તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના ચરણે ભારતીય ટી-20 ક્રિકેટ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને કોચ ગૌતમ ગંભીરે ધરી વર્લ્ડ કપ ટ્રોફી: ઐતિહાસિક જીતની માનતા પૂર્ણ કરી
મંત્રોચ્ચાર સાથે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના ગર્ભગૃહમાં સુવર્ણ ટ્રોફી અર્પણ કરી ધજા પૂજન કર્યું: પૂજ્ય સંતોએ સૂર્યકુમારની નેતૃત્વ ક્ષમતાને બિરદાવી, સૂર્યકુમારે કહ્યું ‘શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાની કૃપાથી જ ટ્રોફી ભારત લાવી શક્યા’

રાજકોટ : સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના સાનિધ્યમાં ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં મેળવેલી ભવ્ય T-20 વર્લ્ડ કપ જીતનો ઉત્સવ આજે મનાવવામાં આવ્યો હતો. ભારતીય ટી-20 ટીમના કેપ્ટન અને ‘મિસ્ટર 360’ તરીકે જાણીતા સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર આજે ખાસ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શને પહોંચ્યા હતા. ભારત વિશ્વવિજેતા બને તે માટે રાખેલી માનતા પૂર્ણ કરવા બંને દિગ્ગજો પોતાની સાથે વર્લ્ડ કપ ટ્રોફી પણ લાવ્યા હતા.
કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ગૌતમ ગંભીરે મંત્રોચ્ચાર સાથે દાદાના ગર્ભગૃહમાં જઈને સુવર્ણ વર્લ્ડ કપ ટ્રોફી હનુમાનજી મહારાજના ચરણોમાં અર્પણ કરી હતી.શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના ચરણે ટ્રોફી ધરીને બંનેએ દેશની આ મોટી સફળતા માટે આભાર માન્યો હતો. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
આ પવિત્ર અવસરે કેપ્ટન સૂર્યકુમાર અને કોચ ગંભીરે ધજા પૂજનની વિધિ સંપન્ન કરી હતી અને મંદિરના શિખર પર આસ્થા સાથે ધજા ચડાવી હતી. મંદિરના પૂજ્ય સંતો દ્વારા આ બંને મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી નૌત્તમસ્વામીજી પ્રમુખશ્રી, સત્સંગ મહાસભા, શ્રી શુકદેવસ્વામીજી ગોકુલધામ નાર, કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી-સાળંગપુરધામ સહિત પૂજ્ય સંતોએ કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવની નેતૃત્વ ક્ષમતા અને ભારતીય ટીમની મહેનતને બિરદાવી હતી અને આગામી ટુર્નામેન્ટ્સમાં પણ ભારત વિજયી બને તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શનાર્થે આવેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું હતું કે, “વર્લ્ડ કપ જીતવો એ આખા દેશનું સપનું હતું અને શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાની કૃપાથી જ અમે આ ટ્રોફી ભારત લાવી શક્યા છીએ. આજે અહીં ટ્રોફી સાથે નતમસ્તક થઈને હું અને ગૌતમ ગંભીર ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ.”
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
