તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
T20માં બેટ-બોલના સંતુલન માટે સચિન તેંડુલકરનું મોટું સૂચન: 'ઇમ્પેક્ટ પ્લેયર' નિયમ હટાવો, શ્રેષ્ઠ બોલરને આપો ૫ ઓવર
પાવરપ્લેના બે ભાગ કરવા અને રમતને વધુ રોમાંચક બનાવવા ક્રિકેટના ભગવાનની આઇપીએલ સત્તાવાળાઓને ખાસ અપીલ

મુંબઈ, ૩૧ મે:મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે T20 ક્રિકેટ અને ખાસ કરીને આઇપીએલ (IPL 2026) માં બેટ્સમેનોના વધી રહેલા વર્ચસ્વ વચ્ચે બેટ અને બોલ વચ્ચે સંતુલન પુનઃસ્થાપિત કરવા માટે કેટલાક ક્રાંતિકારી ફેરફારો સૂચવ્યા છે. મુંબઈમાં આયોજિત 'ESPN ક્રિકઇન્ફો એવોર્ડ્સ' દરમિયાન સચિને વર્તમાન મેચોમાં બની રહેલા ૨૨૦થી વધુ રનના હાઈ-સ્કોરિંગ પ્રવાહને રોકવા અને બોલરોને મદદ કરવા માટે 'ઇમ્પેક્ટ પ્લેયર' નિયમ તાકીદે નાબૂદ કરવા સહિતની નવી ફોર્મ્યુલા રજૂ કરી હતી.
સચિન તેંડુલકરે પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "T20 ફોર્મેટમાં માત્ર ૨૦ ઓવરની રમત હોય છે, જેમાં ઇમ્પેક્ટ પ્લેયરના કારણે ટીમમાં વધારાનો બેટ્સમેન ઉમેરાય છે. આ નિયમ બોલરોને વધુ મુશ્કેલીમાં મૂકીને રમતને અસંતુલિત કરે છે, તેથી તેને હટાવવો જોઈએ." આ સાથે જ ૨૧મી સદીના આ મહાન બેટ્સમેને પરંપરાગત ૬ ઓવરના પાવરપ્લેને બે અલગ-અલગ હિસ્સામાં વહેંચવાની નવીન વ્યૂહરચના પણ રજૂ કરી હતી.
તેમણે સૂચવેલા પાવરપ્લેના નવા નિયમોની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
-
પ્રથમ ૪ ઓવર (બેટ્સમેન પાવરપ્લે): રિંગની બહાર માત્ર બે ફિલ્ડરો રાખવાની મંજૂરી સાથે આ ઓવરો ફરજિયાત શરૂઆતમાં જ રમાશે.
-
બાકીની ૨ ઓવર (ફિલ્ડિંગ પાવરપ્લે): આ બે ઓવર ક્યારે લેવી તે ફિલ્ડિંગ કેપ્ટન નક્કી કરશે, જેમાં રિંગની બહાર એક વધારાનો ફિલ્ડર રાખવાની જોગવાઈ મળશે.
બોલરોને વધુ મજબૂત બનાવવાની વકીલાત કરતા સચિને ઉમેર્યું કે, વર્તમાન સમયમાં બોલર માટે મહત્તમ ૪ ઓવરની મર્યાદા છે, પરંતુ ટીમના શ્રેષ્ઠ બોલરને ૫ ઓવર ફેંકવાની મંજૂરી મળવી જોઈએ. તેમણે તર્ક આપ્યો હતો કે, "જ્યારે ટોચના બેટ્સમેનો આખી ૨૦ ઓવર સુધી બેટિંગ કરી શકતા હોય, તો ટીમના મુખ્ય અને શ્રેષ્ઠ બોલરને તેની પ્રતિભા બતાવવા માટે વધુ એક ઓવરનો પુરસ્કાર કેમ ન મળવો જોઈએ? ચાહકો પણ શ્રેષ્ઠ બોલરને વધુ બોલિંગ કરતા જોવા ઈચ્છે છે."
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરના સમયમાં ક્રિકેટના અનેક દિગ્ગજો અને બોલરોએ પણ બેટ્સમેનોની આક્રમકતા સામે બોલિંગ લાઇન-અપ નબળી પડી રહી હોવાની ચિંતા વ્યક્ત કરી છે. સચિન તેંડુલકરના આ દૂરોગામી સૂચનો બાદ હવે પછીની આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકોમાં આ નિયમોની સમીક્ષા કરવામાં આવે છે કે નહીં અને ક્રિકેટ બોર્ડ આ અંગે શું કડક પગલાં લેશે તેના પર સમગ્ર રમત જગતની નજર રહેશે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
