તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વડનગરથી વારાણસી સુધીની ઐતિહાસિક બાઈક યાત્રાને સાણંદ ખાતે આવકારતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : પોતે બાઈક ચલાવીને પ્રતીક રૂપે જોડાયા : જુઓ વિડીયો
દેશના ૧૦ રાજ્યોના ૧૯૩ જિલ્લાઓ અને ૧,૧૫૯ ગામડાંઓમાંથી પસાર થઈ ૪૦,૦૦૦ કિમીનું અંતર કાપશે યાત્રા : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૭ ઓક્ટોબરે થશે સમાપન

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા અને સમર્પણના અવિરત ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે ૧૭ સપ્ટેમ્બરથી દેશવ્યાપી 'સેવા સંકલ્પ અભિયાન' શરૂ થયું છે. આ અભિયાન અંતર્ગત 'વડનગરથી વારાણસી' અને 'વારાણસીથી વડનગર' એમ બે ઐતિહાસિક બાઈક સેવા યાત્રાનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ યાત્રાના ૧૦ રૂટ પૈકીના એક રૂટ પરની યાત્રા અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે આવી પહોંચતાં સ્વયં બાઈક ચલાવીને પ્રતીક રૂપે તેમાં જોડાયા હતા.
૪૦,૦૦૦ કિલોમીટરની પ્રવાસ યાત્રા અને ૧,૦૦૦ યુવાનોની ભાગીદારી:
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે વડાપ્રધાનના જન્મ દિવસે આ બાઈક સેવા યાત્રાનું વડનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા દેશના ૧૦ રાજ્યોના ૧૯૩ જિલ્લાઓ અને ૧,૧૫૯ જેટલાં ગામડાંઓમાંથી પસાર થઈને અંદાજે ૪૦,૦૦૦ કિલોમીટરનું અંતર કાપશે. વડનગર અને વારાણસી બંને દિશામાંથી શરૂ થયેલી આ યાત્રામાં ૧૦ અલગ-અલગ ഗ്രુપમાં ગ્રુપ દીઠ ૨૫ બાઈક પર ૫૦ સેવા યાત્રીઓ જોડાયા છે. વડનગરથી વારાણસીની યાત્રામાં ૨૫૦ બાઈક પર ૫૦૦ સેવા યાત્રીઓ તેમજ વારાણસીથી વડનગરની યાત્રામાં પણ ૨૫૦ બાઈક પર ૫૦૦ સેવા યાત્રીઓ મળીને દેશભરમાંથી કુલ ૧,૦૦૦ જેટલા યુવાનો ભાગ લઈ રહ્યા છે.
વડાપ્રધાનના ૨૫ વર્ષના સેવાકાર્યોની જનજાગૃતિ:
જુદા-જુદા ૧૦ રૂટ પરથી પસાર થનારી આ યાત્રા વડાપ્રધાનની ૨૫ વર્ષની અવિરત જનસેવા સાધનાની સફળતા અને વિવિધ સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડશે. ૭ ઓક્ટોબર એટલે કે નરેન્દ્રભાઈ મોદીને જાહેરજીવનમાં ૨૫ વર્ષ પૂર્ણ થશે તે દિવસે આ યાત્રાનું વિધિવત્ સમાપન થશે.
વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન:
યાત્રા દરમિયાન વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, નશામુક્ત ભારત અભિયાન, ટીબી મુક્ત ભારત અભિયાન તથા જળસંરક્ષણ જાગૃતિ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત સફાઈ કર્મચારીઓનું સન્માન તેમજ સરકારી યોજનાઓના લાભાર્થીઓ, યુવાનો અને મહિલા સશક્તિકરણ સાથે જોડાયેલી યોજનાઓના લાભાર્થીઓ સાથે પ્રત્યક્ષ સંવાદ પણ કરવામાં આવશે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
