તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
મૂળ જામખંભાળિયાના સંજય તન્નાનો યુગાન્ડાના પ્રધાનમંડળમાં સમાવેશ
બન્યા વેપાર, ઉદ્યોગ અને સહકારી પ્રધાનઃ ભગવદ્ગીતાના શપથ લઈને રચ્યો ઇતિહાસ

કમ્પાલ,તા.૨૩: હાલાઈ લોહાણા સમાજ અને સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ઈસ્ટ-સેન્ટ્રલ આફ્રિકાના યુગાન્ડાના વેપાર, ઉદ્યોગ અને સહકારી પ્રધાન તરીકે ૧૦ જૂને ભારતીય મૂળના ૫૩ વર્ષના સંજય તન્નાએ શપથ ગ્રહણ કરીને માત્ર યુગાન્ડાનું જ નહીં, સમગ્ર વૈશ્વિક ગુજરાતી સમાજનું મસ્તક ગૌરવથી ઊંચું કર્યું છે. સંજય તન્નાએ શપથવિધિ દરમ્યાન ભગવદ્ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા અને શપથ લેવાનું પૂરું થયા બાદ 'હરે કૃષ્ણ' મહામંત્રનો ઉચ્ચાર કર્યો હતો.
ગુજરાતના જામખંભાળિયાથી શરૃ થયેલી એક પરિવારની સફર આજે યુગાન્ડાના પ્રધાનમંડળ સુધી પહોંચી છે. ભારતીય મૂળના હોવા છતાં યુગાન્ડાના રાજકારણ અને વેપાર ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરનાર સંજય તન્નાની આ સિદ્ધિ વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે પ્રેરણારૃપ બની છે. વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમના લાંબા અનુભવને ધ્યાનમાં રાખીને તેમને આ મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
ભગવદ્ગીતા પર હાથ રાખીને શપથ ગ્રહણ કરવા અને ત્યાર બાદ 'હરે કૃષ્ણ' મહામંત્રના ઉચ્ચાર સંદર્ભમાં સંજય તન્નાએ 'કહ્યું હતું કે 'હું એક આચરણશીલ હિન્દુ છું અને નિષ્ઠાપૂર્વક તથા સત્યનિષ્ઠાથી શપથ લેવા માટે મેં પવિત્ર ગ્રંથ ભગવદ્ગીતાને પસંદ કર્યો હતો. મારા માટે બાઇબલ કે કુરાન નહીં પરંતુ આપણા પવિત્ર ગ્રંથ પર શપથ લેવા સ્વાભાવિક હતું. બાળપણથી જ મારાં માતા-પિતાએ મને ધાર્મિક સંસ્કારો આપ્યા છે. ભગવાનનું સ્મરણ અને સ્તુતિ કરવાં એ મારા જીવનનો સ્વાભાવિક ભાગ છે.'
સંજય તન્નાના દાદા ગુજરાતના જામનગર જિલ્લાના જામખંભાળિયાના વતની હતા. તેઓ ભારતમાંથી યુગાન્ડામાં સ્થાયી થયા હતા. આ રીતે સંજય તન્ના ગુજરાતી અને ભારતીય મૂળ સાથે જોડાયેલા છે. ભારતીય સંસ્કૃતિ વિશે પોતાના વિચારો વ્યકત કરતાં તેમણે કહ્યું હતું કે 'મારો પરિવાર તમામ હિન્દુ તહેવારો અને ધાર્મિક પરંપરાઓનું પાલન કરે છે. નવરાત્રિ, દિવાળી, શ્રાવણ માસ, અધિક માસ અને ગણપતિ ઉત્સવ જેવા તમામ તહેવારો અમે શ્રદ્ધાપૂર્વક ઊજવીએ છીએ.'
યુગાન્ડાના પ્રધાનમંડળમાં સ્થાન મળવા વિશે સંજય તન્નાએ એનું સમગ્ર શ્રેય યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી કાગુતા મુસેવેનીને આપતાં કહ્યું હતું કે 'રાષ્ટ્રપતિએ મારા પર વિશ્વાસ મૂકીને મને કેબિનેટ પ્રધાન તરીકે સેવા કરવાની તક આપી છે.'
સંજય તન્નાની નિમણૂક માત્ર વ્યકિતગત સિદ્ધિ નથી; સમગ્ર ગુજરાતી, લોહાણા અને ભારતીય સમાજ માટે ગૌરવની બાબત બની છે. ખાસ કરીને યુવા પેઢી માટે તેમની સફર એ સંદેશ આપે છે કે મહેનત, મૂલ્યો અને સમર્પણ દ્વારા વિશ્વના કોઈ પણ દેશમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકાય છે.
ભારતીય અને યુગાન્ડાના ગુજરાતી સમાજને સંદેશ આપતાં સંજય તન્નાએ કહ્યું હતું કે 'યુગાન્ડા વ્યવસાય માટે સંપૂર્ણપણે તૈયાર છે. અહીં શાંતિપૂર્ણ વાતાવરણ, કુદરતી સંસાધનો, વિશાળ પ્રાદેશિક બજારો અને કૃષિ-પ્રક્રિયા, ખનન, માહિતી ટેક્નોલોજી, ખેતી સહિત અનેક ક્ષેત્રોમાં રોકાણની અસંખ્ય તકો ઉપલબ્ધ છે. ગુજરાતી યુવા પેઢી યુગાન્ડામાં રોકાણ કરવા અને ઉદ્યોગ સ્થાપવા આગળ આવે. અહીં સારી તકો છે જે યુવાનોને આગળ વધવા માટે સહાયરૃપ થશે.' ભારત-યુગાન્ડા વેપાર સંબંધો વિશે સંજય તન્નાએ આશાવાદ વ્યકત કરતાં કહ્યું હતું કે 'હાલમાં ભારત યુગાન્ડાનો ચોથો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. બન્ને દેશો પરસ્પર સહકાર વધારે તો વેપારનું પ્રમાણ અને આર્થિક ભાગીદારી વધુ મજબૂત બની શકે છે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
