<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

રશિયાનો ફરી મોટો હુમલો :કિવ અને બુચામાં ભીષણ મિસાઈલ મારો: 37 લોકોના મોત: 50 ઇમારતો નષ્ટ

જેલેન્સ્કીના હોમટાઉન ક્રિવી રિહમાં મોલ પર હુમલામાં 16 નાગરિકો માર્યા ગયા:રશિયાએ મિલિટરી વેરહાઉસને ટાર્ગેટ કરવાનો દાવો કર્યો:યુક્રેનમાં સતત મિસાઈલ મારો ચાલુ રહેતાં બચાવ કામગીરી તેજ કરાઈ

યુક્રેનની રાજધાની કિવ અને તેની આસપાસના વિસ્તારો પર રશિયાએ તાજેતરના મહિનાઓનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 37 લોકોના મોત થયા છે અને મોટા પાયે વિનાશ વેર્યો છે. કિવના પશ્ચિમમાં આવેલા બુચા જિલ્લામાં મિસાઈલો ત્રાટકતાં ૫૦ થી વધુ રહેણાંક મકાનો અને રેસ્ટોરન્ટ્સ બળીને ખાખ થઈ ગયા છે.

 

યુક્રેનની રાજધાની કિવ અને નજીકના ઐતિહાસિક બુચા વિસ્તારમાં રશિયા દ્વારા કરવામાં આવેલા તાજા હવાઈ હુમલામાં ભારે જાનહાનિ થઈ છે. સ્થાનિક લશ્કરી વહીવટીતંત્રના વડા તિમુર તકાચેન્કોના જણાવ્યા અનુસાર, આ વર્ષે યુક્રેનિયન નાગરિક વિસ્તારો પર થયેલા સૌથી ઘાતક હુમલાઓમાંનો આ એક છે. મિસાઈલ અને ડ્રોન હુમલાના કારણે સમગ્ર વિસ્તારમાં આગ લાગી ગઈ હતી, જેના લીધે અનેક પરિવારો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. રાહત અને બચાવ ટુકડીઓ હાલમાં પણ કાટમાળમાંથી લોકોને બહાર કાઢવા યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. લશ્કરી સૂત્રોના જણાવ્યા અનુસાર, રશિયાએ નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને સતત ત્રણ દિવસથી મિસાઈલ વર્ષા ચાલુ રાખી છે.

 

યુક્રેને અગાઉ રશિયાના તેલ અને ઊર્જા મથકો પર ડ્રોન હુમલા કર્યા બાદ મોસ્કોએ આક્રમક વળતો પ્રહાર શરૂ કર્યો છે. રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીના ગૃહનગર ક્રિવી રિહમાં એક વ્યસ્ત શોપિંગ સેન્ટર પર રશિયાએ કથિત રીતે 'ડબલ-ટેપ' મિસાઈલ હુમલો કર્યો હતો. ડીનિપ્રોપેટ્રોવસ્ક ક્ષેત્રના વડા ઓલેક્સાન્દ્રા હાંઝાના જણાવ્યા પ્રમાણે, મોલ પર થયેલા હુમલામાં મૃત્યુઆંક વધીને 16 થયો છે, 130 થી વધુ ઘાયલ થયા છે અને અનેક લોકો હજુ પણ લાપતા છે.

 

બીજી તરફ, રશિયાના સંરક્ષણ મંત્રાલયે નિવેદન બહાર પાડીને દાવો કર્યો છે કે તેમણે માયલામાં સ્થિત લાંબા અંતરના ડ્રોન કમ્પોનન્ટ્સ અને લોન્ચ બૂસ્ટર ધરાવતા વેરહાઉસ પર સચોટ પ્રહાર કર્યા છે. આ ઉપરાંત માયકોલાઈવ અને ઈઝમાઈલ બંદરો સહિત કિવના લોજિસ્ટિક્સ સેન્ટરો અને ક્રૂઝ મિસાઈલ ડેપોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ યુદ્ધ ચાર વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યું છે અને નાગરિક વિસ્તારો પરના સતત હુમલા વૈશ્વિક ઊર્જા બજારો તેમજ પ્રાદેશિક સુરક્ષા માટે મોટો ખતરો બની રહ્યા છે.

(9:05 PM IST)