તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
"લગ્નની પવિત્ર સંસ્થાને હળવાશથી ન લેવી જોઈએ": પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ ફરીથી પુનર્લગ્ન કરનાર દંપતીને અલ્હાબાદ હાઈકોર્ટની માર્મિક ટકોર!
બે બાળકો હોવા છતાં વિવાદોમાં છૂટાછેડા લેવા અને બાદમાં ફરી સાથે રહેવું દુર્ભાગ્યપૂર્ણ: માતા-પિતાના વિરોધ સામે હાઈકોર્ટે દંપતીને પોલીસ રક્ષણ પૂરું પાડવા આદેશ આપ્યો

લખનૌ, તા.૨૯: લગ્ન જેવા પવિત્ર બંધન અને કૌટુમ્બિક મૂલ્યોને લઈને અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ અને માર્મિક અવલોકન કર્યું છે. સામાન્ય મનમુટાવ અને વિવાદોના કારણે પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા બાદ, બાળકોના ભવિષ્ય માટે ફરીથી પુનર્લગ્ન કરનાર એક દંપતીને સુરક્ષા આપતી વખતે અલ્હાબાદ હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "લગ્નની પવિત્ર સંસ્થાને હળવાશથી ન લેવી જોઈએ." કોર્ટે ઉમેર્યું કે જ્યારે દંપતીને અગાઉથી જ બે બાળકો હોય, ત્યારે પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા અને ત્યારબાદ ફરીથી લગ્ન કરવા એ એક "દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ" દર્શાવે છે.
પરિવારના હિતમાં આર્ય સમાજ મંદિરમાં કર્યા પુનર્લગ્ન
અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણ અને જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાની બેન્ચે રૂપા રાની અને તેમના પતિ દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ અરજી પર સુનાવણી કરતા આ અવલોકન કર્યું હતું. અરજી મુજબ, આ દંપતીના અગાઉ લગ્ન થયા હતા અને તેમને બે બાળકો પણ છે. જોકે, દંપતી વચ્ચે સામાન્ય કૌટુમ્બિક મતભેદો ઊભા થતાં તેમણે હિન્દુ મેરેજ એક્ટ હેઠળ કોર્ટમાંથી પરસ્પર સંમતિથી છૂટાછેડા મેળવી લીધા હતા. પરંતુ છૂટાછેડા બાદ બાળકોના ઉછેર અને સમગ્ર પરિવારના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને તેમણે પોતાના મતભેદો ભૂલાવી ૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ આર્ય સમાજ મંદિરમાં ફરીથી ધામધૂમથી લગ્ન કરી લીધા હતા.
પતિના પિતાના વિરોધ સામે મેળવ્યું કોર્ટનું શરણું
પુનર્લગ્ન બાદ દંપતીએ કોર્ટને જણાવ્યું હતું કે પતિના પિતા (સસરા) આ પુનર્લગ્નની સખત વિરુદ્ધમાં છે અને તેઓ તેમના શાંતિપૂર્ણ દાંપત્ય જીવનમાં આડખીલી ઊભી કરી રહ્યા છે તથા તેમને હેરાનગતિ કરી રહ્યા છે. દંપતીએ લગ્નની સત્તાવાર નોંધણી કરાવવા અને પરિવારજનોની દખલગીરી સામે રક્ષણ મેળવવા માટે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. દસ્તાવેજો અને હકીકતોની ચકાસણી કર્યા બાદ કોર્ટે નોંધ્યું હતું કે અરજદારો અગાઉ પતિ-પત્ની હતા અને હવે ફરીથી લગ્ન કરીને પોતાના બે બાળકો સાથે શાંતિથી રસી રહ્યા છે, તેથી કોઈ પણ ખાનગી વ્યક્તિ કે જાહેર સત્તાધિકારી તેમના જીવનમાં અવરોધ ઊભો કરી શકે નહીં.
સુપ્રીમ કોર્ટના 'લતા સિંહ' ચુકાદાનો આપ્યો સંદર્ભ
હાઈકોર્ટે પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટના ચર્ચિત 'લતા સિંહ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય' કેસનો આધાર લીધો હતો. સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું હતું કે દરેક પુખ્ત વયની વ્યક્તિ પોતાની મરજીથી જીવનસાથી પસંદ કરવા અને લગ્ન કરવા માટે સ્વતંત્ર છે, અને માતા-પિતા કે અન્ય કોઈ સંબંધી તેમને ધમકાવી, હેરાન કરી કે હિંસાનો ભોગ બનાવી શકે નહીં. હાઈકોર્ટે સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રે આ દંપતીને સંપૂર્ણ રક્ષણ પૂરું પાડવાનો આદેશ આપીને રિટ અરજીનો સફળતાપૂર્વક નિકાલ કર્યો હતો.
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
