<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

ભારત સ્વસ્તિક યાત્રા અંતર્ગત વાઘા બોર્ડર પર પૂ. મોરારિબાપુનું સનાતન રામકથા ગાન - 'સત્ય સમાન કોઈ ધર્મ નથી અને પ્રેમ સમાન કોઈ પ્રાપ્તિ નથી'

શ્રી ગુરુ નાનકદેવજીની ચરણસ્પર્શ પામેલી પંજાબની પવિત્ર ભૂમિને નમન કરી પૂ. બાપુએ આપ્યા જીવન મૂલ્યોના મંત્ર સૂત્રો : અમૃતસરના દર્શન બાદ યાત્રા જમ્મુના રઘુનાથ મંદિર તરફ પ્રસ્થાન થઈ

અમૃતસર : સત્ય, પ્રેમ અને કરુણાનો સંદેશો ઘર-ઘર સુધી પહોંચાડતી ઐતિહાસિક ‘ભારત સ્વસ્તિક યાત્રા’ અંતર્ગત રાષ્ટ્રની પવિત્ર સરહદ વાઘા બોર્ડર પર વિખ્યાત કથાકાર પૂ. મોરારિબાપુ દ્વારા અસીમ સનાતન રામકથાનું દિવ્ય ગાન કરવામાં આવ્યું હતું. કન્યાકુમારીથી પ્રસ્થાન પામેલી આ યાત્રાના નવમા દિવસે વાઘા સરહદ પર પહોંચીને પૂ. બાપુએ "સત્ય સમાન કોઈ ધર્મ નથી" તેવું દિવ્ય સત્ય લોકહૈયા સુધી પહોંચાડ્યું હતું.

શ્રી ગુરુ નાનકદેવજીના સ્મરણ સાથે પંજાબની ભૂમિને વંદના:
રવિવારે અમૃતસર ખાતે રાત્રી રોકાણ કર્યા બાદ સુવર્ણ મંદિરના ભવ્ય દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરીને આ યાત્રા સોમવારે સવારે રાષ્ટ્રની સરહદ વાઘા-અટારી ક્ષેત્ર પર પહોંચી હતી. વાઘા સરહદ ખાતે ‘મંગલ ભવન અમંગલ હારી...’ ચોપાઈના મધુર ગાનને કેન્દ્રમાં રાખીને આયોજિત આ અનોખી રામકથામાં પૂ. બાપુએ શ્રી ગુરુ નાનકદેવજીનું સ્મરણ કર્યું હતું. નાનકીય પરંપરામાં ગ્રંથનિષ્ઠા પર અહોભાવ વ્યક્ત કરતા તેમણે શ્રી ગુરુનાનક દેવજી દ્વારા પ્રણીત ‘એક ૐકાર સતનામ...’ મંત્ર સૂત્રનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. સંતો, શૂરાઓ, બલિદાન અને દાતાઓની આ ભૂમિ પંજાબ તથા શ્રી ગુરુ નાનકદેવજીના ચરણોમાં શ્રદ્ધા સુમન અર્પણ કરતા પૂ. બાપુએ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

જીવન મૂલ્યોના અણમોલ મંત્ર સૂત્રો:
કથાના પ્રવચન દરમિયાન પૂ. મોરારિબાપુએ ઉપસ્થિત શ્રોતાઓને જીવનના ઉચ્ચ આદર્શો અને ધર્મ મૂલ્યોના મંત્ર સૂત્રો આપતા જણાવ્યું હતું કે, જીવનમાં સત્ય સમાન કોઈ ધર્મ નથી, મૌન સમાન કોઈ તપ નથી અને વિવેક વિચાર સિવાય કોઈ જ્ઞાન નથી. આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે ત્યાગ સિવાય કોઈ શાંતિ નથી, જપ સમાન કોઈ યજ્ઞ નથી, ક્રોધ સિવાય અન્ય કોઈ અગ્નિ નથી અને નિંદા સમાન કોઈ નર્ક નથી. પોતાના વક્તવ્યને વધુ સ્પષ્ટ કરતાં બાપુએ હર્ષભેર કહ્યું હતું કે આ સમગ્ર સૃષ્ટિમાં પ્રેમ સમાન કોઈ પ્રાપ્તિ નથી અને શ્રેષ્ઠ બાબતોનો સ્વીકાર કરવો એ જ સાચો વૈરાગ્ય છે.

વાઘા બોર્ડર ખાતે રાષ્ટ્રભક્તિ અને આધ્યાત્મિકતાના અદ્ભુત સંગમ સમાન આ કથા સંપન્ન થયા બાદ 'ભારત સ્વસ્તિક યાત્રા' આગામી દિવસની દિવ્ય કથા માટે જમ્મુ સ્થિત પૌરાણિક શ્રી રઘુનાથ મંદિરના પવિત્ર સ્થાન તરફ આગળ વધારી દેવામાં આવી છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(5:48 PM IST)