<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

બંગાળમાં મમતાના ગઢમાં ભગવો લહેરાયો: ભાજપની ઐતિહાસિક જીત પાછળના 'પંચરત્ન' અને અમિતભાઈ શાહની એ માસ્ટર ગેમની પૂરી કહાની

દિદીના ગઢમાં ગાબડું પાડનારા 5 સાયલન્ટ હીરોની વ્યૂહરચના સામે 'બાંગ્લા કાર્ડ' ફેલ: ભવાનીપુરમાં ખુદ મમતા બેનર્જી હારના આરે

 

કોલકાતા, તા.૦૪: પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે એક નવો સૂર્યોદય થયો હોય તેવા દ્રશ્યો વલણોમાં જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી જે રાજ્યમાં મમતા બેનર્જીનો એકહથ્થુ શાસન ગણાતું હતું, ત્યાં ભાજપે 144 બેઠકો પર લીડ મેળવીને ઈતિહાસ રચી દીધો છે. જ્યારે બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસ (TMC) માત્ર 76 બેઠકો પર સમેટાઈ રહી છે. સૌથી મોટો ઉલટફેર તો મમતા બેનર્જીના પોતાના ગઢ ભવાનીપુરમાં જોવા મળ્યો છે, જ્યાં તેઓ હારની કગાર પર છે.
પડદા પાછળના 5 'ચાણક્ય' જેણે પલટી નાખી બાજી
બંગાળની આ જીત માત્ર ચૂંટણી જીત નથી, પરંતુ એક બારીક વ્યૂહરચનાનું પરિણામ છે. આ વિજય પાછળ 5 એવા ચહેરા છે જેણે પ્રચારના ઘોંઘાટથી દૂર રહીને કામ કર્યું:
•    મંગલ પાંડે: રાજ્ય પ્રભારી તરીકે તેમણે બંગાળના ગામેગામ ફરીને નિષ્ક્રિય થઈ ગયેલા કાર્યકરોમાં પ્રાણ ફૂંક્યા.
•    ભૂપેન્દ્ર યાદવ: હરિયાણા અને મહારાષ્ટ્રના વિજય બાદ, યાદવે બંગાળના જમીની સમીકરણો સમજીને ઉમેદવારોની પસંદગીમાં મહત્વની ભૂમિકા ભજવી.
•    સુનીલ બંસલ: યુપીમાં ભાજપને શિખર પર પહોંચાડનાર બંસલે મહિનાઓ સુધી કોલકાતામાં ધામા નાખ્યા અને બૂથ સ્તર સુધી 'માઈક્રો મેનેજમેન્ટ' કર્યું.
•    બિપ્લવ કુમાર દેબ: સહ-પ્રભારી તરીકે તેમણે સંગઠનની આંતરિક ખટપટ દૂર કરી એકજૂથતા લાવી.
•    અમિતભાઈ શાહનું સુપરવિઝન: આ તમામ નેતાઓ સીધા ગૃહમંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યા હતા. શાહના પ્રવાસો અને રણનીતિએ ભાજપના વિજયી રથને વેગ આપ્યો.
મમતાનું 'બાંગ્લા કાર્ડ' આ વખતે નિષ્ફળ
વર્ષ 2021માં મમતા બેનર્જીએ 'બાંગ્લા અસ્મિતા' અને 'બહારના લોકો' કહીને ચૂંટણી જીતી હતી, પરંતુ 2026ના આ વલણો સાબિત કરે છે કે બંગાળની જનતા હવે એન્ટી-ઈન્કમ્બન્સી અને પરિવર્તનના મૂડમાં છે. નંદીગ્રામ બાદ હવે ભવાનીપુરમાં પણ જો મમતા હારી જાય, તો તે ટીએમસી માટે અસ્તિત્વની લડાઈ બની જશે.
રાજકીય વર્તુળોમાં ગરમાવો
ભાજપના આ શાનદાર પ્રદર્શનથી દિલ્હીથી લઈને કોલકાતા સુધી કાર્યકરોમાં જશ્નનો માહોલ છે. 'ઝાલમુરી' ખાવાથી લઈને કમળ ખીલવવા સુધીની આ સફર હવે બંગાળના નવા રાજકીય યુગની સાક્ષી બની રહી છે. હવે જોવાનું એ રહેશે કે જ્યારે આખરી પરિણામો જાહેર થાય ત્યારે ભાજપ આ આંકડાને સરકાર બનાવવા સુધી લઈ જઈ શકે છે કે નહીં.

(3:26 PM IST)