તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
શિક્ષણમાં સ્વચ્છતાનો મોટો પડકાર: ભારતીય શાળાઓમાં ૫ કરોડ બાળકો શૌચાલયની સુવિધાથી વંચિત, WHO અને યુનિસેફના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો!
પીવાના પાણીમાં ભારતે દાખવ્યું શ્રેષ્ઠ પ્રદર્શન, પણ સ્વચ્છતા ક્ષેત્રે હજુ ઘણો લાંબો રસ્તો કાપવાનો બાકી: વિશ્વમાં શૌચાલય વગરની શાળાઓ ધરાવતા બાળકોમાં ૨૦% એકલા ભારતના.

નવી દિલ્હી : વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને યુનિસેફ (UNICEF) ના સંયુક્ત મોનિટરિંગ પ્રોગ્રામ (JMP) દ્વારા જાહેર કરાયેલા 'પ્રગતિ પર પીવાના પાણી, સ્વચ્છતા અને શાળાઓમાં ૨૦૧૫-૨૦૨૫' શીર્ષક હેઠળના રિપોર્ટમાં એક અત્યંત ચિંતાજનક વાસ્તવિકતા સામે આવી છે. રિપોર્ટ અનુસાર, ૨૦૨૫ સુધીમાં વિશ્વભરમાં ૨૪.૪ કરોડ બાળકો શાળાઓમાં મૂળભૂત શૌચાલયની સુવિધાઓથી વંચિત હશે, જેમાં એકલા ભારતના ૫ કરોડ (૫૦ મિલિયન) બાળકોનો સમાવેશ થાય છે. આ વૈશ્વિક આંકડાના લગભગ ૨૦ ટકા જેટલો હિસ્સો છે, જે વિશ્વના કોઈપણ દેશ કરતાં સૌથી વધુ છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે શૌચાલયોની અનુપલબ્ધતા અથવા તેમની ખરાબ સ્થિતિની સૌથી માઠી અસર કિશોરીઓના અભ્યાસ પર પડે છે, જેના કારણે ઘણી છોકરીઓ અધવચ્ચેથી જ શાળા છોડી દેતી હોય છે. જોકે, આ ચિત્ર વચ્ચે આશાનું કિરણ એ છે કે ૨૦૧૫ થી ૨૦૨૫ ના દાયકામાં ભારતમાં સ્વચ્છતા સુવિધા વગરની શાળાઓની સંખ્યામાં ૧૪ ટકાનો નોંધપાત્ર ઘટાડો પણ દર્જ થયો છે, જે દર્શાવે છે કે સરકારી અભિયાનોથી સ્થિતિ સુધરી રહી છે. આ યાદીમાં ભારત પછી નાઇજીરીયા (૩.૪ કરોડ) અને ઇથોપિયા (૨.૬ કરોડ) અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવે છે.
બીજી તરફ, પીવાના શુદ્ધ પાણીની પહોંચ સુનિશ્ચિત કરવામાં ભારતીય શાળાઓનું પ્રદર્શન અત્યંત પ્રશંસનીય અને વૈશ્વિક સ્તરે ઉત્કૃષ્ટ રહ્યું છે. ભારત એવા ૨૮ દેશોની યાદીમાં સામેલ છે જે ૨૦૩૦ સુધીમાં શાળાઓમાં ૧૦૦% પીવાના પાણીનું લક્ષ્ય પ્રાપ્ત કરવાના સચોટ માર્ગ પર છે. ભારતમાં શાળાઓમાં પીવાના પાણીની સુવિધામાં વાર્ષિક ૪% થી વધુનો સુધારો નોંધાયો છે. સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG 2030) ના લક્ષ્યાંકો સુધી પહોંચવા માટે હવે પીવાના પાણીની જેમ શાળાઓમાં શૌચાલય અને હાથ ધોવાની સ્વચ્છતા સુવિધાઓનો વ્યાપ પણ બમણી ઝડપે વધારવો અત્યંત આવશ્યક બની ગયો છે.
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
