<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

એક સમયે આખા વિશ્વને લોન આપનાર સાઉદી અરેબિયા પોતે દેવાદાર બન્યું: ક્રાઉન પ્રિન્સ સલમાને $8 બિલિયનની લોન માટે વૈશ્વિક બેંકોના દરવાજા ખખડાવ્યા!

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પોતાના મહાકાય અને ડ્રીમ પ્રોજેક્ટ 'વિઝન 2030' માટે અબજો ડોલરની લોન લેવા મજબૂર બન્યા : જેનાથી વૈશ્વિક અર્થતંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો

રિયાધ :  સમગ્ર વિશ્વમાં જે દેશની ઓળખ અથાક તેલના કુવાઓ, આસમાને પહોંચતી આલીશાન ઇમારતો અને અનંત ધન-દૌલત સાથે જોડાયેલી હતી, તે સાઉદી અરેબિયા આજે પોતે નાણાકીય સંકટના આરે આવીને ઊભું રહી ગયું છે. પાકિસ્તાન જેવા નાદાર દેશોથી લઈને અનેક વિકાસશીલ રાષ્ટ્રોને અબજો ડોલરની આર્થિક મદદ આપનાર સાઉદી અરેબિયા હવે આંતરરાષ્ટ્રીય બેંકો પાસે લગભગ $8 બિલિયન (અંદાજે ₹66,000 કરોડથી વધુ) ની જંગી લોન માંગી રહ્યું છે. સાઉદી અરેબિયાનું નેશનલ ડેટ મેનેજમેન્ટ સેન્ટર (NDMC) હાલમાં વિશ્વની અગ્રણી આંતરરાષ્ટ્રીય બેંકો સાથે લોનની શરતો અંગે વાટાઘાટો કરી રહ્યું છે, જે ઘટનાએ વૈશ્વિક નાણાકીય નિષ્ણાતોને પણ ચોંકાવી દીધા છે.

મધ્ય પૂર્વમાં ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તીવ્ર આર્થિક તથા રાજકીય તણાવને કારણે સાઉદીના અર્થતંત્ર પર અત્યંત વિપરીત અસર પડી છે. ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવમાં અનિશ્ચિતતા અને તેલના ઉત્પાદનમાં કપાતને કારણે રિયાધની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. સાઉદી અરેબિયાનો મુખ્ય ઉદ્દેશ્ય અત્યાર સુધી માત્ર પોતાના સોવરેન વેલ્થ ફંડ (PIF) દ્વારા વિશ્વભરમાં રોકાણ કરવાનો હતો, પરંતુ હવે ઘરઆંગણે ભંડોળની ભારે અછત સર્જાતાં દેશની અંદરના વિકાસ કાર્યોને અટકતા રોકવા માટે વિદેશી બેંકો પાસેથી ધિરાણ લેવાની ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) ને કડવી મજબૂરી ઊભી થઈ છે.

આ અભૂતપૂર્વ દેવા પાછળનું મુખ્ય કારણ ક્રાઉન પ્રિન્સ સલમાનનો મહત્વાકાંક્ષી 'વિઝન 2030' પ્રોજેક્ટ છે. 2016માં શરૂ કરાયેલી આ યોજનાનો ઉદ્દેશ્ય સાઉદી અરેબિયાની કાળી કમાણી એટલે કે તેલ પરની નિર્ભરતા ઘટાડીને પ્રવાસન, મનોરંજન, લોજિસ્ટિક્સ, 'હાઇ-ટેક NEOM સિટી' અને ટેકનોલોજી ક્ષેત્રે દેશને વૈશ્વિક લીડર બનાવવાનો છે. ક્રાઉન પ્રિન્સ સારી રીતે જાણે છે કે ભવિષ્યમાં જ્યારે તેલનો ભંડાર ખાલી થશે અથવા ગ્રીન એનર્જીનો પ્રભાવ વધશે, ત્યારે દેશ નાદાર થઈ શકે છે. આ મુશ્કેલીમાંથી દેશને બચાવવા માટે તેઓ કોઈપણ ભોગે વિઝન 2030 પૂરું કરવા માંગે છે, જેના માટે હાલમાં રાક્ષસી માત્રામાં ભંડોળની જરૂર પડી રહી છે.

(9:53 PM IST)