<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

સાઉદી અરેબિયામાં લગ્ન વિના બાળકને જન્મ આપવા બદલ મહિલાને ૧૦૦ કોરડાની ક્રૂર સજા

કેન્યાની પીડિત મહિલાનો ન્યાય માટે આક્રોશ, સાઉદી શરિયા કાયદા સામે માનવાધિકાર સંગઠનોમાં ભારે રોષ

રિયાધ : સાઉદી અરેબિયામાં કેન્યાની એક સ્થળાંતરિત મહિલાને લગ્ન બહાર બાળકને જન્મ આપવા બદલ ૧૦૦ કોરડા મારવાની કઠોર સજા ફટકારાતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે હોબાળો મચી ગયો છે. સાઉદી અરેબિયાની શરિયા કાયદા પ્રણાલી હેઠળ લગ્ન વગરના શારીરિક સંબંધોને ગુનો ગણવામાં આવે છે, જેમાં હોસ્પિટલો દ્વારા ફરજિયાત જાણ કરાયા બાદ આ વિદેશી મહિલા વિરુદ્ધ કાનૂની શંકાસ્પદ કાર્યવાહી કરવામાં આવી હતી. માનવાધિકાર જૂથોએ આ ચુકાદાને મહિલાઓ વિરુદ્ધ "હિંસાનું કૃત્ય" ગણાવીને તીવ્ર નિંદા કરી છે.
પીડિત મહિલા એસ્થર વાન્જા મુથોની સાઉદી અરેબિયામાં હાઉસમેડ અને નેની તરીકે કામ કરતી હતી. ઇજિપ્તના એક પુરુષ સાથેના ટૂંકા સંબંધ દરમિયાન તે ગર્ભવતી બની હતી, પરંતુ બાળકના પિતા તેને છોડીને દેશ છોડી ભાગી ગયા હતા. 'ધ ગાર્ડિયન'ના અહેવાલ મુજબ ગરજવંત મહિલાઓની આવી કટોકટીમાં પુરુષો ધરપકડના ડરે અવારનવાર ભાગી છૂટે છે. 'ન્યૂ યોર્ક ટાઇમ્સ' સાથે વાત કરતા મુથોનીએ આક્રંદ સાથે જણાવ્યું હતું કે, "હું આ સજાને લાયક નથી અને ડર છે કે હું કોરડાનો માર સહન નહીં કરી શકું."
આ સજાએ સાઉદી અરેબિયાના કહેવાતા સુધારાઓ અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS)ના આધુનિક દેશ બનાવવાના દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. માનવાધિકાર સંસ્થા 'ALQST'ના મરિયમ અલદોસારી અને 'ડુ બોલ્ડ'ના એકાટેરિના પોરાસ સિવોલોબોવાએ વિરોધ દર્શાવતા કહ્યું કે, મહિલાને સજા આપવાના બદલે વતન મોકલવી જોઈતી હતી. ઉપરાંત કેન્યા સરકાર તરફથી આ પીડિત માતાઓને કોઈ કાનૂની કે રાજદ્વારી મદદ ન મળતી હોવાની પણ ગંભીર બાબત સામે આવી છે.
વર્ષ ૨૦૨૦માં સાઉદી સરકારે 'તઝીર' ગુનાઓ હેઠળ કોરડાની પ્રથા નાબૂદ કરવાની જાહેરાત કરી હોવા છતાં, 'હુદુદ' એટલે કે વ્યભિચાર અને ઇસ્લામિક શરિયા કાયદા હેઠળ નક્કી થયેલા ગુનાઓમાં આજે પણ કોરડા મારવાની જોગવાઈ અમલી છે. આ ઘટના એવા સમયે પ્રકાશમાં આવી છે જ્યારે મહિલાઓ વિરુદ્ધ હિંસા અંગેના સંયુક્ત રાષ્ટ્ર (UN)ના ખાસ પ્રતિનિધિ રીમ અલસાલેમની સાઉદી મુલાકાત મુલતવી રખાઈ હતી. યુએન અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થાઓ હવે આ કેસમાં દખલગીરી કરીને મહિલાને કાનૂની રાહત અપાવવા અને સાઉદી સત્તાવાળાઓ સમક્ષ વિરોધ નોંધાવવા કાવદડ કરી રહી છે.

(10:53 PM IST)