<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

મિડલ ઇસ્ટમાં સળગતી યુદ્ધની જ્વાળા વચ્ચે સાઉદી અરેબિયાની 'ઈસ્ટ-વેસ્ટ' ઈમરજન્સી પાઈપલાઈન બંધ: ક્રૂડ ઓઈલ $૧૦૯ને પાર, પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળવાના એંધાણ!

હૂતી બળવાખોરો દ્વારા સાઉદી લશ્કરી એરબેઝ અને ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વિસ્ફોટક હુમલા; ગ્લોબલ ફ્યુઅલ ક્રાઈસીસની આશંકા વચ્ચે સપ્લાય ચેઈન ઠપ થવાનું જોખમ

દુબઈ : ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓના ભયાનક હુમલાઓ બાદ મિડલ ઈસ્ટમાં સ્થિતિ વિસ્ફોટક બની ગઈ છે. સાઉદી અરેબિયાએ સુરક્ષાના કારણોસર પોતાની અતિ મહત્વપૂર્ણ ૧,૨૦૦ કિલોમીટર લાંબી 'ઈસ્ટ-વેસ્ટ' ક્રૂડ ઓઈલ પાઈપલાઈન બંધ કરી દીધી છે. આ નિર્ણયને કારણે ગ્લોબલ માર્કેટમાં તેલની ભારે અછત સર્જાવાના અને ઈંધણના ભાવ આસમાને પહોંચવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

 

હૂતીઓના તાજેતરના હુમલાએ વૈશ્વિક ક્રૂડ માર્કેટમાં હડકંપ મચાવી દીધો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ ઉછળીને ૧૦૯ ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા છે. ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન પર્શિયન ગલ્ફથી રાતા સમુદ્ર (Red Sea) સુધી તેલ પહોંચાડવાનો મુખ્ય માર્ગ છે, જે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ને બાયપાસ કરીને યુરોપ સુધી સપ્લાય ચાલુ રાખવામાં મદદ કરતી હતી. જોકે, હૂતીઓએ રાતા સમુદ્રના શિપિંગ પોઈન્ટ્સ તેમજ સાઉદીના ખમીસ મુશૈત સૈન્ય એરબેઝ અને રડાર સિસ્ટમ પર હુમલા કરતા આ સપ્લાય રૂટ પણ અત્યંત જોખમી બન્યો છે.

 

બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો આ પાઈપલાઈન લાંબા સમય સુધી બંધ રહેશે તો સપ્લાય ચેઈન સંપૂર્ણપણે ખોરવાઈ જશે, જેના કારણે વૈશ્વિક સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નવો રેકોર્ડબ્રેક વધારો ઝીંકાઈ શકે છે. રશિયા-યુક્રેન સંઘર્ષ અને મિડલ ઈસ્ટની આ કટોકટી ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફુગાવો અને કોમોડિટીઝના ભાવ વધારશે તે નક્કી છે.

(7:13 PM IST)