News of Friday, 8th May 2026
ફરીદાબાદમાં પગાર વધારાનો મુદ્દો ગરમાયો: ફાર્મા કંપનીના કર્મચારીઓએ રસ્તા પર ઉતરી કર્યું વિરોધ પ્રદર્શન, હરિયાણાના ઔદ્યોગિક એકમોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
સરકારે લઘુત્તમ વેતનમાં 35% વધારો જાહેર કર્યા છતાં કંપનીઓનો અમલ કરવામાં આનાકાની: અમેરિકા-ઈરાન તણાવ અને મંદીનું બહાનું ધરી ઉદ્યોગપતિઓ પીછેહઠ કરતા મજૂર સંગઠનો આક્રમક મૂડમાં

ફરીદાબાદ: તા.૦૮ દિલ્હીને અડીને આવેલા હરિયાણાના ફરીદાબાદમાં શુક્રવારે ફરી એકવાર પગાર વધારાની ચિંગારી ભભૂકી ઉઠી છે. સેક્ટર-6 માં આવેલી એએનકેડબલ્યુ (ANKW) ફાર્મા રિટેલ પ્રાઇવેટ લિમિટેડના કર્મચારીઓએ સવારથી જ કંપનીની બહાર એકઠા થઈને ઉગ્ર સૂત્રોચ્ચાર અને પ્રદર્શન શરૂ કરી દીધું હતું. હરિયાણા સરકાર દ્વારા લઘુત્તમ વેતનમાં કરાયેલા વધારાને લાગુ કરવાની માંગ સાથે કર્મચારીઓએ બાંયો ચઢાવી છે, જેને પગલે પરિસ્થિતિ તંગ બનતા પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
હકીકતમાં, હરિયાણા સરકારે તાજેતરમાં લઘુત્તમ વેતનમાં અંદાજે 35 ટકાનો મોટો વધારો કર્યો છે અને તેને 1 મેથી લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, ફરીદાબાદના અનેક ઉદ્યોગપતિઓ આ વધારો આપવા તૈયાર નથી. ઉદ્યોગપતિઓનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે નિકાસ પર માઠી અસર પડી છે અને વેપારમાં ભારે મંદી છે. આવા આર્થિક સંકટમાં અચાનક પગાર વધારો આપવો તે નાની કંપનીઓ માટે પડકારજનક બની ગયું છે. બીજી તરફ, વધતી જતી મોંઘવારી સામે લડતા કર્મચારીઓ હવે કોઈપણ સંજોગોમાં નમતું જોખવા તૈયાર નથી.
નોંધનીય છે કે ગયા મહિને માનેસર અને નોઈડામાં પગાર વધારાના મુદ્દે થયેલા વિરોધ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ભારે તોડફોડ અને ઈજાઓની ઘટનાઓ બની હતી. તે સમયે વહીવટીતંત્રે મે મહિનાથી વધારો આપવાની ખાતરી આપીને મામલો થાળે પાડ્યો હતો, પરંતુ હવે મે મહિનો શરૂ થતા જ શ્રમિક સંગઠનો ફરી સક્રિય થયા છે. ફરીદાબાદમાં અંદાજે 30 હજાર નાના-મોટા ઉદ્યોગો છે જેમાં 10 લાખથી વધુ કર્મચારીઓ કામ કરે છે. જો કંપનીઓ વહેલી તકે ઉકેલ નહીં લાવે તો આ આંદોલન વધુ ઉગ્ર બનવાની અને અન્ય ઔદ્યોગિક વિસ્તારોમાં ફેલાવવાની પૂરેપૂરી શક્યતા છે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
