<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

બિહારમાં નવા મુખ્‍યમંત્રી સમ્રાટ ચૌધરી : ડેપ્‍યુટી CM તરીકે નિશાંત કુમાર

સમ્રાટ ચૌધરી બિહારના ૨૪માં મુખ્‍યમંત્રી તરીકે શપથ લઈને ઈતિહાસ રચશે : પટનાના લોકભવનમાં આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ યોજાશે

પટના, તા.૧૪: બિહારના રાજકારણમાં એક નવો અધ્‍યાય શરૂ થવા જઈ રહ્યો છે. મુખ્‍યમંત્રી નીતિશ કુમારના રાજ્‍યસભામાં ગયા બાદ ખાલી પડેલી ગાદી પર હવે ભાજપના દિગ્‍ગજ નેતા સમ્રાટ ચૌધરી બિરાજમાન થશે. આવતીકાલે એટલે કે ૧૫ એપ્રિલે સવારે ૧૧ વાગ્‍યે ભવ્‍ય શપથ ગ્રહણ સમારોહ યોજાશે. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારને નાયબ મુખ્‍યમંત્રી પદ સોંપવામાં આવી શકે છે, જેણે રાજકીય વિશ્‍લેષકોને પણ વિચારતા કરી દીધા છે. તેમની સાથે વિજય ચૌધરી પણ નાયબ મુખ્‍યમંત્રી તરીકે શપથ લે તેવી પૂરેપૂરી શકયતા છે. રાજ્‍યપાલના સચિવે આજે સમ્રાટ ચૌધરી સાથે મુલાકાત કરી તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્‍યો છે.

સમ્રાટ ચૌધરીની આ સફર કોઈ ફિલ્‍મી પટકથાથી ઓછી નથી. ૧૬ નવેમ્‍બર, ૧૯૬૮ના રોજ જન્‍મેલા સમ્રાટને રાજનીતિ લોહીમાં મળી છે. તેમના પિતા શકુની ચૌધરી એક સમયે લાલુ પ્રસાદ યાદવના જમણા હાથ ગણાતા હતા, જે બાદમાં નીતિશ કુમાર સાથે જોડાયા હતા. રસપ્રદ વાત એ છે કે, જે લાલુ પ્રસાદ અને આરજેડીનો સમ્રાટ આજે પ્રખર વિરોધ કરે છે, રાજનીતિના પ્રથમ પાઠ તેમણે ત્‍યાંથી જ શીખ્‍યા હતા. આરજેડી અને જેડીયુમાં મહત્‍વના હોદ્દાઓ સંભાળ્‍યા બાદ તેઓ ભાજપમાં જોડાયા અને પોતાની મહેનતથી આજે રાજ્‍યના સર્વોચ્‍ચ પદ સુધી પહોંચી ગયા છે.

આ શપથ ગ્રહણ સાથે સમ્રાટ ચૌધરીએ એક દાયકાઓ જૂનો રેકોર્ડ પણ તોડ્‍યો છે. બિહારના ઈતિહાસમાં અત્‍યાર સુધી માત્ર જન નાયક કર્પૂરી ઠાકુર જ એવા નેતા હતા જે નાયબ મુખ્‍યમંત્રી રહ્યા બાદ મુખ્‍યમંત્રી બન્‍યા હોય. સુશીલ મોદીથી લઈને તેજસ્‍વી યાદવ જેવા અનેક દિગ્‍ગજો આ સિદ્ધિ મેળવવામાં નિષ્‍ફળ રહ્યા હતા, પરંતુ સમ્રાટ ચૌધરીએ આ દંતકથા તોડીને પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી દીધું છે. ૨૪મા મુખ્‍યમંત્રી તરીકે તેઓ બિહારની કમાન સંભાળશે ત્‍યારે રાજ્‍યમાં સત્તાનું નવું સમીકરણ અને વિકાસની નવી દિશા કેવી રહેશે, તેના પર સમગ્ર દેશની નજર છે.

(3:19 PM IST)