<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

બિહારના રાજકારણમાં સમ્રાટ ચૌધરીનો નવો અંદાજ: ‘ટોપી’ પહેરવાનો ઈનકાર અને ‘ભગવો ગમછો’ સ્વીકાર, શું નીતિશ કુમારની પરંપરાથી અલગ નવી ઓળખ ઉભી કરી રહ્યા છે મુખ્યમંત્રી?

મુસ્લિમ વડીલની ટોપી પહેરવાની વિનંતી નકારી અને બીજા જ દિવસે મુસ્લિમ નેતાનો ભગવો ગમછો ધારણ કર્યો: બિહારના સત્તા પરિવર્તન બાદ સાંકેતિક પગલાંઓએ છેડી નવી રાજકીય ચર્ચા

પટણા : બિહારમાં સત્તા પરિવર્તન બાદ નવા મુખ્યમંત્રી બનેલા સમ્રાટ ચૌધરી હાલમાં તેમના એક પ્રતિકાત્મક નિર્ણયને કારણે ચર્ચાના કેન્દ્રમાં છે. બિહારના રાજકારણમાં જ્યા નાના ઈશારા પણ મોટા રાજકીય સંકેતો આપે છે, ત્યાં સમ્રાટ ચૌધરીએ ‘ટોપી’ અને ‘ભગવા ગમછા’ મામલે લીધેલા વલણે એક નવી ચર્ચા છેડી દીધી છે. રાજકીય વિશ્લેષકો આને નીતિશ કુમારના ‘સેક્યુલર’ ઈમેજવાળા શાસનથી અલગ, ભાજપની ‘પ્રખર હિન્દુત્વ’ વાળી બ્રાન્ડની સ્થાપના તરીકે જોઈ રહ્યા છે.
ટોપી પહેરવાનો વિવેકપૂર્ણ ઈનકાર
તાજેતરમાં જ એક કાર્યક્રમ દરમિયાન એક વડીલ મુસ્લિમ વ્યક્તિએ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને પરંપરાગત ટોપી પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સમ્રાટ ચૌધરીએ ખૂબ જ વિનમ્રતાથી આ ટોપી પહેરવાનો ઈનકાર કરી દીધો હતો. વર્ષો સુધી બિહારના રાજકારણમાં નીતિશ કુમાર ટોપી પહેરીને અને ઈફ્તાર પાર્ટીઓમાં હાજરી આપીને એક અલગ સંદેશ આપતા રહ્યા છે, ત્યારે સમ્રાટ ચૌધરીના આ ઈનકારને પરંપરા તોડવા તરીકે જોવામાં આવી રહ્યો છે.
ભગવો ગમછો અને સ્વીકારની રાજનીતિ
ટોપીના ઈનકારના બીજા જ દિવસે એક અન્ય રસપ્રદ ઘટના બની. એક મુસ્લિમ નેતા જ્યારે તેમને મળવા આવ્યા, ત્યારે તેમણે મુખ્યમંત્રીને ભગવા રંગનો ગમછો ભેટમાં આપ્યો હતો. સમ્રાટ ચૌધરીએ આ ભગવો ગમછો ખૂબ જ ખુશીથી સ્વીકાર્યો અને તેને ધારણ પણ કર્યો હતો. આ બે અલગ-અલગ ઘટનાઓએ સોશિયલ મીડિયા અને રાજકીય ગલિયારાઓમાં સો મણના સવાલો ઉભા કર્યા છે કે શું બિહાર હવે બિનસાંપ્રદાયિકતાની જૂની વ્યાખ્યાઓથી આગળ વધી રહ્યું છે?
નવી ઓળખ કે વોટબેંકનું ગણિત?
સમ્રાટ ચૌધરી બિહારમાં ભાજપનો મોટો ચહેરો છે અને તેઓ પોતાની કટ્ટર છબી માટે જાણીતા છે. અગાઉ તેમણે નીતિશ કુમારને સત્તા પરથી હટાવવા માટે ‘પાઘડી’ ધારણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. હવે જ્યારે તેઓ પોતે મુખ્યમંત્રીની ખુરશી પર છે, ત્યારે તેઓ પોતાના સાંકેતિક નિર્ણયો દ્વારા એ સ્પષ્ટ કરી રહ્યા છે કે તેમનું શાસન અગાઉના ગઠબંધન કરતા અલગ શૈલીનું હશે. વિપક્ષ આને ધ્રુવીકરણની રાજનીતિ ગણાવી રહ્યો છે, જ્યારે સમર્થકો તેને સાંસ્કૃતિક ગૌરવ સાથે જોડી રહ્યા છે.
આમ, બિહારમાં માત્ર નીતિઓ જ નહીં પણ પહેરવેશ અને પ્રતિકોના માધ્યમથી પણ એક મોટું રાજકીય પરિવર્તન આકાર લઈ રહ્યું હોય તેવું જણાય છે. આવનારા દિવસોમાં સમ્રાટ ચૌધરીની આ ‘નવી ઓળખ’ બિહારના સમીકરણો પર કેવી અસર પાડશે તે જોવું રસપ્રદ રહેશે.

(11:21 PM IST)