિરાકમાં હતું, ત્યારે ટ્રમ્પની આ 'ઇઝરાયલ ફર્સ્ટ' ની ઉતાવળી નીતિ ઉલટી પડી છે અને અમેરિકા પોતાના જ સૌથી ભરોસાપાત્ર સાથીઓથી અલગ-થલગ પડી રહ્યું છે.
(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
