News of Sunday, 26th July 2026
રશિયા-યુક્રેન યુદ્ધ વધુ ભીષણ બન્યું: ઓઈલના ઠેકાણાઓ પર હુમલાથી ૧૫ લોકોના મોત સાથે વૈશ્વિક ઊર્જા સંકટ ઘેરૂ બન્યું
કઝાકિસ્તાનની કેસ્પિયન પાઇપલાઇન પર ડ્રોન હુમલાને રશિયાએ ગણાવ્યો 'ઊર્જા આતંકવાદ', કાળા સમુદ્રમાં તેલ નિકાસ ટર્મિનલ સંપૂર્ણપણે ઠપ થઈ જવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં હાહાકાર

મોસ્કો, : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિનાશક યુદ્ધમાં હુમલાઓનો સિલસિલો અત્યંત ઉગ્ર બન્યો છે, જેમાં તાજેતરના ભીષણ હવાઈ હુમલાઓમાં કુલ ૧૫ નિર્દોષ નાગરિકોના મોત નીપજ્યા છે અને વૈશ્વિક સ્તરે મોટું ઊર્જા સંકટ સર્જાયું છે.
શનિવારે રશિયાના કબજા હેઠળના ઝાપોરિઝ્ઝિયા વિસ્તારમાં આવેલા હોલિડે કેમ્પ પર યુક્રેન દ્વારા કરવામાં આવેલા હુમલામાં ૧૨ લોકોનાં મોત થયા હતા, જ્યારે યુક્રેનના ઉત્તર-પૂર્વીય સુમી વિસ્તારમાં રશિયન ડ્રોન હુમલામાં વધુ ૩ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.
આ ભયાનક તણાવ વચ્ચે રશિયાએ કઝાકિસ્તાનના કેસ્પિયન પાઇપલાઇન કન્સોર્ટિયમ (CPC) પર યુક્રેન દ્વારા કરવામાં આવેલા હુમલાને આકરા શબ્દોમાં 'ઊર્જા આતંકવાદ' ગણાવ્યો છે અને વૈશ્વિક અર્થતંત્રને ચેતવણી આપી છે.
ગુરુવારે યુક્રેને આ મહત્વપૂર્ણ પાઇપલાઇન પર ડ્રોન હુમલો કર્યો હતો, જેના પરિણામે વિશ્વના કુલ તેલ નિકાસના ૨ ટકા હિસ્સાનું વહન કરતી આ લાઇનનો પુરવઠો ભારે માત્રામાં ઘટી ગયો છે અને શુક્રવારે કાળા સમુદ્રમાં સ્થિત તેલ નિકાસ ટર્મિનલ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે.
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે ઈરાન યુદ્ધના કારણે પહેલેથી જ વૈશ્વિક સ્તરે કાચા તેલના પુરવઠામાં ઘટાડો થયેલો છે, ત્યારે આ નવા હુમલાના કારણે વૈશ્વિક તેલ બજાર અને ઊર્જા સુરક્ષા પર ગંભીર અસરો પડવાની પૂરી શક્યતા છે.
આ ગંભીર કટોકટી બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ઊર્જા પુરવઠો પુનઃસ્થાપિત કરવા અને નુકસાન અટકાવવા માટે સંબંધિત દેશો દ્વારા કટોકટીના પગલાં લેવા અંગે વિચારણા ચાલી રહી છે..
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
