News of Monday, 16th November 2026
સગીરા ઘરમાંથી કિંમતી ઘરેણાં કાઢીને આપતી:પ્રેમી ઘરેણાં વેચીને મોંઘી બાઇક, મોબાઇલ અને કપડાં સહિતના શોખ પૂરા કરતો
સગીરા પોતાના જ પરિવારના બે ઘરોમાંથી દરરોજ થોડાં થોડાં ઘરેણાં ચોરી કરતી: સગીરાએ અત્યાર સુધીમાં આશરે 85થી 90 લાખ રૂપિયાના ઘરેણાં ચોરીને પ્રેમીને આપ્યા


ઉત્તર પ્રદેશના બાંદામાં ચોરીની એક ચોંકાવનારી ઘટનાનો ખુલાસો થયો છે. અહીં એક સગીરાએ પોતાના પ્રેમી સાથે મળીને પરિવારનાં જ બે ઘરોમાંથી લાખો રૂપિયાના દાગીનાની ચોરી કરી હોવાનો આરોપ છે. સગીરા છેલ્લા કેટલાય મહિનાથી ધીમે ધીમે ઘરમાંથી કિંમતી ઘરેણાં કાઢીને પ્રેમીને આપતી હતી. પ્રેમી આ ઘરેણાં વેચીને મોંઘી બાઇક, મોબાઇલ અને કપડાં સહિતના શોખ પૂરા કરતો હતો.
આ સમગ્ર મામલો અતર્રા કોતવાલી વિસ્તારનો છે. પરિવારનાં ઘરોમાંથી સતત કિંમતી ઘરેણાં ગુમ થઈ રહ્યાં હતાં. તિજોરીઓની તપાસ કરતાં મોટી સંખ્યામાં દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આથી પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં પરિવારને પણ અંદાજ નહોતો કે ઘરની અંદરનું જ કોઈ વ્યક્તિ ચોરીમાં સામેલ હોઈ શકે છે.
તપાસ દરમિયાન પોલીસે ઘરમાં લગાવેલા CCTV કેમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. તેમાં એક યુવતી હાથમાં કેટલીક વસ્તુઓ લઈને ઘરની બહાર જતી જોવા મળી હતી. પોલીસે તેની ઓળખ કરીને પૂછપરછ શરૂ કરી હતી. કડક પૂછપરછ દરમિયાન સગીરાએ પોતાના પ્રેમી સાથે મળીને પરિવારનાં ઘરોમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ સાથે જ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, સગીરાને પરિવારનાં ઘરોની ચાવીઓ અને તિજોરીઓ વિશે સંપૂર્ણ જાણકારી હતી. આ જાણકારીનો લાભ લઈને તે તાળાં તોડ્યા વિના કે કોઈ નુકસાન કર્યા વિના ધીમે ધીમે ઘરેણાં કાઢી લેતી હતી. ત્યારબાદ તે ચોરેલા દાગીના પોતાના પ્રેમીને સોંપી દેતી હતી. બંને એકબીજાને અગાઉથી ઓળખતાં હતાં અને સાથે અભ્યાસ પણ કરતાં હતાં.
આરોપ છે કે છેલ્લા કેટલાય મહિનાથી આ સિલસિલો ચાલી રહ્યો હતો. સગીરા પોતાના જ પરિવારના બે ઘરોમાંથી દરરોજ થોડાં થોડાં ઘરેણાં ચોરી કરતી હતી. બીજી તરફ, તેનો પ્રેમી આ ઘરેણાં વેચીને મળેલા પૈસાથી મોજશોખ કરતો હતો. તેની પાસે બુલેટ અને પલ્સર જેવી મોંઘી બાઇક હતી. આ ઉપરાંત તેને મોંઘા મોબાઇલ અને કપડાંનો પણ શોખ હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, સગીરાએ અત્યાર સુધીમાં આશરે 85થી 90 લાખ રૂપિયાના ઘરેણાં ચોરીને પ્રેમીને આપ્યા હતા. આ ખુલાસા બાદ પોલીસે આરોપી યુવકની શોધખોળ શરૂ કરી હતી અને તેને ઝડપી લીધો હતો.
ASP શિવરાજે જણાવ્યું હતું કે અતર્રા પોલીસ સ્ટેશનની ટીમે સતેન્દ્ર નામના આરોપીની ધરપકડ કરી છે. તે ચિત્રકૂટ જિલ્લાના રસિન ગામનો રહેવાસી છે. તેની પાસેથી 27 નંગ સોનાનાં અને 8 નંગ ચાંદીનાં ઘરેણાં મળી આવ્યાં છે. જપ્ત કરાયેલા સોનાનાં ઘરેણાંનું કુલ વજન 534 ગ્રામ અને ચાંદીનાં ઘરેણાંનું વજન આશરે 800 ગ્રામ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા ઘરેણાંની કુલ કિંમત 80 લાખ રૂપિયાથી વધુ છે. આ ઉપરાંત આરોપી પાસેથી બુલેટ અને પલ્સર બાઇક તેમજ રોકડ રકમ પણ મળી આવી છે. પોલીસનું કહેવું છે કે યુવકે સગીરા સાથે મળીને તેના જ પરિવારનાં ઘરોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો.
ASPએ વધુમાં જણાવ્યું હતું કે આરોપીની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેટલાય મહિનાઓ સુધી ઘરમાંથી ઘરેણાં ગાયબ થવા અને CCTV ફૂટેજના આધારે પરિવારની જ સગીર સભ્યની ભૂમિકા સામે આવવાનો આ કિસ્સો સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
