News of Thursday, 18th June 2026
યુક્રેનનો રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો ‘ડ્રોન પ્રહાર’: મોસ્કોની ઓઈલ રિફાઈનરીમાં ભીષણ વિસ્ફોટ, આકાશમાં ડ્રોનનો જંગ અને એરપોર્ટ પર ઠપ્પ થઈ ગયેલી હવાઈ સેવાઓ!
વોલોડીમીર ઝેલેન્સકીની રણનીતિ અને G7ના સમર્થન બાદ યુક્રેને બદલાની ભાવના સાથે રશિયન રાજધાની પર કર્યો મોટો હુમલો, પુતિન આ સમયે કાઝાનમાં ASEAN નેતાઓ સાથે વ્યસ્ત.

મોસ્કો: તા.18: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ફરી એકવાર સ્થિતિ અત્યંત ગંભીર બની છે. ચાર વર્ષ પહેલાં રશિયાના આક્રમણ બાદ યુક્રેને કરેલા સૌથી મોટા ડ્રોન હુમલાઓમાંના એકે આજે મોસ્કોને હચમચાવી દીધું છે. રશિયન રાજધાની મોસ્કોમાં આકાશમાં ડ્રોનનો એવો જંગ ખેલાયો કે જાણે આખું આકાશ યુદ્ધનું મેદાન બની ગયું હોય.
ઓઈલ રિફાઈનરી બની મુખ્ય નિશાન
રશિયન સંરક્ષણ મંત્રાલયના દાવા મુજબ, યુક્રેને એક સાથે ડ્રોનનો મારો ચલાવ્યો હતો. મેયર સેરગેઈ સોબ્યાનિને પુષ્ટિ કરી છે કે શહેરના દક્ષિણપૂર્વમાં આવેલી મોસ્કો ઓઈલ રિફાઈનરી પર અનેક ડ્રોન ત્રાટક્યા છે, જેના કારણે ભારે નુકસાનની આશંકા છે. રશિયન ડિફેન્સ સિસ્ટમે લગભગ 200 ડ્રોન તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે, પરંતુ રશિયાનું આખું એર ડિફેન્સ સિસ્ટમ સતર્ક હોવા છતાં આ હુમલાએ મોસ્કોને સુરક્ષિત ગણવાની રશિયાની પોલ ખોલી નાખી છે.
એરપોર્ટ લકવાગ્રસ્ત અને ફ્લાઈટ્સ પર અસર
આ હુમલાની સીધી અસર મોસ્કોના મુખ્ય એરપોર્ટ પર જોવા મળી હતી. પરિવહન મંત્રાલયે સુરક્ષાના કારણોસર ચાર મુખ્ય એરપોર્ટ્સ પરથી તમામ વાણિજ્યિક ફ્લાઈટ્સ અટકાવી દીધી હતી. આકાશમાં ડ્રોનનો ભય એટલો હતો કે હજારો મુસાફરો એરપોર્ટ પર અટવાઈ ગયા હતા.
ઝેલેન્સકીનો ‘માસ્ટર પ્લાન’ અને વૈશ્વિક સમર્થન
રસપ્રદ વાત એ છે કે, આ હુમલાના થોડા કલાકો પહેલા જ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે એક ઉચ્ચ-સ્તરીય સંકલન કોલ કર્યો હતો. G7 સમિટમાં મળેલી મોટી સફળતા બાદ યુક્રેન હવે વધુ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે. મેક્રોને પણ સ્પષ્ટ કર્યું છે કે યુક્રેનને તેની રક્ષા માટે વધુ ક્ષમતા અને વળતો હુમલો કરવાની ટેકનિક પૂરી પાડવામાં આવશે.
પુતિન એક તરફ, મોસ્કો બીજી તરફ
એક તરફ જ્યારે રશિયન રાજધાનીમાં યુક્રેનના ડ્રોન વિનાશ વેરતા હતા, ત્યારે બીજી તરફ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મોસ્કોથી 700 કિમી દૂર કાઝાનમાં હતા. તેઓ ત્યાં ASEAN દેશોના નેતાઓ સાથે રશિયાની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાના મંત્રણામાં વ્યસ્ત હતા. યુદ્ધની વચ્ચે પુતિનની આ ગેરહાજરી અને રાજધાની પર આ પ્રકારનો હુમલો રશિયા માટે એક મોટો સુરક્ષા પડકાર બની ગયો છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
