તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
સમગ્ર ગુજરાતમાં કેસરિયો લહેરાયો
ન કોંગ્રેસ કે ન આપ ગામડાથી લઇને શહેરો સુધીમાં બસ ભાજપઃ મતદારોએ ફરી ભાજપ ઉપર મૂકયો ભરોસો જીલ્લા-તાલુકા-નગરપાલિકા-મહાનગર પાલિકાઓ કબ્જે કરવામાં ભાજપ ફરી સફળઃ કયાંક કયાંક ‘આપ'એ જોર કર્યું

નવી દિલ્હી તા.૨૮: સમગ્ર દેશનું જયાં ધ્યાન કેન્દ્રીત છે તે ભાજપના ‘‘મોડેલ સ્ટેટ'' અને રાજકીય પ્રયોગશાળા ગણાતા ગુજરાતમાં તાજેતરમાં ૧૫ મહાપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જીલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની યોજાયેલી ચુંટણી બાદ આજે સવારથી શરૂ થયેલ મતગણતરીમાં આ લખાય છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ભગવો લહેરાયો છે. મળતા ટ્રેન્ડ અનુસાર ન કોંગ્રેસ કે ન તો ‘‘આપ'' ગામડાથી લઇને શહેરો સુધીમાં ભાજપનો જયજયકાર થયો છે. જો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અમુક બેઠકો પર આગળ છે પરંતુ સમગ્ર પરિસ્થિતી જોતા સર્વત્ર કેસરિયો લહેરાયો છે. મતદારોએ ફરીથી ભાજપ ઉપર ભરોસો મૂકયો છે. જીલ્લા- તાલુકા- નગરપાલિકાઓ પુનઃ કબ્જે કરવામાં ભાજપ સફળ રહયુ છે. રાજયમાં ભાજપનો દબદબો યથાવત રહયો છે. આ લખાય છે ત્યારે ૧૦ વાગ્યે રાજયની કુલ ૯૯૯૨ બેઠકોમાંથી ૧૨૩૬ ના મળેલા ટ્રેન્ડમાં ભાજપ ૧૧૩૧, કોંગ્રેસ ૭૬, આપ ૨૯ બેઠકો પર આગળ ચાલે છે અથવા બેઠક જીતી લીધેલ છે.
જયારે જીલ્લા પંચાયતની કુલ ૧૦૯૦ બેઠકોમાંથી ૭૩ના ટ્રેન્ડ મળ્યા છે. જેમાં ભાજપ ૬૯, કોંગ્રેસ ૩, આપ ૧ પર આગળ છે. નગરપાલિકાની ૨૬૨૪ બેઠકોમાંથી ૫૫૧ ના ટ્રેન્ડ પ્રાપ્ત થયા છે. જેમાં ૫૦૧ પર ભાજપ, ૩૯ પર કોંગ્રેસ અને ૧૧ ઉપર આપ આગળ છે. તાલુકા પંચાયતની કુલ ૫૨૩૪ બેઠકોમાંથી ૩૮૪ના ટ્રેન્ડ મળ્યા છે જેમાં ૩૪૯ પર ભાજપ, ૧૯ પર કોંગ્રેસ અને ૧૬માં આપ આગળ છે. મહાનગરપાલિકાની ૧૦૪૪ બેઠકોમાંથી ૨૧૬ના ટ્રેન્ડ મળ્યા છે જેમાં ૧૯૯ પર ભાજપ, ૧૫માં કોંગ્રેસ અને ૨ પર આપ આગળ છે.
ગુજરાત રાજ્ય ચૂંટણીપંચ અનુસાર, મહાનગરપાલિકામાં સમગ્ર રાજ્યમાં સરેરાશ કુલ ૪૯.૧૪ ટકા મતદાન નોંધાયું છે.
મોરબીમાં ૫૮.૭૫ ટકા, મહેસાણામાં ૫૩.૩૩ ટકા, નડિયાદમાં ૫૬. ૫ ટકા, નવસારીમાં ૫૯.૬૮ ટકા, વાપીમાં ૬૫.૬૮ ટકા, કરમસદ-આણંદમાં ૫૫.૨૩ ટકા, સરેન્દ્રનગરમાં ૫૨.૩૯ ટકા, સુરતમાં ૫૩.૮૫ ટકા, ભાવનગરમાં ૪૭.૨૬ ટકા, વડોદરામાં ૪૭.૦૧ ટકા, જામનગરમાં ૫૧.૭૧ ટકા, રાજકોટમાં ૪૬.૫૪ ટકા, ગાંધીધામમાં ૪૧.૭૮ ટકા, પોરબંદરમાં ૪૧.૬૭ ટકા અને અમદાવાદમાં ૪૫.૭૨ ટકા મતદાન નોંધાયું હતું. નગરપાલિકામાં અત્યાર સુધી ૫૯.૮૧ ટકા મતદાન થયું છે. જિલ્લા પંચાયતોમાં સરેરાશ ૬૧.૮૩ ટકા મતદાન નોંધાયું છે, જ્યારે તાલુકા પંચાયતોમાં ૬૨.૦૫ ટકા મતદાન થયું છે.

(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
