<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

ઉજ્જૈનમાં ગઢ કાલિકા મંદિરમાં સામાન્ય વાત અપમાનજનક લાગતા સાધ્વીએ પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

મંદિર પરિસરમાં હાજર પોલીસ અને લોકોએ સમયસૂચકતા વાપરી જીવ બચાવ્યો: વ્યવસ્થા જાળવવા બાજુ પર ખસવાનું કહેતા સાધ્વી અપમાનિત અનુભવી ગુસ્સે થયા

મધ્યપ્રદેશના સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ ઉજ્જૈનમાં સ્થિત ગઢ કાલિકા મંદિર ખાતે એક ભયાનક ઘટના સામે આવી છે. મંદિર પરિસરમાં આરતી દરમિયાન થયેલા સામાન્ય વિવાદે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે કિન્નર અખાડાની એક સાધ્વીએ જાહેરમાં પોતાના પર પેટ્રોલ છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે મંદિર પરિસરમાં હાજર શ્રદ્ધાળુઓમાં ભારે નાસભાગ અને ફફડાટ વ્યાપી ગયો હતો.

મળતી માહિતી મુજબ, રવિવારે બપોરે અંદાજે 12 વાગ્યાની આસપાસ કિન્નર અખાડાના સાધ્વી કાલી નંદ ગિરી ગઢ કાલિકા મંદિરમાં આરતીમાં સામેલ થવા પહોંચ્યા હતા. રવિવાર હોવાથી મંદિરમાં ભક્તોની ભારે ભીડ હતી. આ દરમિયાન મંદિર પ્રબંધન અને ગાર્ડ્સ દ્વારા વ્યવસ્થા જાળવી રાખવા માટે સાધ્વીને થોડા બાજુ પર ખસીને ઊભા રહેવા વિનંતી કરવામાં આવી હતી. આ સામાન્ય વાત સાધ્વીને અપમાનજનક લાગતા તેમણે તુરંત વિરોધ કર્યો અને માફીની માંગ કરી હતી.

 

 

જોતજોતામાં વિવાદ એટલો વધી ગયો કે ગુસ્સામાં ભરાયેલા સાધ્વી પોતાની કાર પાસે ગયા અને ત્યાંથી પેટ્રોલની બોટલ લઈ આવ્યા હતા. તેમણે સૌની નજર સામે પોતાના પર પેટ્રોલ છાંટવાનું શરૂ કરી દીધું હતું. સદનસીબે, ત્યાં હાજર પોલીસકર્મીઓ અને અન્ય લોકોએ સતર્કતા દાખવી સાધ્વીને રોકી લીધા હતા અને તેમના પર પાણી છાંટી મોટી દુર્ઘટના ટાળી હતી. જીવાજીગંજ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સાધ્વીને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો. સુરક્ષાના કારણોસર થોડા સમય માટે મંદિરનો એક દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો, જોકે દર્શન ચાલુ રહ્યા હતા.

(8:25 PM IST)