તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
કેપ્ટન સ્મિત મચ્છરની હનુમાનજી અને હનુમાન ચાલીસા ઉપરની શ્રદ્ધાને એક સાધુ તરીકે નમન કરું છું: પૂ.મોરારીબાપુ
કેપ્ટન સ્મિત જલ્દીથી પોતાનું સ્વાસ્થ્ય પુનઃ પ્રાપ્ત કરે તેવી પૂ.મોરારીબાપુએ હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી

રાજકોટ, તા.૩: પૂ.મોરારીબાપુએ કેપ્ટન સ્મિતના બહાદુરીભર્યા કાર્યને હૃદયપૂર્વક બિરદાવ્યું છે. કટોકટીની ઘડીએ સમયસૂચકતા વાપરી ૧૮૦ લોકોના પ્રાણની રક્ષા કરનાર કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને કારણે આજે સમગ્ર દેશનું મસ્તક ગૌરવથી ઊચું થયું છે. કટોકટી સર્જાઈ ત્યારે કેપ્ટન સ્મિત સતત હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યા હતા. પોતાની જાતને હોડમાં મૂકીને તેમણે ૧૮૦ નિર્દોષ લોકોના જીવ બચાવ્યા હતા. તેમ કહીને પૂ.મોરારિબાપુએ કેપ્ટન સ્મિતના બહાદુરીભર્યા કાર્યને હૃદયપૂર્વક બિરદાવ્યું છે. પૂ.મોરારીબાપુએ આજે તેમના પિતા અને કાકા સાથે ટેલિફોનિક વાર્તાલાપ કરી સૌને શુભેચ્છાઓ પાઠવી છે.
પૂ.મોરારીબાપુએ જણાવ્યું હતું કે, આપણા ગુજરાતના આપણા વીર સપૂત પાયલોટ સ્મિત મચ્છરના શૌર્ય અને ધૈર્યને નમન કરું છું. પોતાના જીવનને હોડમાં મૂકીને ૧૮૦ લોકોને જિંદગી આ યુવાને બચાવી જે સૌ માટે ગૌરવનો વિષય છે. તેમના પિતા શ્રી તથા તેમના કાકા સાથે મેં વાત કરી ત્યારે જાણવા મળ્યું કે આ બનાવ બન્યો ત્યારે સ્મિત સતત હનુમાન ચાલીસાના પાઠ કરતા હતા અને તેમના પરિવારજનો પણ વર્ષોથી હનુમાન ચાલીસાના પાઠ કરે છે તથા કથાઓના સારા શ્રોતાજનો છે.
કેપ્ટન સ્મિત મચ્છર એમની હનુમાનજી અને હનુમાન ચાલીસા ઉપરની શ્રદ્ધાને એક સાધુ તરીકે નમન કરું છું અને જલ્દી સ્વસ્થ થાય તેવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. કેપ્ટન સ્મિત આપને સો સો સલામ. કેપ્ટન સ્મિત જલ્દીથી પોતાનું સ્વાસ્થ્ય પુનઃ પ્રાપ્ત કરે તેવી પૂ.મોરારીબાપુએ હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે. તેમ જયદેવભાઈ માંકડ (તલગાજરડા)ની યાદીમાં જણાવ્યું છે.
(12:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
