<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

સંજય રાઉતે સુપ્રીમ કોર્ટ સમક્ષ માફી માંગી

મને સાચા અર્થમાં પસ્‍તાવો છે તથા તેઓ ભવિષ્‍યમાં પણ સંયમ જાળવી રાખશે

નવી દિલ્‍હી તા.૨૯: શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે સુપ્રીમ કોર્ટ અને મુખ્‍ય ન્‍યાયાધીશ જસ્‍ટિસ સૂર્યકાંત અંગેની ટિપ્‍પણી સાથે જોડાયેલા મામલે બિનશરતી માફી માગી છે. રાઉતે કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું છે કે તેઓ સંપૂર્ણપણે પોતાની ઇચ્‍છાથી માફી માગે છે. જોકે, માફીનામું દાખલ થયા છતાં સુપ્રીમ કોર્ટે તેમને ૧૭ નવેમ્‍બરે વ્‍યક્‍તિગત રીતે હાજર રહેવાનો આદેશ આપ્‍યો છે. ૨૮ ઑક્‍ટોબરે આ મામલે સુનાવણી દરમિયાન સંજય રાઉત તરફથી કોઈ વકીલ હાજર રહ્યો નહોતો. આ ઉપરાંત, કોર્ટના રેકોર્ડમાં તેમનું માફીનામું નોંધાયેલું ન હોવાનું પણ સામે આવ્‍યું હતું. ત્‍યારબાદ સુપ્રીમ કોર્ટે રાઉતને રૂબરૂ હાજર થવા માટે ફરમાન કર્યું હતું. ૧૭ નવેમ્‍બરની સુનાવણી દરમિયાન કોર્ટ તેમના માફીનામા પર વિચાર કરશે અને આ મામલે આગળનો નિર્ણય લઈ શકે છે.

સંજય રાઉતે પોતાના માફીનામામાં કોર્ટની ગરિમા અને સત્તાનું સન્‍માન કરવાની વાત કરી છે. તેમણે જણાવ્‍યું છે કે સુપ્રીમ કોર્ટની સ્‍વતંત્રતા અને પ્રતિષ્ઠા જાળવવી મહત્ત્વપૂર્ણ છે. ન્‍યાયતંત્રનું અપમાન કરવાનો અથવા તેની ગરિમા, સ્‍વતંત્રતા અને સત્તાને ઓછી કરવાનો તેમનો કોઈ ઇરાદો નહોતો. સુપ્રીમ કોર્ટે આ પહેલાં રાઉતને કોર્ટની અવમાનના અંગે નોટિસ ફટકારી હતી. ત્‍યારબાદ તેમણે સોગંદનામું દાખલ કરીને માફી માગી હતી. હવે કોર્ટ તેમના સોગંદનામા અને કેસ સાથે જોડાયેલા તથ્‍યોને ધ્‍યાનમાં રાખીને આગળની કાર્યવાહી નક્કી કરશે.

આ સમગ્ર વિવાદ સંજય રાઉતની સોશિયલ મીડિયા પોસ્‍ટને કારણે શરૂ થયો હતો. તેમણે અલ્‍બાનિયામાં થયેલા હિંસક પ્રદર્શનોનો વીડિયો શેર કર્યો હતો. આ સાથે તેમણે લખ્‍યું હતું કે ભ્રષ્ટ વડાપ્રધાનોને મદદ કરવાના આરોપમાં ત્‍યાંની જનતાએ સુપ્રીમ કોર્ટને આગને હવાલે કરી દીધી હતી અને સરકારી ઇમારતો પર હુમલા કર્યા હતા. તેમણે ભારત સહિત વિશ્વના અન્‍ય દેશોએ પણ આ ઘટનામાંથી બોધપાઠ લેવો જોઈએ તેવી ટિપ્‍પણી કરી હતી.

(3:23 PM IST)