News of Thursday, 16th April 2026
સંસદમાં 'સાસ-બહુ' ડ્રામા: અખિલેશના કટાક્ષ પર સ્મૃતિ ઈરાનીનો તીખો પલટવાર, કહ્યું- 'વારસાની રાજનીતિ છોડો'
લોકસભામાં મહિલા આરક્ષણ બિલ પર ચર્ચા દરમિયાન સપા પ્રમુખે કરેલી અંગત ટિપ્પણી બાદ રાજકીય ગરમાવો : પૂર્વ કેન્દ્રીય મંત્રીએ વળતો પ્રહાર કરી અખિલેશ યાદવને સીરિયલ અને સંસદ વચ્ચેનો તફાવત સમજાવ્યો

નવી દિલ્હી: લોકસભામાં મહિલા આરક્ષણ અને સીમાંકન બિલ પરની ચર્ચાએ ત્યારે વ્યક્તિગત વળાંક લીધો જ્યારે સપા પ્રમુખ અખિલેશ યાદવે સ્મૃતિ ઈરાનીના ભૂતકાળના અભિનય કરિયર પર કટાક્ષ કર્યો. અખિલેશે ટિપ્પણી કરતા કહ્યું કે, બેઠકો અનામત રાખવાથી મહિલાઓ વચ્ચે સ્પર્ધા વધશે અને તેમાં તમારી 'સાસુ અને વહુ' જેવો માહોલ સર્જાશે. આ કટાક્ષ સીધો સ્મૃતિ ઈરાનીની પ્રખ્યાત ટીવી સીરિયલ તરફ ઈશારો હતો, જેના કારણે સંસદના ગૃહમાં વાતાવરણ ગરમાયું હતું.
સ્મૃતિ ઈરાનીએ આ ટિપ્પણીનો જડબાતોડ જવાબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આપ્યો હતો. તેમણે લખ્યું કે, જેમને રાજનીતિ વારસામાં મળી છે તેઓ પોતાના દમ પર ઓળખ બનાવનારા લોકોની ટીકા કરી રહ્યા છે. ઈરાનીએ વધુમાં ઉમેર્યું કે, "સીરિયલમાંથી ધ્યાન હટાવીને સંસદ પર ધ્યાન આપો અને મહિલા સશક્તિકરણ માટેના મહત્વના બિલ પાસ કરાવવામાં મદદ કરો." તેમણે અખિલેશને એ પણ યાદ અપાવ્યું કે કામ કરતી મહિલાઓ પર ટિપ્પણી કરવી એ એવા લોકોને શોભતું નથી જેમણે જીવનમાં ક્યારેય સંઘર્ષ કર્યો નથી.
બીજી તરફ, અખિલેશ યાદવે આ ચર્ચા દરમિયાન ઓબીસી અનામતનો મુદ્દો પણ જોરશોરથી ઉઠાવ્યો હતો. તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો કે તેઓ 33 ટકા અનામતમાં ઓબીસી મહિલાઓને તેમનો હક આપવા માંગતા નથી. સપા પ્રમુખે સીમાંકન પહેલા વસ્તી ગણતરી કરવાની માંગ કરી હતી અને દાવો કર્યો હતો કે ભાજપ માત્ર મહિલાઓને ચૂંટણીના સ્લોગન તરીકે વાપરી રહી છે, જ્યારે તેમની પોતાની સંસ્થાઓમાં મહિલાઓનું યોગ્ય પ્રતિનિધિત્વ નથી.
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
