<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

રશિયન ટ્રાવેલ ઇન્ફ્લુએન્સરે ગૌહાટી એરપોર્ટના કર્યા ભરપૂર વખાણ: વિશ્વના સૌથી ભવ્ય અને અદભુત એરપોર્ટ્સમાં આપ્યું સ્થાન

અસમી કલ્ચર અને વાંસની થીમ પર બનેલા આધુનિક ટર્મિનલની સુંદરતા જોઈને દંગ રહી ગઈ વિદેશી વ્લોગર: આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની શાન વધી

ગુવાહાટી : ભારતના એરપોર્ટસ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિદેશી પ્રવાસીઓ અને પ્રખ્યાત ઇન્ફ્લુએન્સર્સનું ધ્યાન ખેંચી રહ્યા છે. તાજેતરમાં જ રશિયાના જાણીતા ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર મરિના કરબાનીએ (જે ઇન્સ્ટાગ્રામ પર 'Turk Love' તરીકે ઓળખાય છે) આસામના ગુવાહાટી સ્થિત લોકપ્રિય ગોપીનાથ બોર્ડોલોઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની મુલાકાત લીધી હતી. આ નવા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલની ભવ્યતા અને સુંદરતા જોઈને તે એટલી પ્રભાવિત થઈ ગઈ કે તેણે જાહેરમાં આ એરપોર્ટને વિશ્વના સૌથી શાનદાર અને 'એપિક' એરપોર્ટ્સમાંનું એક ગણાવ્યું છે.

 

મરિનાએ તેના સોશિયલ મીડિયા વીડિયોમાં ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેણે દુનિયાભરના અનેક એરપોર્ટ્સ જોયા છે, પરંતુ ગુવાહાટી એરપોર્ટ તેની યાદીમાં ટોપ-૩ સૌથી ભવ્ય એરપોર્ટમાં સ્થાન પામે છે. આ એરપોર્ટની અનોખી આર્કિટેક્ચરલ ડિઝાઇન પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ટર્મિનલની બનાવટમાં આસામ અને ઉત્તર-પૂર્વની સાંસ્કૃતિક ઓળખ તેમજ પ્રાકૃતિક સૌંદર્યને દર્શાવતા વાંસ (bamboo) અને ઓર્કિડ ફૂલોની થીમમાંથી પ્રેરણા લેવામાં આવી છે. અગાઉ વર્ષ ૨૦૨૬ના વિશ્વના સૌથી સુંદર એરપોર્ટ્સમાં પણ આ એરપોર્ટનું નામ સામેલ થઈ ચૂક્યું છે.

 

વિદેશી ઇન્ફ્લુએન્સર દ્વારા મળેલી આ શાનદાર પ્રશંસા બાદ ગુવાહાટી એરપોર્ટ ઓથોરિટી દ્વારા પણ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. એરપોર્ટ ટીમનું માનવું છે કે આ પ્રકારની વૈશ્વિક પ્રશંસા પ્રવાસીઓ માટે વધુ સારો અને ઉષ્માભર્યો અનુભવ પૂરો પાડવા માટે તેમની પ્રેરણા વધારશે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ ભારતીય યુઝર્સ પણ ઉત્સાહિત છે, કારણ કે કોઈ વિદેશી મહેમાન દ્વારા ઉત્તર-પૂર્વ ભારતના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય સ્તરે આટલું મોટું સન્માન મળવું એ દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે.

(6:17 PM IST)