<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

સચિન તેંડુલકરની ૩૫ વર્ષની ક્રિકેટ સફર હવે ૨૫ ઐતિહાસિક બેટ દ્વારા જીવંત થશે

મુંબઈના વાનખેડે સ્‍ટેડિયમમાં અનોખા ‘બેટોગ્રાફી' મ્‍યુઝિયમનું ઉદઘાટન : પાંચ વર્ષની ઉંમરે બહેને ભેટ આપેલા પ્રથમ બેટથી લઈને ૧૦૦મી આંતરરાષ્ટ્રીય સદી અને છેલ્‍લી ટેસ્‍ટ સુધીના બેટ પ્રદર્શિત : સચિને પોતાના ક્રિકેટજીવનની યાદો તાજી કરતાં જણાવ્‍યું હતું કે ૨૪ વર્ષ સુધી તેમનું જીવન ક્રિકેટની ૨૨ ગજની પીચની આસપાસ ફરતું રહ્યું હતું

મુંબઈ : ભારતરત્‍ન સચિન તેંડુલકરના જીવનની અવિસ્‍મરણીય યાદો હવે ક્રિકેટપ્રેમીઓ નજીકથી નિહાળી શકશે. મુંબઈ ક્રિકેટ એસોસિયેશને સચિનના ૨૫ ઐતિહાસિક બેટ, પ્રથમ હેલ્‍મેટ, જર્સી અને વિદાય પ્રવચનની હસ્‍તલિખિત નોંધ સહિતની અમૂલ્‍ય વસ્‍તુઓનું વિશેષ પ્રદર્શન શરૂ કર્યું છે. આ પ્રસંગે સચિનના પરિવારજનો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

ભારતીય ક્રિકેટના મહાન બેટ્‍સમેન સચિન તેંડુલકરની અદભુત ક્રિકેટ કારકિર્દીને કાયમી સ્‍મૃતિરૂપે સાચવવા મુંબઈ ક્રિકેટ એસોસિયેશન દ્વારા વાનખેડે સ્‍ટેડિયમ સ્‍થિત એમસીએ શરદ પવાર ક્રિકેટ મ્‍યુઝિયમમાં ‘બેટોગ્રાફી' નામનો વિશેષ વિભાગ શરૂ કરવામાં આવ્‍યો છે. સચિન તેંડુલકરે પોતે એમસીએના પ્રમુખ અજિક્‍ય નાઈકની ઉપસ્‍થિતિમાં આ પ્રદર્શનનું ઉદ્ધાટન કર્યું હતું.

બરાબર ૧૩ વર્ષ પહેલાં, ૧૬ નવેમ્‍બર ૨૦૧૩ના રોજ સચિને વેસ્‍ટ ઇન્‍ડીઝ સામે વાનખેડેમાં પોતાની ૨૦૦મી અને અંતિમ ટેસ્‍ટ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું.

પ્રદર્શનમાં સચિનના જીવનના મહત્ત્વપૂર્ણ પડાવો સાથે જોડાયેલા ૨૫ બેટ મૂકવામાં આવ્‍યા છે. તેની શરૂઆત ૧૯૭૮માં પાંચ વર્ષની ઉંમરે મોટી બહેન સવિતાએ ભેટ આપેલા કાશ્‍મીર વિલો બેટથી થાય છે. ત્‍યારબાદ ૧૯૯૦માં માન્‍ચેસ્‍ટરમાં પ્રથમ ટેસ્‍ટ સદી ફટકારવા વપરાયેલું બેટ, ૧૯૯૮માં સર ડોન બ્રેડમેને ભેટ આપેલું બેટ, ૨૦૦૩ના વિશ્વકપનું બેટ અને ૧૬ માર્ચ ૨૦૧૨ના રોજ બાંગ્‍લાદેશ સામે ૧૦૦મી આંતરરાષ્ટ્રીય સદી નોંધાવનાર બેટ સહિતની ઐતિહાસિક વસ્‍તુઓ અહીં જોવા મળશે.

સચિને ૨૦૧૩માં પોતાની છેલ્‍લી ટેસ્‍ટ ઇનિગ્‍સમાં ઉપયોગમાં લીધેલું બેટ પણ પ્રદર્શનનું મુખ્‍ય આકર્ષણ છે. આ ઉપરાંત તેમની પ્રથમ હેલ્‍મેટ, મુંબઈ રણજી ટીમની જર્સી, ૨૦૦મી ટેસ્‍ટમાં પહેરેલી ભારતીય ટીમની જર્સી અને હેલ્‍મેટ તથા વાનખેડેમાં ભાવુક વિદાય પ્રવચન વખતે હાથમાં રાખેલી હસ્‍તલિખિત નોંધ પણ સાચવવામાં આવી છે.

સચિને પોતાના ક્રિકેટજીવનની યાદો તાજી કરતાં જણાવ્‍યું હતું કે ૨૪ વર્ષ સુધી તેમનું જીવન ક્રિકેટની ૨૨ ગજની પીચની આસપાસ ફરતું રહ્યું હતું. તેમના માટે બેટ માત્ર રમતનું સાધન નહોતું, પરંતુ શરીરના એક અંગ જેવું હતું. દરેક બેટ સાથે કોઈ ને કોઈ મેદાન, ઇનિગ્‍સ અને ચાહકોની યાદ જોડાયેલી છે.

સચિને એક રસપ્રદ પ્રસંગ યાદ કરતાં કહ્યું હતું કે ૧૯૮૯માં પાકિસ્‍તાનના સિયાલકોટ ખાતેની ટેસ્‍ટમાં તેમણે બનાવેલા ૫૭ રન તેમની કારકિર્દીની સૌથી મહત્ત્વપૂર્ણ ઇનિગ્‍સ પૈકીના એક હતા. એ ઇનિગ્‍સે ભારતને મેચ અને શ્રેણી બચાવવામાં મદદ કરી હતી. તેમના મતે આ ઇનિગ્‍સને જેટલું મહત્ત્વ મળવું જોઈએ એટલું મળ્‍યું નહોતું.

આ પ્રસંગે સચિનનાં પત્‍ની અંજલિ, પુત્ર અર્જુન, પુત્રી સારા, પુત્રવધૂ સાનિયા તેમજ બહેન સવિતા અને ભાઈઓ અજિત તથા નીતિન પણ ઉપસ્‍થિત રહ્યા હતા.સચિનને વાનખેડે સ્‍ટેડિયમની યાદરૂપે મેદાનનું ઘાસ ભેટ આપવામાં આવ્‍યું હતું.

(4:13 PM IST)