તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
સચિન પાયલટ હવે 'શાંત' છે, બંને પગ કોંગ્રેસમાં જ રહેશે: અશોક ગેહલોતનો કટાક્ષ
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રીએ માનેસર બળવાને યાદ કરી ભાજપ પર સાધ્યું નિશાન : પાયલટ હવે ગેરમાર્ગે દોરવાશે નહીં તેવી આશા સાથે પાર્ટીમાં એકતા હોવાનો દાવો કર્યો

જયપુર: રાજસ્થાન કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેનું શીતયુદ્ધ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. જયપુર એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા ગેહલોતે કટાક્ષપૂર્ણ શૈલીમાં જણાવ્યું કે, પાયલટ હવે સંપૂર્ણપણે શાંત થઈ ગયા છે અને તેમના બંને પગ કોંગ્રેસમાં જ છે. ગેહલોતે આડકતરી રીતે સંકેત આપ્યો કે પાયલટ હવે ભૂતકાળની ભૂલો સમજી ચૂક્યા છે અને તેઓ ક્યારેય પાર્ટી છોડવાનો વિચાર પણ નહીં કરે.
ગેહલોતે 2020ની માનેસરની ઘટનાને યાદ કરતા ભાજપ પર સરકાર તોડવાના ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે તે સમયે પાયલટને ગેરમાર્ગે દોરીને માનેસર લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તાજેતરમાં દિલ્હીમાં બંને નેતાઓ હસતા મુખે હાથ મિલાવતા જોવા મળ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગેહલોતે આ એકતાના પ્રદર્શન દ્વારા વિપક્ષને સંદેશ આપ્યો છે કે રાજસ્થાન કોંગ્રેસમાં હવે બધું બરાબર છે.
પશ્ચિમ બંગાળના પ્રવાસથી પરત ફરેલા ગેહલોતે ત્યાંની ચૂંટણીને અત્યંત જટિલ અને અણધારી ગણાવી હતી. રાજસ્થાનમાં વર્ષોથી ચાલી રહેલા ગેહલોત-પાયલટ વિવાદમાં આ નવું નિવેદન શાંતિની નિશાની છે કે નવા તોફાન પહેલાની શાંતિ, તે જોવું રહ્યું. જોકે, ગેહલોતનો આ આત્મવિશ્વાસ આગામી સમયમાં પાર્ટીના સંગઠન પર કેટલી અસર પાડે છે તેના પર રાજકીય વિશ્લેષકોની નજર છે.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
